ટુ ધ પોઇન્ટ - અજિત પોપટ
ગયા સપ્તાહે બની ગયેલી એક કરતાં વધુ અનેક મહત્વની ઘટનાઓ છે.
* આજે આંતરરાષ્ટ્રીય શ્રમિક દિવસ છે. દુનિયાભરમાં શ્રમિકોનાં સંગઠન શોષણ કરતા કોર્પોરેટ સેક્ટર સામે સતત લડતા રહીને ન્યાયી વેતન વગેરે હક્કો મેળવતા રહ્યા છે. જો કે આજે પણ ભારત સહિત કેટલાય વિકાસશીલ દેશોમાં બિનસંગઠિત શ્રમિકો રોજ બાર પંદર કલાક કામ કરીને મિનિમમ વેતન પણ મેળવી શકતા નથી એ હકીકત છે. માત્ર ગુજરાત પૂરતી વાત કરીએ તો ચાની લારી પર કામ કરતા છોકરાઓને જોઇ લેજો. ક્યારેક બે મિનિટ એની સાથે વાત કરીને એના કામના કલાકો, પગાર અને એને ભોજનના નામે બે ટાઇમ અપાતા આહારની વિગતો જાણી લેજો. ચાની લારી તો માત્ર એક દાખલો છે.
* ગયા સપ્તાહે બે કોરિયા એક થયા એવા અહેવાલ ફોટા સહિત વહેતા થયા. આજથી લગભગ છવ્વીસ અઠ્ઠાવીસવર્ષ પહેલાં ૧૯૯૦ના જૂનની ૧૩મીએ બર્લિન વૉલ તૂટી હતી અને ઇસ્ટ તેમજ વેસ્ટ જર્મની એક થયા હતા. ઘણા ભારતીય જ્યોતિષીઓ એવી ખરીખોટી આગાહી કરતા રહે છે કે ભારત પાકિસાતન અને બાંગ્લા દેશ પણ આ રીતે એક દિવસ ફરી એક થઇ જશે અને અખંડ હિન્દુસ્તાનની રચના થશે.
* એક પૂજનીય જૈન મહારાજ સાહેબે અતિશય તાપ અને બફારા સામે થોડી રાહત મેળવવા એક સરસ સૂચન કર્યું છે. તમારે સડક પર ચાલતા કે ટુ વ્હીલર પર જવાની ફરજ પડે ત્યારે 'ॐ વં' મંત્રનો પૂરેપૂરી શ્રદ્ધાથી જાપ કરતાં રહેવું. ॐ વં એ વાયુનો બીજમંત્ર છે.
શિયાળામાં ॐ રં (અગ્નિના બીજમંત્ર)નો જાપ કરવાનો હોય જ્યારે ઉનાળામાં ॐ વં મંત્રનો જાપ કરવાથી ગમે તેવા તાપ અને બફારામાં રાહત મળશે. યોગાનુયોગે પ્રાચીન યોગશાસ્ત્રના અભ્યાસી એેક બહેને બીજો સરળ ઉપાય સૂચવ્યો છે.
ઘરની બહાર નીકળતી વખતે જમણા કાનમાં રૃનું પૂમડું ખોસી દો. એમ કરવાથી ડાબું નશ્કોરું જેને યોગવિદ્યામાં ચંદ્રનાડી (ઇડા) કહે છે એ સક્રિય થશે અને તમારું પોતાનું શરીર આપોઆપ તમને અસહ્ય ગરમી સામે રાહત આપશે.
ક્યારેક રૃનું પૂમડું નાખવાનું ભૂલી જાઓ તો જમણી બગલમાં ડાબા હાથની મૂઠ્ઠી વાળીને અથવા એકાદ પુસ્તક જમણી બગલમાં દબાવી રાખો. બે મિનિટમાં ઇડા નાડી સક્રિય થશે. પિંગળા (સૂર્ય નાડી ) શાંત થઇ જશે. એક વાત યાદ રાખવી ઘટે છે.
ઠંડાં પીણાં, આઇસક્રીમ કે બરફના ગોલાથી કદી ગરમી સામે રક્ષણ મળતું નથી. ઊલટું તકલીફ વધી જાય છે. એને બદલે સાદું કે માટલાનું પાણી, એવા સાદા પાણીમાં વરિયાળી, તખમરિયા કે લીંબુનું શરબત પીવાથી રાહત મળે છે.
શક્ય હોય તો ઘરની બહાર નીકળતી વખતે ઘરના દહીંની મોળી છાશ પીને નીકળવાથી કોઠો ટાઢો રહે છે. તાપ સામે રક્ષણ રૃપે માથાના વાળમાં તેલ નાખીને નીકળવાથી પણ તડકા સામે રક્ષણ મળે છે. એ ન કરી શકો તો બહાર નીકળતી વખતે ટોપી પહેરવાનું રાખી જુઓ. હવે કેટલીક નેગેટિવ વાતો -
* ધીમે ધીમે પણ મક્કમ ગતિથી કેટલાંક પરિબળો દેશમાં અરાજકતા લાવવાના સમર્પિત પ્રયાસો કરી રહ્યા છે. નાગરિકો જાગૃત નહીં રહે તો આવાં ભાંગફોડિયાં પરિબળો ખરેખર ફાવી જશે અને એમાં આપણને સૌને ભારે નુકસાન થશે એ યાદ રાખવા જેવું છે. ભાંગફોડિયા પરિબળો સામે સતત જાગૃત રહેવંુ એ જ આજની ફરજ હોવી ઘટે.
* દેશના ટોચના મનોચિકિત્સકોએ શોધી કાઢવું જોઇએ કે બળાત્કારના કિસ્સા અને તેય સાવ કૂમળી પાંચ સાત વર્ષની બાળા પરના દુષ્કર્મો કેમ આટલા બધા વધી ગયા ? લગભગ રોજ અખબારોમાં સાવ કોમળ ફૂલ જેવી બાળાઓ પર દુષ્કર્મના સરેરાશ ચારથી પાંચ કિસ્સા નોંધાયેલા હોય છે.
આવું ક્યાં સુધી ચાલવા દેવું છે ? માત્ર મીણબત્તી-કૂચ કર્યે રાખવાથી આવી ઘટનાઓ ઓછી થવાની નથી. એનાં મૂળ સુધી જવાના પ્રયાસો કરવા ઘટે. બળાત્કારીને મોતની સજા કરવાથી પણ આવાં કુકર્મો ઘટાડી કે બંધ નહીં કરી શકે.
* રાજકીય હરીફને ધરાશાયી કરવા સુપ્રીમ કોર્ટને હાથો બનાવનારા લોકો પણ જાણ્યે અજાણ્યે લોકશાહીના પાયામાં ઘા કરી રહ્યા છે.
જસ્ટિસ જોસેફનો પક્ષ લઇને ગુલબાંગો મારનારા એક વાત ભૂલી જાય છે કે ઇંદિરા ગાંધીની ચૂંટણીને ગેરકાયદે જાહેર કરનારા અલાહાબાદ હાઇકોર્ટના જસ્ટિસ સિંહા આજે ક્યાં છે ? કટોકટીકાળના અત્યાચારોની તપાસ કરનારા જસ્ટિસ જેસી શાહ આજે ક્યાં છે ? આ બંને માનનીય જજો સામે પ્રિન્સ રાહુલ ગાંધીના દાદીમા ઇંદિરા ગાંધીએ કચકચાવીને પગલાં લીધાં હતાં.કોમન મેનને જ્યારે માત્ર ન્યાયતંત્ર પર રહ્યોસહ્યો વિશ્વાસ ટકી રહ્યો છે ત્યારે સુપ્રીમ કોર્ટ અને ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયાને સંડોવવાના પ્રયાસો લોકશાહીને કમજોર કરવાના પ્રયાસો ગણી લેવા જોઇએ.
Comments
Post a Comment