મદન મોહનની રાગરાગિણી આધારિત અલૌકિક તર્જોની ઝલક

madan mohan manna dey
સિનેમેજિક - અજિત પોપટ
6 એપ્રિલ 2018, શુક્રવાર

અસંખ્ય રાગોમાંથી મહેફિલના કહેવાય એવા પાંચ સાત રાગો પર જ ફિલ્મ ગીતો વધુ બન્યાં છે

અપ્રતિમ પ્રતિભા અને અથાક પુરુષાર્થ છતાં કોઇ અકળ કારણથી ટોચના ફિલ્મ સર્જકોએ જેમને પોતાની ફિલ્મોની ઑફર ન કરી એવા દાદુ સંગીતકાર મદન મોહન વિશેની વાતો આપણે મમળાવી રહ્યા છીએ.

માર્ચના ચોથા શુક્રવારે આપણે એમના એક અદ્વિતીય ગીતની વાત કરેલી. એ ગીત રાગ નંદ આધારિત હતું. આ લેખકે ફિલ્મ સંગીત સાથે છેલ્લાં ચાલીસ પચાસ વરસથી સંકળાયેલા કેટલાક લોકો સાથે વિગતે વાત કરી.

એ સૌએ સ્વીકાર્યું કે મદન મોહન સિવાય કોઇએ રાગ નંદ પર આધારિત ગીત રચ્યું નથી. આમ આ ગીત મદન મોહનનો એક વિશિષ્ટ રેકોર્ડ ગણાય. આજે તેમના રાગરાગિણી આધારિત અન્ય કેટલાંક ગીતોની વાત કરીએ. ફરી એેકવાર તમને યાદ કરાવી દઉં કે અસંખ્ય રાગોમાંથી મહેફિલના કહેવાય એવા પાંચ સાત રાગો પર જ ફિલ્મ ગીતો વધુ બન્યાં છે. યમન, પીલુ, પહાડી, ભૈરવી, માલકૌંસ, શિવરંજની, વગેરે એવા રાગરાગિણી છે જેના પર આધારિત સૌથી વધુ ગીતો બન્યાં હોય.

લખનઉ રેડિયો પર કામ કરતી વેળા જે ઉસ્તાદોને મન ભરીને માણેલા એ બધાંએ રજૂ કરેલા કેટલાક રાગ રાગિણી મદન મોહનના દિમાગી કોમ્પ્યુટરમાં જમા થયા હતા. એમાંના કેટલાક રાગ રાગિણીની અજમાયેશ મદન મોહને ફિલ્મ સંગીતમાં ખૂબીપૂર્વક કરી. એકાદ દાખલાથી હું મારી વાતને વધુ ન્યાય આપીશ.

રાગ અહીર ભૈરવની વાત કરીએ ત્યારે બધાંને મન્ના ડેના કંઠમાં એસ ડી બર્મને રજૂ કરેલું ગીત 'પૂછો ના કૈસે મૈંને રૈન બીતાયી' (ફિલ્મ મેરી સૂરત તેરી આંખેં) યાદ આવતું હોય છે. આમ તો રાગ અહિર ભૈરવ પર આધારિત ડઝનેક ગીતો મળી આવશે. પરંતુ એનો સૌથી પહેલો ઉપયોગ મદન મોહને છેક ૧૯૫૭માં કરેલો. ફિલ્મ 'દેખ કબીરા રોયા'માં લતાજીએ ગાયેલું ગીત યાદ કરો- 'મેરી બિણા તુમ બિન રોયે..' આ ગીતમાં વિરહિણી નાયિકાના મનની સંવેદનાને મદન મોહન અને લતાજીએ જે રીતે રજૂ કરી છે એમાં તમને નાયિકાની વેદનાનો અનોખો અહેસાસ થઇ જાય. લતાજીએ પણ કંઠને એ રીતે વહેતો મૂક્યો છે કે સાંભળનાર ગદ્ગદ થઇ જાય.

અહીર ભેરવનો આ પહેલવહેલો પ્રયોગ અને ગીત યાદગાર ન બને એમ બને ખરું ? પછી તો ઘણા સંગીતકારોએ આ રાગને અજમાવ્યો. પહેલ કરી મદન મોહને એમ નમ્રતાપૂર્વક કહી શકાય.

અખિલ ભારતીય ગાંધર્વ મહાવિદ્યાલયની સંગીત વિશારદની પરીક્ષા આપનારા બાળકોના પહેલા વર્ષના અભ્યાસક્રમમાં રાગ ભીમપલાસી આવે છે જ્યારે કર્ણાટક સંગીતનો રાગ ચારુકેશી છેક અલંકારના અભ્યાસક્રમમાં એટલે કે અનુસ્નાતક (પોસ્ટ ગ્રેજ્યુએટ) લેવલે આવે છે.

અન્ય ફિલ્મ સંગીતકારોની જેમ મદન મોહને પણ પહેલા વર્ષના ભીમપલાસીથી શરૃ કરીને ચારુકેશી સુધીના રાગો પોતાની આગવી શૈલીથી અજમાવ્યા હતા. મોટા ભાગના સ્વરનિયોજનો યાદગાર બન્યાં એ મદન મોહનની વિશેષતા છે. 'મેરા સાયા' (૧૯૬૬)માં રાગ ભીમપલાસી પર આધારિત ગીત 'નૈંનોં મેં બદરા છાયે બીજલી સી ચમકે હાયે, ઐસે મેં બલમ મોંહેં ગરવા લગાયે..' ગીત એ સંદર્ભમાં માણવા જેવંુ છે.

અંતરામાં 'મદિરા મેં ડૂબી અખિયાં'નો ઉપાડ જે રીતે થાય છે એમાં તમને કવિ કલ્પના સાથે સ્વરનું સ્વાભાવિક નર્તન પણ અનુભવાશે, કેમ જાણે શરાબપાન પછી માણસ ડોલે એમ આંખોનંુ નર્તન થતું હોય. લતાજીએ સરસ રીતે સપાટ તાન મારતાં હોય એવી હરકતથી આ ગીતના દરેક અંતરાનો ઉપાડ કર્યો છે.

જો કે એમ લાગે છે કે લતાજીને એે હરકત મદન મોહને બતાવી હોવી જોઇએ. ખુદ લતાજીએ તાજેતરમાં પ્રગટ થયેલા પુસ્તક 'લતા: સુરગાથા'ના લેખકને લતાજીએે કહ્યું છે કે મદનભૈયા ગાયક પાસે જે અપેક્ષા રાખતા હોય એ પોતે ગાઇને સમજાવતા. ક્યારેક આગોતરું સ્પુલ પર રેકોર્ડ કરીને રાખતા અને ગાયકને એની નકલ આપતા જેથી ગાયક સતત એ સાંભળી સાંભળીને પોતાની રીતે ગીતને તૈયાર કરી શકે. અહીં એક વિચાર આવે છે.

ફિલ્મ સંગીતમાં શાસ્ત્રીય ગીતો માટે મન્ના ડે અને મુહમ્મદ રફી ખૂબ પંકાયા છે. એવું મહિલા ગાયકોમાં લતાજી માટે કહી શકાય. અન્ય ગાયિકાઓએ પણ શાસ્ત્રીય ગીતો ગાયાં છે પરંતુ એમની તુલના લતાજીની મુરકી કે તાન જેવી હરકતો સાથે કદી કરી શકાય નહીં એ હકીકત સ્વીકાર્યે છૂટકો. તમારો અભિપ્રાય જુદો હોઇ શકે છે.

છેક ૧૯૪૨થી શરૃ કરીને લગભગ ૨૦૦૦ની સાલ સુધીની લતાજીએ ગાયેલી કોઇ પણ ગીતની તુલના અન્ય ગાયિકા સાથે કરી જુઓ. તરત સમજાઇ જશે ! એટલે તો યુગસર્જક ગાયક ઉસ્તાદ બડે ગુલામ અલી ખાન સાહેબે પિતાતુલ્ય લાગણીથી કહેલું, સાલી કભી બેસુરી નહીં હોતી...


Comments