જન્નત કૈસે બની જહન્નમ... ?

ટોપ્સીટર્વી - અજિત પોપટ


04 april 2018


યહી હૈ જન્નત, યહી હૈ જન્નત, યહી હૈ જન્નત... પૃથ્વી પરના સ્વર્ગ તરીકે જમ્મુ કશ્મીરને વર્ણવતી ગઝલ લખનાર શાયર આજે જમ્મુ કશ્મીરમાં જાય તો એેને આ જન્નત જહન્નમમાં ફેરવાઇ ગયેલું લાગે. એક કરતાં વધુ સ્થળે કર્ફ્યૂ, પથ્થરમારો, લગભગ રોજ આતંકવાદી અને સિક્યોરિટી દળો વચ્ચે સામસામા ગોળીબાર.. કશ્મીરી પોલીસ અને સિક્યોરિટી દળોના કહેવા મુજબ ૨૦૧૮ના પહેલા ત્રણ જ મહિનામાં સત્તાવીસથી વધુ યુવાનો વિવિધ આતંકવાદી દળોમાં સામેલ થઇ ગયા હતા.

ગયા મહિનાની  સત્તાવીસમીએ (૨૭-૦૩-૧૮) પાંચેક યુવાનો આતંકવાદી જૂથોમાં ભળ્યા એના પુરાવા રૃપે સોશ્યલ મિડિયા પર કાલાશ્નિકોવ રાયફલ સાથે દેખાયા હતા. એક યુવાન તો તાજેતરમાં વિભાજનવાદી હુર્રિયતના ચેરમેન બનેલા મુહમ્મદ અશરફ શેહરાઇનો દીકરો છે.

પોલીસના કહેવા મુજબ ગયા વરસે દર ત્રણ દિવસે એક યુવાન આતંકવાદી બની જતો જણાયોે હતો. કોઇ કહેતાં કોઇ પોલિટિકલ પાર્ટી કે નેતાના પેટનું પાણી હાલતું નથી. મારા તમારા જેવા પ્રમાણિક કરદાતા નાગરિકના ગજવામાંથી કરોડો રૃપિયા જમ્મુ કશ્મીર પાછળ ખર્ચાય છે. ક્યાં જાય છે એ કરોડો રૃપિયા ? કોઇએ આરટીઆઇ કાયદા હેઠળ માહિતી માગવી જોઇએ. વાત માંડીને કરવા જેવી છે.

આપણામાંના કેટલા લોકો જાણે છે કે જમ્મુ કશ્મીરના વિકાસ માટે દર વરસે કેન્દ્ર સરકાર ૩,૦૦,૦૦૦ (ત્રણ લાખ ) કરોડ રૃપિયા ફાળવે છે. એની સામે આપણને શું મળે છે ? પાકિસ્તાન તરફી સૂત્રોચ્ચાર અને પાકિસ્તાની ધ્વજવંદન, પોલીસ અને સિક્યોરિટી દળો પર બેફામ હુમલા, પથ્થરમારો, ભારત વિરોધી હિંસક આંદોલનો... આઝાદી પછીની પહેલી સરકારે આપેલા ખાસ દરજ્જાનો ગેરલાભ તમામ કશ્મીરી પક્ષો અને નેતાઓએ લીધો.

રાજ્યની પ્રજાના કલ્યાણ અર્થેં સોગન ખાવા પૂરતોય એક રૃપિયો ખર્ચ્યો નથી. આપણે સૌએ આપેલા નાણાંથી દરેક પક્ષ અને એના નેતાઓએ પોતાની તિજોરી ભર્યે રાખી. સાથોસાથ લોકોના મનમાં એવું ઠસાવતા રહ્યા કે ભારત સરકાર આપણને સતત અન્યાય કરે છે. આપણા વિકાસ માટે કશું કરતી નથી. આવા વિદ્રોહી વાતાવરણમાં આગમાં ઘી હોમવાનું કામ કરતા રહ્યા પાકિસ્તાનના બગલબચ્ચાં જેવા વિભાજનવાદી પરિબળો. ખાસ કરીને તહેરિક-એ-હુર્રિયત.

આ એ જ રાજ્ય છે જ્યાં બાબા અમરનાથ અને વૈષ્ણોદેવી બિરાજમાન છે. આ ધર્મસ્થળોની મુલાકાત લેતા હજ્જારો શ્રદ્ધાળુઓ દર વરસે સ્થાનિક મુસ્લિમોના ઘરનો ચૂલો જલતો રાખવા કરોડો રૃપિયા આપે છે. કેન્દ્ર સરકાર દ્વારા અપાતી સહાય અલગ. આમ છતાં કોઇ અકળ કારણે કશ્મીરી યુવાનો સતત ગૂમરાહ થતા રહ્યા છે. એવું થવામાં નશનલ કોેન્ફરન્સ અને મહેબૂબા મુફ્તીના પક્ષનો પણ ધીંગો ફાળો છે. નેશનલ કોન્ફરન્સના ફારુખ અબ્દુલ્લા મિર્ઝાપુરી લોટા જેવા છે. ક્યારે કઇ બાજુ ઢળી પડે એ કહી શકાય નહીં.

લંડન, પેરિસ અને ન્યૂયોર્કના પોશ એરિયામાં કીમતી  પ્રોપર્ટી ધરાવતા ફારુખે પોતાના રાજ્યના વિકાસ માટે શું કર્યું એ જાણવું હોય તો કોમ્પ્ટ્રોલર એન્ડ એકાઉન્ટન્ટ જનરલ (સીએજી)ના વાર્ષિક રિપોર્ટસ્ જોવા પડે. લગભગ એવું જ મહેબૂબા મુફ્તીનું કહી શકાય. 

આ લોકોએ સત્તાનો ઉપયોગ પોતાના આર્થિક વિકાસ માટે કર્યો. નાગરિકોનું જે થવું હોય તે થાય. નફ્ફટાઇની હદ તો ત્યારે આવી જ્યારે મહેબૂબાની સરકારેભારતીય લશ્કરના ઇમાનદાર અધિકારીઓ સામે નિર્દોષ નાગરિકોની હત્યાના આરોપ મૂક્યા. એ તો ભલુ થજો સુપ્રીમ કોર્ટનું કે આ આક્ષેપો ફગાવી દીધા.

પોતાને માનવ અધિકારવાદી ગણાવતા લોકો પોલીસ કે સિક્યોરિટી દળોના માનવ અધિકારને ધ્યાનમાં લેતા નથી. એ તો સતત ભારતીય લશ્કરને બદનામ કરવા થનગનતા હોય છે. હુર્રિયતના નવા ચેરમેન મુહમ્મદ અશરફ શેહરાઇને જ્યારે પોલીસ વડાએે વિનંતી કરી તે તમારા પુત્રને આતંકવાદી જૂથો છોડીને પાછાં આવવા માટે જાહેર અપીલ કરો ત્યારે આ માણસે નફ્ફટાઇથી કહી દીધું કે મારો દીકરો પુખ્ત વયનો છે.

હું એેના કામકાજમાં માથું મારી ન શકું..  લો કરો વાત. ગમે ત્યાં છૂપાયેલા આતંકવાદીને પકડવા આવેલા સિક્યોરિટી દળો પર કશ્મીરી યુવાનો જ્યારે ત્યારે હુમલા કરે છે. છતાં રાજ્ય સરકાર સિક્યોરિટી દળોને બદનામ કરે છે. દુર્ભાગ્ય એવું છે કે હાલના શાસક પક્ષમાં ભાજપ પણ પાપનો ભાગીદાર શય્યા-સાથી  છે.

ક્યારેક લાગે છે કે બુલેટ્સ ફોર બુલેટ્સના સમર્થક પોલીસ વડા જુલિયો રિબેરો જેવા જ અહીં હોવા જોઇએ. ભલે પાંચ પચાસ નિર્દોષ યુવાનો ઢળી પડે. એકવાર પોલીસ અને સિક્યોરિટી દળોની ધાક તથા મોતનો ડર યુવાનોના હૈયામાં પેસી જવો જોઇએ. રાજ્યને અપાયેલા ૩,૦૦,૦૦૦ કરોડનો આંકડો ૨૦૧૬-૧૭નો છે. છેલ્લાં સિત્તેર વર્ષમાં આવા તો અબજો, ખર્વો, નિખર્વો, શંકુ, ત્રિશંકુ રૃપિયા કશ્મીર ઓહિયાં કરી ગયું છે.

વળતરમાં બેવફાઇ અને સતત દેશદ્રોહી વર્તન કરતું રહ્યું છે. આ પાર કે પેલે પાર જેવો આકરો નિર્ણય આજે નહીં તો કાલે પણ આપણે કરવો પડશે. કશ્મીરી પ્રજાએ એકવાર નક્કી કરી લેવું જોઇએ કે ભારત સાથે રહેવું છે કે પાકિસ્તાન સાથે ? રોજેરોજ કેટલાય જવાનો વિના કારણે શહીદ થઇ રહ્યા છે. આ દુ:સ્વપ્નનો અંત કદીય આવશે ખરો ?

Comments