સિનેમેજિક - અજિત પોપટ
વચ્ચેના સમયગાળામાં જામી ગયેલા કુમાર સાનુ કે શબ્બીર કુમાર યા મુહમ્મદ અઝીઝ કે ઉદિત નારાયણ વગેરે આજે ક્યાં છે ?
આજે મહિનાનો છેલ્લો શુક્રવાર એટલે નવી પેઢીના સંગીત રસિકો માટે વાતો કરવાનેા દિવસ. એક ઇન્ટરવ્યૂમાં લતાજીએ તાજેતરમાં કહ્યું કે ફિલ્મ સર્જક પોતે સંગીતના સમજુ હોય ત્યારે ઘણો ફરક પડી જાય છે. તેમણે ટોચના ફિલ્મ સર્જક સંજય લીલા ભણસાલીને બિરદાવતાં કહ્યું કે ભણસાલીજીમાં રાજકપૂર જેવી સંગીત સૂઝ છે.
એ પોતાની ફિલ્મોમાં પોતે સંગીત પીરસી શકે એટલા સમૃદ્ધ છે. પરંતુ એે અન્યોને યશ લેવા દે છે... આજના મોટા ભાગના સંગીતકારોની વાત કરીએ એ સમયે લતાજીનો આ અભિપ્રાય ધ્યાનમાં લેવા જેવો છે. ફિલ્મ સર્જક પોતે થોડોઘણો પણ 'કાનસેન' હોય તો જ સંગીતકાર પાસે પોતાને જોઇતું સંગીત મેળવી શકે. બાકી એણે જે મળે એનાથી ચલાવી લેવું પડે.
આપણે છેલ્લા થોડા એપિસોડથી સંગીતકાર પ્રીતમની વાતો કરી રહ્યા છીએ. આજે એમની બે ફિલ્મો લવ આજ કલ અને જબ વી મેટની ઊડતી ઝલક આપવાનો પ્રયાસ કર્યો છે. યોગાનુયોગે આ બે ફિલ્મોના ડાયરેક્ટર પણ એક જ છેઃ ઇમ્તિયાઝ અલી. ડોક્યુમેન્ટરી ફિલ્મો બનાવતાં બનાવતા ફિચર ફિલ્મો બનાવવા લાગેલા ઇમ્તિયાઝ અલી નિર્દેશિત પહેલી ફિલ્મ લવ આજ કલ છોટે નવાબ તરીકે ઓળખાતા સૈફ અલી ખાન અને દિનશ વીજનની હતી.
ફિલ્મ રજૂ થયા પહેલાં એવી વાત હતી કે એ ૨૦૦૫ની હિટ તાઇવાનીઝ ફિલ્મની રિમેક છે. પરંતુ એવું નહોતું. ફિલ્મ મધ્યમ સફળતાને વરી હતી. જો કે એનાં તેલુગુ રૃપાંતરને સારી એવી સફળતા મળી હતી. આ ફિલ્મમાં પ્રીતમ ધાર્યું કામ કરી શક્યા એનું એક કારણ એવું છે કે બેકગ્રાઉન્ડ સ્કોરની જવાબદારી સલીમ સુલેમાનને અપાઇ હતી એટલે પ્રીતમનું કામ ફક્ત ગીતો સ્વરબદ્ધ કરવા પૂરતું મર્યાદિત રહ્યું હતું. કામનું એટલે એમને બહુ ટેન્શન ઓછું થઇ ગયેલૂું. એક બે નહીં પૂરાં દસ ગીતો હતાં જેમાં બે ગીત રિપિટ હતાં એટલે આઠ રહ્યાં. પ્રીતમે પોતાની સ્ટાઇલ મુજબ નવા-જૂના ગાયકો અજમાવ્યા હતા.
ઇર્શાદ કામિલની રચનાને પાકિસ્તાની ગાયક રાહત ફતેહ અલી ખાને રજૂ કરી હતી. એનું મુખડું હતું 'અજ્જ દિન ચઢેયા તેરે રંગ વરગા, ફૂલ સા હૈ ખિલા આજ દિન, રબ્બા મેરે દિન યે ના ઢલે...' રાહતના કંઠે ખીલ્યંુ છે. પાકિસ્તાની કલાકારોનો વિરોધ કરનારા લોકેાએ એ યાદ રાખવું જોઇએ કે રિયાઝના જોરે આગવી ગાયનશૈલી વિકસાવનારા આવા ગાયકોની બરાબરી કરે એવા ગાયકો આપણે તૈયાર કરીએ તો બહારથી કોઇને બોલાવવાની જરૃરિયાત આપોઆપ ખતમ થઇ જાય.
અહીં બે ગીતોને પાછળથી રિમિક્સ તરીકે પણ રજૂ કરાયાં છે. અહીં પ્રીતમે સુનિધિ ચૌહાણ અને સલીમ સાથે જલંધરના (બોમ્બે વાઇકીંગ્સ બેન્ડ ફેમ) નીરજ શ્રીધરને અજમાવ્યો છે. થોડીક કડવી લાગે એવી પણ મહત્ત્વની વાત એ છે કે ૧૯૫૦થી ૧૯૮૦ સુધી પાર્શ્વગાયન કરનારા મુહમ્મદ રફી, મન્ના ડે, મૂકેશ, કિશોર કુમાર હેમંત કુમાર કે તલત મહેમૂદના કંઠની લચક, સ્વરલગાવ તથા અદાયગી સાથે ત્યારના સંગીતકારોની મેલેાડી દૂધમાં સાકર ભળે એવી ભળી ગઇ હતી એટલે આ ગાયકોએ સેંકડો ગીતોને યાદગાર બનાવ્યાં.
પ્રીતમ અને એમના સમકાલીન સંગીતકારોએ ભલે નવોદિતેાને તક આપી પરંતુ કાં તો સંગીતકારોની મેલોડી નબળી હતી અથવા આ ગાયકોમાં લાંબો સમય ટકી રહેવાની ક્ષમતા નહોતી. સાવ નવોદિતોની વાત ન કરો તો પણ આજે વચ્ચેના સમયગાળામાં જામી ગયેલા કુમાર સાનુ કે શબ્બીર કુમાર યા મુહમ્મદ અઝીઝ કે ઉદિત નારાયણ વગેરે આજે ક્યાં છે ?
ફરી કહું કે કાં તો સંગીતમાં દમ નહોતો અથવા આ નવોદિતોની પોતાની ક્ષમતા ઓછી હતી. નીરજ શ્રીધરે ત્રણ ગીતો ગાયાં એક ગીત સુનિધિ સાથે અને બીજું સંગીતકાર સલીમ સાથે. ત્રીજું પોતાનો સોલો. પરંતુ એક્કેય યાદગાર બન્યું નથી એ હકીકત સ્વીકાર્યે છૂટકો. મોહિત ચૌહાણે ગાયેલું દૂરિયાં... સાંભળવું ગમે તેવું હતું. લવ આજ કલનાં ગીતો ફિલ્મ ચાલી ત્યાં સુધી સંભળાતા રહ્યા. આજે બહુ સંભળાતાં નથી.
એની તુલનાએ જબ વી મેટનાં ગીતો કેટલેક અંશે સફળ થયાં એમ થોડીક અતિશયોક્તિ સાથે કહી શકાય. કદાચ એનું કારણ શાહિદ કપૂર અને કરીનાની જોડીનો જાદુ પણ હોઇ શકે. ફિલ્મની સ્ટોરીલાઇનનો પણ કરિશ્મા હોઇ શકે. એટલેજ ક્યારેક એવું પણ લાગે છે કે ફિલ્મની મુખ્ય જોડી, સ્ટોરીલાઇન અને લોકેશનો પણ સંગીતને હિટ બનાવવામાં ફાળો આપતાં હશે.આ ફિલ્મમાં પણ ડાયરેક્ટર તો ઇમ્તિયાઝ અલીજ હતા.
અહીં પણ દસ ગીતો હતાં જેમાં ત્રણ રિપિટ કરાયાં હતાં.ગાયકો પણ જાણીતા હતા. મોહિત ચૌહાણના કંઠે ગવાયેલું ગીત બીજીવાર રિમિક્સ રૃપે અને ત્રીજી વાર વાદ્યવૃન્દ તરીકે રજૂ થયંુ. ઇર્શાદ કામિલના આ ગીતના આરંભના શબ્દો શાબ્દિક જોડકણા જેવા પણ લાગે. 'ના હૈ યહ પાના, ના ખોના હી હૈ, તેરા ના હોના, જાને ક્યોં હોના હી હૈ...' અહીંથી મુખ્ય ગીત શરૃ થાય છે-'તુમ સે હી દિન હોતા હૈ, સુરમયી શામ આતી હૈ તુમ સે હી...' આ ગીત પરદા પર જામ્યું એટલુંજ સીડી પર સાંભળવું ગમે એવું પણ બન્યું.
(ક્રમશઃ)
Comments
Post a Comment