વૃક્ષનો વ્યવહારુ વિકલ્પ: 'મોક્ષકાષ્ઠ'


ટોપ્સીટર્વી - અજિત પોપટ
25 April 2018


છેલ્લાં થોડાં વરસથી દેશભરનાં મુક્તિધામ (પારંપરિક શબ્દ સ્મશાન)માં અગ્નિસંસ્કાર માટેનાં લાકડાંની ભારે અછત વર્તાતી રહી છે. આડેધડ કપાઇ રહેલાં જંગલો આવું થવાનું મુખ્ય કારણ છે.

એ સંજોગોમાં અંતિમ સંસ્કાર માટે વૃક્ષો કાઢવા ક્યાંથી ? થોડાં વરસો પહેલાં મહાનગર મુંબઇના શેરીફપદે રહી ચૂકેલા ઉદ્યોગપતિ મોહન પટેલે એક સરસ યોજના અમલમાં મૂકી હતી. મુંબઇ મહાનગરથી દૂર ઘણું કરીને દહાણુ વિસ્તારમાં નીલગીરીનંુ વન સ્થાપ્યું હતું. ત્યારબાદ જાહેર અપીલ કરી હતી કે જે પરિવાર ઇચ્છે તે આ વૃક્ષો દત્તક લઇ શકે છે. એ માટે અમુક રકમનું દાન આપવાનું.

દાતા પરિવારમાં કોઇનું નિધન થાય ત્યારે આ નીલગીરી વનનાં લાકડાં એને અંતિમ સંસ્કાર માટે અપાય. આ લાકડામાં જીવાત કે સડો થતો નથી અને એેમાં તેલ હોવાથી પાર્થિવ દેહનો મોક્ષ પણ ઝડપભેર થઇ જતો હતો.

બીબીસીએ થોડાં વરસો પહેલાં કરેલી એક સ્ટોરી એવી હતી કે ગરીબ ગણાતા બિહાર રાજ્યના કેટલાંક ગરીબ વિસ્તારોના સ્મશાનમાં ગોબરનાં થાપેલાં છાણાં વડે મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવતા. આમ પણ ગ્રામ વિસ્તારોમાં બળતણ તરીકે છાણાંનો વપરાશ સાવ કોમન ગણાય છે. 

બીબીસીના આ પ્રોગ્રામની પ્રેરણા મળી હશે કે નહીં એની તો આ લખનારને જાણ નથી પરંતુ મહારાષ્ટ્રની બીજી રાજધાની ગણાતા અને ખૂશ્બોદાર સંતરાંને કારણે દુનિયાભરમાં પ્રસિદ્ધ એવા નાગપુરમાં એક સરસ પ્રયોગ કરવામાં આવ્યો.

નાગપુર મ્યુનિસિપાલિટીએ આ પ્રયોગ કરાવ્યો. રોજ શહેરમાં એકઠા થતા સૂક્કા કચરામાં ગોબરનાં છાણાં ભેળવીને ખાસ પ્રક્રિયા દ્વારા ઇંટ જેવા મજબૂત ચોસલાં તૈયાર કરવામાં આવ્યાં. એમાં અગરબત્તી કે ધૂપમાં વપરાતાં કેટલાંક પદાર્થો પણ ઉમેરવામાં આવ્યાં જેથી અંતિમ સંસ્કાર દરમિયાન વાતાવરણ શુદ્ધ રહે. 

આ ઇંટને 'મોક્ષ કાષ્ઠ' નામ આપવામાં આવ્યું. હાલ નાગપુર શહેરમાં જેટલાં મુક્તિધામ (સ્મશાન) છે એ બધાંમાં આ મેાક્ષ કાષ્ઠ વપરાય છે. ગરીબ પરિવારોને એ નહીં નફો નહીં નુકસાનના ધોરણે અપાય છ. બીજાઓનેે અમુક મહેનતાણું લઇને પૂરાં પાડવામાં આવે છે.

મોક્ષ કાષ્ઠના પગલે બે ત્રણ ક્રાન્તિકારી બાબતો સર્જાણી. એક, આડેધડ વૃક્ષો કપાતાં બંધ થયાં. બે, શહેરના કચરાના નિકાલની સમસ્યાનું નિરાકરણ હાથવગું થયું. ત્રણ અંતિમ સંસ્કારની પ્રક્રિયા ઝડપી અને ખૂશ્બોદાર બની. આ પરંપરા સમગ્ર નાગપુરમાં અત્યંત લોકપ્રિય નીવડી છે.

મહારાષ્ટ્રના અન્ય શહેરોમાં પણ આ પ્રયોગ થાય એવા પ્રયાસો ચાલી રહ્યા છે.  સૌથી મોટી વાત વૃક્ષોના જતનની છે. અંતિમ સંસ્કાર માટે આવતા પાર્થિવ દેહને કેટલાં લાકડાં જોઇશે એનો અંદાજ સ્મશાનના કર્મચારીઓને પોતાના અનુભવના આધારે આવી જતો હોય છે.   

એક દેહના અંતિમ સંસ્કાર માટે સરેરાશ પચાસ મણ લાકડાં જોઇએ એવી કલ્પના કરીએ. રોજ આઠ દસ દેહ આવતા હોય તો લગભગ રોજ પુખ્ત વયના એક વૃક્ષને નિર્દયપણે કાપી નાખવાની ફરજ પડે. સમગ્ર શહેરની વસતિને ધ્યાનમાં રાખીએ તો રોજ કેટલાં વૃક્ષોની કતલ કરવી પડે ? પરિણામે પર્યાવરણને કેટલું નુકસાન થાય એ તો ત્રિરાશિ માંડયા વિના પણ સમજાઇ જાય એવી વાત છે. 

એક મહત્ત્વનો મુદ્દો એ પણ છે કે લાકડાં કે ગેસની ભઠ્ઠી કરતાં મોક્ષ કાષ્ઠ દ્વારા અંતિમ સંસ્કાર સરવાળે સોંઘું પડે છે. નાગપુર મ્યુનિસિપાલિટીએ અપનાવેલી આ પરંપરા દેશનાં મોટા ભાગનાં શહેરોમાં અજમાવવા જેવી ખરી કે નહીં ?

Comments