બળાત્કારીને ક્યાં કેવી સજા થાય છે ?

ટુ ધ પોઇન્ટ - અજિત પોપટ

એકવાર સજા જાહેર થઇ જાય પછી દયા માયા કે લાગણીવેડામાં સરી પડવાની પરંપરા દુનિયાના કોઇ દેશમાં નથી.

કઠુઆ, ઉન્નાવ, સૂરત રાજકોટ.... લગભગ રોજે રોજ સવાર પડે ને ઘરમાં અખબાર આવે ત્યારે પહેલા પાને બળાત્કારના સમાચાર વાંચીને હૈયું કંપી ઊઠે. એમાંય સાવ કૂમળી બાળકી પર જ્યારે રાક્ષસી તાકાતથી પશુ બનેલો માનવી તૂટી પડે ત્યારે... શબ્દો શોધવા પડે એવી આ કરુણાંતિકા દિવસે દિવસે વધતી જાય છે. એનું એક સચોટ કારણ આપણી ન્યાયપદ્ધતિ છે. નીચલીમાં નીચલી કોર્ટથી માંડીને સુપ્રીમ કોર્ટ સુધી દરેક સ્થળે લાખ્ખો કેસ પેન્ડીંગ છે.

કાયદાનો ભય વિકૃત વિચારો ધરાવતા લોકોને હવે ડરાવતો નથી. બીજી બાજુ વિદેશોમાં બળાત્કારનો કાયદો એવો તો કડક છે કે એક અપરાધીને સજા થાય તો બીજા સો પુરુષો ધૂ્રજી ઊઠે. દુનિયાભરમાં બળાત્કારો તો થાય છે, પરંતુ આપણા જેટલા નહીં. આપણે ત્યાં તો બળાત્કાર વિનાનો એક્કે દિવસ ખાલી જતો નથી. એવા વિકટ સંજોગોમાં દુનિયાના કયા દેશમાં બળાત્કારીને કેવી સજા થાય છે એની એક ઝલક અહીં પ્રસ્તુત કરી છે.

 - અમેરિકામાં બળાત્કારનો ભોગ બનેલી યુવતીની ઉંમર અને એના પર ગુજારાયેલી ક્રૂરતાના પ્રમાણના આધારે આજીવન કેદ અથવા ૩૦ વર્ષની જેલ અને /અથવા દંડ કરાય છે, રશિયામાં વીસ વર્ષની સખ્ખત મજૂરીની જેલની સજા કરાય છે, પોલાન્ડમાં ડુક્કરોને ખવડાવી દેવાની મોતની સજા કરાય છે, ચીનમાં મેડિકલ તપાસ દરમિયાન બળાત્કાર પુરવાર થાય એટલે તરત મોતની સજા ફરમાવી દેવામાં આવે છે, દક્ષિણ આફ્રિકામાં વીસ વર્ષની સખ્ખત મજૂરીની જેલની સજા ફટકારવામાં આવે છે...

-ઇસ્લામી દેશોની પરિસ્થિતિ જુદા પ્રકારની છે. દાખલા તરીકે સાઉદી અરેબિયામાં બળાત્કારનો ગુનો પુરવાર થાય એટલે બળાત્કારીના ગુપ્તાંગને કાપી નાખવાની સજા કરાય છે અથવા એને જમીનમાં દાટીને પથ્થરો વડે ટીચી ટીચીને મારી નાખવાની સજા કરાય છે,  ઇરાન અને ઇરાકમાં પણ ગુનો પુરવાર થયા બાદ ૨૪ કલાકમાં પથ્થરો વડે ટીચી ટીચીને મારી નાખવાની સજા થાય છે,

કતારમાં ગુપ્તાંગ ઉપરાંત હાથ-પગ કાપી નાખીને પથ્થરો વડે ટીચીને મારી નાખવાની સજા કરાય છે, અફઘાનિસ્તાનમાં ગુનો પુરવાર થયાના ચાર દિવસમાં માથામાં ગોળી મારીને મોતની સજા કરાય છે, મોંગોલિયામાં બળાત્કારનો ભોગ બનેલી યુવતીના પરિવારને બદલો લેવાની અને બળાત્કારીને મારી નાખવાની કાયદેસર પરવાનગી આપવામાં આવે છે, મલેશિયામાં મોતની સજા કરાય છે, કુવૈતમાં પણ ગુનો પુરવાર થયાના સાત દિવસમાં મોતની સજા ફરમાવવામાં આવે છે....

નેધરલેંડમાં આ માટે અલગ અલગ કાનૂની કલમો છે. જે તે કલમના આધારે સજા અને સજાનું પ્રમાણ નક્કી કરાય છે. ખૂબીની વાત તો એ છે કે આમાંના કોઇ દેશમાં કહેવાતા માનવ અધિકારવાદીઓ બળાત્કારના કેસમાં થતી સજા સામે અવાજ ઊઠાવી શકતા નથી. 

એકવાર સજા જાહેર થઇ જાય પછી દયા માયા કે લાગણીવેડામાં સરી પડવાની પરંપરા દુનિયાના કોઇ દેશમાં નથી. કેટલાક દેશોમાં તો બળાત્કારના કિસ્સામાં તરત દાન ને મહાપુણ્યની જેમ અદાલતો તત્કાળ કેસ હાથમાં લઇને ફટાફટ ચુકાદો આપી દે છે.

પોલીસ કે મેડિકલ તપાસ કરનારા તંત્રનું લાસરિયાપણું ત્યાં ચાલતું નથી. આપણે ત્યાં એનાથી ઊલટું છે. દાખલા તરીકે ઉન્નાવના કિસ્સામાં ભાજપી ધારાસભ્ય સંડોવાયેલો હોવાથી પહેલાં તો પોલીસે ફરિયાદ લેવાનીજ ના પાડી. પછી આરોપીના ભાઇએ પોલીસની હાજરીમાં પીડિતાના પિતાને ઢોરમાર માર્યો જેની વિડિયો ક્લીપ પણ સોશ્યલ મિડિયા પર ફરતી થઇ. ઢોંગી સૉરી યોગી આદિત્યનાથની સરકાર પેલા ધારાસભ્યની  પૂછપરછ કરવા જેટલીય નૈતિક હિંમત બતાવી ન શકી. આવા મુખ્ય પ્રધાનને 'યોગી' શી રીતે કહેવો ?

થોડા દિવસ પહેલાં ટોળાની પશુતાનો એક કિસ્સો વ્હૉટસ્ એપ પર જોવા મળેલો. આંધ્ર પ્રદેશની એક રાજસ્થાની યુવતીએ મુસ્લિમ યુવાન સાથે લગ્ન કર્યાં એટલે બસો પાંચસો માણસોના એેક ટોળાએ એના પર હુમલો કર્યો. હુમલો કરનારામાં સ્ત્રીઓ પણ હતી.

પહેલાં એને સખ્ખત મારપીટ કરી. એટલાથી સંતોષ ન થતાં એના પર પેટ્રોલ છાંટીને એને જલાવી દેવામાં આવી. લગભગ સાત મિનિટની એ વિડિયો ક્લીપ હતી. ટોળામાં અનેક લોકો ઊભા રહીને એની વિડિયો ઊતારી રહ્યા હતા. કોઇને અરેરાટી થતી નહોતી.

આંતરજાતીય કે આંતરકોમીય લગ્નો કરવાની આટલી બધી રાક્ષસી સજા ? આપણી કાયદાપોથીમાં ફેરફાર કરીને આવા કેસ ગણતરીના દિવસોમાં પૂરા કરવાની તાકીદ હાલની સરકાર કરી શકશે ખરી ? કે પછી ઉન્નાવ રિપિટ થયા કરશે ?

Comments