સિનેમેજિક - અજિત પોપટ
ગયા શુક્રવારે આપણે મદન મોહને રાગ યમનમાં વિરહિણી નાયિકાના મનોભાવને રજૂ કરતું ફિલ્મ બહાનાના ગીત 'જા રે બદરા બૈરી જા'ની વાત કરી હતી. આજે રાગ પીલુની વાત કરીએ. યમનની જેમ પીલુને પણ મોટા ભાગના ફિલ્મ સંગીતકારોએ ખૂબ પ્રયોજ્યો છે અને ક્યારેક તો પીલુ સાંભળનાર પર રીતસર ભુરકી છાંટે છે.
પીલુમાં સેંકડો ગીતો મળી આવે. સંગીતકાર નૌશાદે ભૈરવીની જેમ પીલુનો પણ રીતસર કસ કાઢેલો. અહીં મદન મોહનના સંગીતમાં તૈયાર થયેલા જે ગીતની વાત કરીએ છીએ એ ફિલ્મ 'દૂલ્હન એક રાત કી'નું હતું. ડી ડી કાશ્યપ નિર્દેશિત આ ફિલ્મમાં ધર્મેન્દ્ર, નૂતન અને રહેમાન જેવી મોખરાની સ્ટારકાસ્ટ હતી. રાજા મહેંદી અલી ખાનની રચના હતી, લતાજીનો કંઠ હતો,
અને આ એ પીલુ આધારિત ગીત હતું 'મૈંને રંગ લી આજ ચુનરિયા, સજના તોરે રંગ મેં...' આ ગીતના મુખડાને એક કરતાં વધુ રીતે સંગીતકારે લાડ લડાવ્યા છે એ તમે સાંભળતાં સાંભળતાં માણી શકો.
મુખડું જુદી જુદી સ્વરલતાથી ગૂંથાતું રહે છે. પીલુ રાગ આમ પણ ઉપશાસ્ત્રીય રચનાઓ માટે શાસ્ત્રીય સંગીતકારોનો પણ લાડકો રાગ છે. ખાસ કરીને પીલુમાં વિરહિણી નાયિકાના મનોભાવો રજૂ કરતી ઘણી ઠુમરી પ્રસિદ્ધ છે. આ ફિલ્મમાં અન્ય બે ત્રણ ગીતો પણ રાગદારી આધારિત હતાં.
અગાઉ કહ્યંુ એમ સ્થળસંકોચના કારણે દરેક ગીતની ચર્ચા શક્ય હોતી નથી. છતાં વધુ એક ગીતની વાત કરી જ લઇએ. અહીં એક સ્પષ્ટતા: જે ગીતની વાત હવે કરી રહ્યા છીએ એ મૂળ ગઝલ-ઠુમરી સામ્રાજ્ઞાી બેગમ અખ્તરે ગાયેલા એક દાદરા પર આધારિત હતું.
બેગમ સાહિબા ક્યારેક સંધિકાલીન રાગ પૂર્વીથી આ દાદરાનો ઉપાડ કરતા અને પછી પોતાની વિશિષ્ટ સ્ટાઇલમાં એમાં જુદા જુદા રાગ- રાગિણીની છાયા (શાસ્ત્રીય સંગીતની પરિભાષામાં કહીએ તો આવિર્ભાવ તિરોભાવ) રજૂ કરીને એને રોમાન્ટિક બનાવતા. શબ્દો હતા- 'હમાર કહા માનો રાજાજી...' આ જ મુખડા પર રાજા મહેંદી અલી ખાન પાસે ગીત લખાવીને મદન મોહને આશા ભોંસલે તથા ઉષા મંગેશકરના કંઠે આ ગીત રજૂ કર્યું હતું અને એ હિટ નીવડયું હતું.
ઐતિહાસિક તો ન કહી શકાય પરંતુ ઇતિહાસના અંશો સાથે રજૂ થયેલી ફિલ્મ નવાબ સિરાજુદ્દૌલા (૧૯૬૭)માં મદન મોહને એેક સરસ ગીત સદા સુહાગિન રાગિણી ભૈરવીમાં રજૂ કર્યું હતું. અહીં એક આડવાત. ક્યારેક વિચાર કરજો.
શંકર જયકિસન, નૌશાદ, સી. રામચંદ્ર, રોશન, એસ. ડી. બર્મન, મદન મોહન, કલ્યાણજી આનંદજી, આર ડી બર્મન અને લક્ષ્મીકાંત પ્યારેલાલે ભૈરવી પર આધારિત જે ગીતો રજૂ કર્યાં એ કેવાં અલૌકિક બન્યાં છે. આ દરેક સંગીતકારે ભૈરવીને પોતાની રીતે લાડ લડાવ્યા છે અને ભૈરવીને પોતાની રીતે બહેલાવી કરી છે.
શંકર જયકિસનનો ભૈરવી માટેનો પક્ષપાત તો જાણીતો છે. એમણે કેટલીક ફિલ્મોમાં તો બધાં ગીતો આ એકજ રાગિણી પર આધારિત તૈયાર કરેલાં. દાખલા તરીકે રાજ કપૂર-નંદાને ચમકાવતી ૧૯૬૨માં રજૂ થયેલી ફિલ્મ આશિક. એનાં બદ્ધેબધાં ગીતો ભૈરવીમાં હતા. વિચાર કરો કે દસથી બાર ગીતો અને દરેક ગીત એકબીજાથી જુદું- દરેકનું સૌંદર્ય જુદું. તો આ સંગીતકારોએ ભૈરવીને કેટલી હદે પચાવી હશે !
સંગીતકાર નૌશાદના મુખે એક વાત સાંભળેલી.૧૯૨૫-૨૬માં ઇંદ્રસભા નામે ફિલ્મ આવેલી. ઇંદ્રની સભા હોય એટલે થોડી થોડીવારે અપ્સરાનાં નૃત્ય આવે. દોઢ દોઢ બબ્બે મિનિટનાં એવાં ૬૯ ગીતો ભૈરવી પર આધારિત હતાં. જરા કલ્પના કરો. એક જ રાગિણી પર આધારિત ૬૯ ગીતો.
છતાં દરેક એકબીજાથી જુદું. તો આ ફિલ્મના સંગીતકારે ભૈરવીને કેટલી હદે આત્મસાત કરી હશે ? મદન મોહનના જે ભૈરવી આધારિત ગીતની વાત કરીએ છીએ એ ગીત શાસ્ત્રીય ગીતો માટે પંકાયેલા મન્ના ડેના કંઠમાં હતું. રાજા મહેંદી અલી ખાનના શબ્દો હતા. સરસ પ્રણય ગીત હતું.
'આજ મિલે મન કે મીત, ઘુંઘરુંઓ કી લય પે આજ, નાચને લગી હૈ પ્રીત...' આપણા જાણીતા કવિ મુરલી ઠાકુરના ભાઇ રામચંદ્ર ઠાકુરે આ ફિલ્મનું નિર્દેશન કરેલું અને મદન મોહનને કહેલું કે સિરાજુદ્દૌલા થઇ ગયા એ સમયનું લાગે એેવું સંગીત તૈયાર કરો તો રંગ રહી જાય. મદન મોહને દિલથી કામ કરેલું. પરંતુ ૧૯૬૦ના દાયકામાં લોકોના રસરુચિ બદલવા માંડયા હતા. ફિલ્મ ચાલી નહીં એટલે સંગીત પણ ધારી અસર ઉપજાવી ન શક્યું. મદન મોહનની મહેનત એળે ગઇ.
Comments
Post a Comment