વેકેશન પૂર્વેની લાલબત્તી...!

ટોપ્સીટર્વી - અજિત પોપટ
18 April 2018

એ  ઘટનાઓ હજુ તાજી છે. બહુ દૂરની વાત નથી. મોબાઇલ ફોન પર વિડિયો ગેમ્સ રમતાં બાળકો અને કિશોરો બ્લુ વ્હેલ નામની એક જીવલેણ રમતનો શિકાર બની ગયા હતા. આ રમતના અંતિમ તબક્કામાં ટીનેજરને આત્મહત્યા કરવાની પ્રેરણા આપવામાં આવતી.

સંખ્યાબંધ ટીનેજર્સે જાન ગુમાવેલો. અગાઉ એવું શક્તિમાન ટીવી સિરિયલ વખતે જોવા મળેલું. બી આર ચોપરાની મહાભારત સિરિયલમાં ભીષ્મ પિતામહનો રોલ કરતા મૂકેશ ખન્નાની શક્તિમાન જોઇને પણ ઘણા ટીનેજર્સે અકાળે મોતને વહાલું કર્યું હતું. આ વાતો અત્યારે તાજી કરવાનંુ એક કારણ છે. મોટા ભાગની સ્કૂલોની વાર્ષિક પરીક્ષાઓ પૂરી થવા આવી છે.

ગમે તે ઘડીએ વેકેશન શરૃ થશે. એવા સમયે દેશના કેટલાક પ્રતિષ્ઠિત મનોચિકિત્સકોએ ચેતવણી ઉચ્ચારી છે. એનો સાર એટલો જ કે માતાપિતા સાવધ રહે. સ્કૂલો અને કોચિંગ ક્લાસમાં રજા હોવાથી બાળકો સાવ નવરાં હશે. તમે એમને કોઇ સારી સાંસ્કૃતિક કે કલા વિષયક પ્રવૃત્તિમાં સહભાગી નહીં કરો તો શક્ય છે, બ્લુ વ્હેલ જેવી વિડિયો ગેમ્સ બાળકોને કોઇ અઘટિત પગલું લેવા ઉશ્કેરશે.

વાત ગંભીર છે અને દરેક માતાપિતાએ વિચારવા જેવી છે. આજે કાતિલ મોંઘવારીના પગલે દસમાંથી આઠ પરિવારમાં માતાપિતા નોકરી કરતાં હોય છે. અગાઉ સંયુક્ત પરિવારો હતા ત્યારે ઘરના વડીલો બાળકો પર નજર રાખતા. બાલકન જી બારી, રમકડું કે બાલ ભવન જેવી પ્રવૃત્તિમાં બાળકને જોડી દેતા અથવા વડીલો પોતે બાળકો સાથે કેરમ જેવી ઇન્ડોર ગેમ્સ રમીને બાળકને બીઝી રાખતા. આજે મોટા ભાગના પરિવારો સીમાંત એટલે કે વિભક્ત થઇ ચૂક્યા છે. વૃદ્ધાશ્રમોની સંખ્યામાં સારો એવો વધારો થયો છે.

પરિણામે બાળકો પર ધ્યાન રાખનારાં સ્વજનો ઓછાં થઇ ગયા છે. માતાપિતા નોકરી પર જાય ત્યારબાદ બાળકો મોબાઇલ ફોન લઇને બેસી જાય અને બ્લુ વ્હેલ જેવી ગેમ્સમાં લીન થઇ જાય તો ક્યારે શું થાય એની કલ્પના કરી શકાય છે. આ વિચાર નેગેટિવ નથી. અગમચેતી રૃપે મનોચિકિત્સકોએ ચેતવણી ઉચ્ચારી છે અને એના પર ખાસ ધ્યાન આપવાની જરૃર છે.

પાટનગર નવી દિલ્હીનાં દૈનિકોમાં નિયમિત મનોચિકિત્સાની કૉલમો લખતાં ડૉક્ટરોએ કેટલીક સત્યઘટનાઓ ટાંકીને આવી ઘટનાઓ ફરી ન બને એની તકેદારી રાખવાની તાકીદ કરી હતી. એકાંત બહુ જોખમી ગણાય. કાં તો બાળક વિડિયો ગેમ્સ રમતું થઇ જાય અથવા અજાણતાંમાં ડ્રગના રવાડે ચડી જાય.

સમગ્ર પંજાબ રાજ્યના યુવાનો ડ્રગના રવાડે ચડી ગયાની વાત તો હવે જૂની થઇ ગઇ. સદ્ભાગ્યે ગુજરાતી બાળકો અને ટીનેજર્સ હજુ એટલી હદે વટલાયાં નથી. પરંતુ દેખાદેખી અને અંદર અંદરની ચડસાચડસીનું ગમે તેવું પરિણામ આવી શકે.  પાછળથી પસ્તાવો કરવા કરતાં અગમચેતી રાખવામાં કશું ગુમાવવાનું નથી.  હવે તો દુનિયાભરનો જ્ઞાાનસાગર એમની આંગળીના ટેરવે રમતો હોય છે. ક્યારે કઇ તરફ બાળક ઢળી પડશે એ કહેવાય નહીં.

રખે એવી દલીલ કરતા કે મોટા ભાગનાં બાળકો પાસે આવી સગવડ હોતી નથી. આ એક ભ્રમ છે. હવે તો શાકભાજીની લારીવાળાંના કે સાઇકલ રિક્શા ચલાવતા લોકોનાં બાળકો કનેય મોબાઇલ ફોન હોય છે. આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કોણ કેવી રીતે કરે છે એના પર ઘણો આધાર રહે છે.

એક મનોચિકિત્સકે કહ્યું કે આજે તો અઢી ત્રણ વર્ષનું બાળક પણ યુ ટયુબ પરના કાર્યક્રમો જોતું થઇ ગયું છે. એટલે આજનાં બાળકો માટે કશુંય દૂરનું રહ્યું નથી. એ ઇચ્છે તે વેબસાઇટ કે પ્રોગ્રામ માણી શકે છે અને માતાપિતા એ બાબતથી અજાણ હોય એ પણ શક્ય છે. વેકેશન સમગ્ર પરિવાર માટે સિરદર્દ સમાન ન બની રહે એ જોવાની દરેક પરિવારના મોભીની ફરજ બની રહે છે. થોડામાં કહ્યું છે, ઝાઝું કરીને વાંચજો વીરા...!

Comments