શાસ્ત્રીય સંગીત પ્રત્યે મદન મોહનને અનેરો લગાવ હતો, ગજબનું વ્યસન થઇ પડેલું...

Madan Mohan and Ustad Vilayat Khan
સિનેમેજિક - અજિત પોપટ

'મારા પિતાને શાસ્ત્રીય સંગીત પ્રત્યે અનેરો લગાવ હતો. દિવસભર સખત કામ કર્યા પછી સાંજે ઘેર આવીને ફ્રેશ થઇ ગયા બાદ દોસ્તોને ફોન લગાડતા. આજે ક્યાંય શાસ્ત્રીય સંગીતની બેઠક છે કે એવી પૃચ્છા કરતા. ક્લાસિકલ મ્યુઝિકની કોઇ નવી રેકર્ડ બહાર પડી હોય તો મંગાવતા.

પછી જયદેવ જેવા સંગીતકાર દોસ્તો સાથે બેઠકમાં હાજરી આપવા પહોંચી જતા...પાછળથી તેમણે લક્ષ્મી શંકર, (ગોવિંદાની માતા ) નિર્મલા દેવી અને પરવીન સુલતાના જેવી ગાયિકાઓ કને ગીતો પણ ગવડાવ્યાં. ઠુમરી-ગઝલ સામ્રાજ્ઞાી બેગમ અખ્તર સાથે તો પિતાજીને સાવ ઘર જેવો સંબંધ હતો. બેગમ સાહિબાની તમામ ખાનગી બેઠકોમાં પણ એ હાજર રહેતા....' એમ પિતાના મધુર સંભારણાં મમળાવતાં મદન મોહનના નાના પુત્ર સમીરે લખ્યું છે.

સંગીતકાર કલ્યાણજીભાઇ, મદન મોહન અને જયદેવ જેવા સંગીતકારો પોતે કોઇ સેલેબ્રિટી છે એવા મિથ્યાભિમાનને વચ્ચે લાવ્યા વિના શાસ્ત્રીય સંગીતની બેઠકોમાં અચૂક હાજરી પુરાવતા. જે તે કલાકારને બિરદાવવા ઉપરાંત આ સંગીતકારો પોતાને ગમતી વાત આત્મસાત કરી લેતા. એ દિવસોમાં મુંબઇમાં સૂર સિંગાર સંસદ,  સાજન મિલાપ, સાંતાક્રૂઝ મ્યુઝિક સર્કલ કે વિલેપારલે મ્યુઝિક સર્કલ જેવી સંસ્થાઓ હતી.

એના આયોજકો પણ આ સંગીતકારોની હાજરીથી આનંદ અનુભવતા. આ આયોજકો પોતે પણ એવા કાનસેન હતા કે જે તે ફિલ્મ ગીતમાં પોતે સંાભળેલી ગાયકીની હરકત આવે તો તરત યાદ કરતા કે આ તો આપણા પ્રોગ્રામમાં ફલાણા ગાયકે રજૂ કરેલી હરકત છે. કહેવાનું તાત્પર્ય એ છે કે મદન મોહન જેવા સંગીતકારો શાસ્ત્રીય સંગીતના દરેક દાયકાના પ્રવાહોથી પરિચિત રહેવા ઉપરાંત નવા નવા પ્રયોગો કરવા તત્પર રહેતા.

આવો, આજે માણીએ મદન મોહનના રાગ આધારિત અન્ય થોડાં ગીતો. ફરી એક નમ્ર સ્પષ્ટતા. શક્ય છે કે અહીં તમને ગમતું કોઇ ગીત રહી જાય. એવું બને તો ક્ષમસ્વ મે. દરેક સંગીતકારના દરેક ગીતની ચર્ચા અહીં શક્ય બનતી નથી.

મદન મોહને ૧૯૬૦માં રજૂ થયેલી ફિલ્મ બહાના માટે એક ગીત રાગ યમનમાં સ્વરબદ્ધ કરેલું. મુંબઇ અને મહારાષ્ટ્રમાં સંવાદિનીના નામે સિતાર સરોદની જેમ તરફના તાર જેવી જોગવાઇ ધરાવતા હાર્મોનિયમ વગાડનારા કેટલાક ધુરંધરો છે.

એવા એક ધુરંધર ભાનુ જોશીએ રાગ યમન પર આધારિતક ત્રણસો જેટલાં ફિલ્મગીતો મોકલ્યાં હતાં. અહીં એ યાદ રહે કે ફિલ્મ સંગીતકારોએ જે તે રાગનો માત્ર આધાર લીધો હોય છે, કારણ કે એ કોમન મેન માટે ફિલ્મ ગીત તૈયાર કરતાં હોય છે. શાસ્ત્રીય કલાકારો માટે બંદિશ બનાવતા નથી. 

કોણ જાણે કેમ, પણ આ લેખકને લાગે છે કે મદન એવા અલગારી લોકોમાં એક હતા જે એમ માનતા હતા કે 'અવર સ્વીટેસ્ટ સોંગ્સ આર ધોઝ ધેટ ટેલ ઑફ સેડેસ્ટ થોટ...' કવિતાની ભાષામાં કહીએ તો 'આ વાદ્યને કરુણ ગાન વિશેષ ભાવે...' જો કે શાસ્ત્રકારો યમનને શૃંગાર પ્રધાન રાગ કહે છે. શૃંગારમાં ત્રણેક સંવેદનો મુખ્ય હોય છે- મિલન, વિરહ અને રીસામણાં-મનામણાં. અહીં મદન મોહને એક વિરહિણી નાયિકાના મનોભાવને આ રાગમાં પ્રસ્તુત કર્યા છે.

રાજિન્દર ક્રિષ્ણના શબ્દોને મદને જે રીતે નાયિકાના મનોભાવેાને વ્યક્ત કરવા રાગ યમનમાં બહેલાવ્યા છે અને લતાજીએ પોતાની રીતે લાડ લડાવ્યા છે. ૧૯૬૫માં રજૂ થયેલી ફિલ્મ બહાના માટે મદન મોહને સ્વરબદ્ધ કરેલું એ ગીત તમને અચૂક યાદ આવી ગયું હશે- 'જા રે બદરા બૈરી જા, પિયા કા સંદેશવા લા રે લા રે, જા રે બદરા બૈરી જા.. છેક મહાકવિ કાલિદાસના મેઘદૂતથી માંડીને આજ સુધીનાં વિરહીણી નાયિકાના ભાવ આ રીતે વ્યક્ત થતા રહ્યા છે. 

વાદળોને નાયિકા હાકલ કરે છે, આમ કર, તેમ કર...અહીં પિયુનો સંદેશો લાવવાની હાકલ કરી છે.  તમે એકાગ્રતાથી સાંભળો તો જે રીતે લતાજી જા રે.. શબ્દોને આરોહ અવરોહ દ્વારા સજીવ કરે છે એ બેમિસાલ બની રહે છે.

Comments