આ પ્લાસ્ટિક પર્યાવરણપ્રેમી છે...

ટોપ્સીટર્વી - અજિત પોપટ

11 april 2018


પર્યાવરણ પ્રેમી વૈજ્ઞાનિકો કહે છે કે પ્લાસ્ટિકનો વપરાશ મિનિમમ કરી નાખો નહીંતર નજીકના ભવિષ્યમાં સમગ્ર જીવ સૃષ્ટિને ખતરો પેદા થશે. પ્લાસ્ટિક એવો પદાર્થ છે કે ધરતીમાં સેંકડો વરસો સુધી માટીમાં ઓગળી જતો નથી. ફક્ત માણસ માટે નહીં સમગ્ર જીવસૃષ્ટિ માટે આ પદાર્થ ખતરારૂપ છે.

પરંતુ પ્લાસ્ટિક આપણા જીવન સાથે એટલી હદે સંકળાઇ ચૂક્યું છે કે આપણે પ્લાસ્ટિક વિનાના જીવનની કલ્પના સુદ્ધાં નથી કરતા. એવા સમયે એક સારી વાત તાજેતરમાં જાણવા મળી. સવાસો કરોડની વસતિ ધરાવતા ભારતમાં જે શક્ય ન બન્યું એ સાવ ખોબા જેવડા ઇન્ડોનેશિયામાં બન્યું છે. ત્યાંના એક સાહસિકે એવું પ્લાસ્ટિક બનાવ્યું છે જે વાપરવા ઉપરાંત ખાઇ શકાય છે. માણસ કે જીવજંતુ એ ખાય તો એને કશી હાનિ થતી નથી. વાત જાણવા જેવી અને અપનાવવા જેવી છે.

ઇન્ડોનેશિયાના બાલી વિસ્તારના મોટા ભાગના સમુદ્રતટો પર કચરા રૃપે ફેંકાયેલી પ્લાસ્ટિકની લાખ્ખો થેલીઓના ડુંગરા ખડકાયા છે અને ગમે ત્યારે વિસ્ફોટ થાય એવો પ્લાસ્ટિક બોમ્બ સર્જાયો છે. એવી વિષમ પરિસ્થિતિમાં કેવિન કુમાલા નામના એક સંશોધકે મકાઇના સ્ટાર્ચ અને શેરડીના કૂચામાંથી એવું પ્લાસ્ટિક બનાવ્યું છે જે એકસો ટકા નિર્દોષ છે અને જમીનમાં કુદરતી રીતે ઓગળી જઇને એકરસ થઇ જાય.

આ પ્લાસ્ટિકને ઇકોફ્રેન્ડલી પ્લાસ્ટિક કે બાયો-પ્લાસ્ટિક નામ આપ્યું છે. આ પ્લાસ્ટિકમાંથી બનાવેલી થેલીઓ ગૂડ્સ કેરિયર તરીકે વપરાઇ રહી છે અને એનાથી પર્યાવરણને કોઇ નુકસાન નહીં થાય એવું આ સંશોધક છાતી ઠોકીને કહે છે. એણે અન્યો કનેથી અને બેંકો પાસેથી લોન મેળવીને આ બાયોગ્રેડેબલ પ્લાસ્ટિકનો પ્લાન્ટ ઊભો કર્યો જેની નોંધ બીબીસીએ પણ લેવી પડી હતી. 

આટલું કરવા માત્રથી કેવિન અટક્યો નથી. એણે કેટલીક દરિયાઇ વનસ્પતિના રેસામાંથી પણ આવું બાયોપ્લાસ્ટિક બનાવવાના પ્રયોગો કરી જોયા છે. એ કહે છે કે આ પ્લાસ્ટિક ભૂલથી પણ દૂધાળાં ઢોર, જળચરો કે ગરેાળી, ખિસકોલી કે બીજાં જીવજંતુ ખાય તો તેમને પણ કોઇ નુકસાન થતું નથી. 'જેમ તમે આઇસક્રીમ સાથે એનો કોન ખાઇ જાઓ છો એમ આ પ્લાસ્ટિકના કપ તમે આઇસક્રીમ કે યોગર્ટ (દહીં) સાથે ખાઇ જઇ શકો છો. તમારા આરોગ્યને જરાય પ્રતિકૂળ અસર નહીં થાય કારણ કે મકાઇનો સ્ટાર્ચ કે શેરડીના કૂચા આખરે તો ખાદ્ય-પદાર્થ છે' કેવિન કહે છે.

એની ઇચ્છા તો પોતાના પ્રોજેક્ટને વિરાટ સ્વરૃપ આપવાની અને દુનિયાભરમાં આવા પ્લાસ્ટિકનો વપરાશ વધે એવું કરવાની છે. જો કે એ માટે એણે અબજોનું મૂડી રોકાણ કરનારા મલ્ટિનેશનલ પ્લાન્ટસ સાથે બાથ ભીડવી પડે. પરંતુ એ જબરો આશાવાદી છે. એ કહે છે કે ભગવાન રામે શ્રીલંકા જવા માટે સેતુ બાંધ્યો ત્યારે એક નાનકડી ખિસકોલીએ મદદ નહોતી કરી ? એમ હું પણ પ્લાસ્ટિકના વિશ્વવ્યાપી મહાસાગર સામે ખિસકોલી જેટલું કામ કરી શકું તોય ઘણું છે.

સૌથી મહત્ત્વની વાત એ છે કે એણે બનાવેલું આ ઇકો પ્લાસ્ટિક ૯૯ ટકા નિર્દોષ છે. એમાં કોઇ ટોક્સિન્સ (ઝેરી પદાર્થ) નથી. સમગ્ર જીવ સૃષ્ટિ માટે આ જેવું તેવું આશ્વાસન નથી. જોકે આવા નાના નાના પ્રયોગો દુનિયાભરમાં ઘણાં સ્થળે ચાલી રહ્યા છે. ભવિષ્યમાં આવા પાંચ પંદર સાહસિકો ભેગા થઇને રાક્ષસી કદના પ્લાસ્ટિક પ્લાન્ટને પણ હંફાવી શકે ખરા.

Comments