પછી શામળિયો જી બોલિયા તને સાંભરે રે

ડાબેથી નવીન, જિતેન્દ્ર અને અજિત

નમસ્કાર દોસ્તો, તાજેતરમાં વરસો જૂનો એક દોસ્ત અનાયાસે મળી ગયો. એ સાથે સ્કૂલના દિવસો યાદ આવી ગયા. પ્રેમાનંદના સુદામાચરિત્ર આખ્યાનનું સૌથી હૃદયંગમ વર્ણન સુદામા અને કૃષ્ણ બાળપણને યાદ કરતો સંવાદ કરે છે એ છે એવું હું માનું છું. પછી શામળિયો જી બોલિયા તને સાંભરે રે હાજી બાળપણાની પ્રીત મને કેમ વિસરે રે... 

વરસો જૂના ફોટો આલ્બમમાંથી બાળપણના દોસ્તોને સંભાર્યા. આ સાથે એવા બે વરસો જૂના ફોટોગ્રાફ્સ છે. પહેલા ફોટોગ્રાફમાં ટાઇ પહેરેલ મિત્ર નવીન ખત્રી છે. 1950ના દાયકામાં એ વોયલિન વગાડતો હતો. ચશ્માધારી મિત્ર જિતેન્દ્ર શાહ છે. એનું ગોરેગાંવ ઇસ્ટમાં સ્ટેનલેસ સ્ટીલનાં વાસણોનું કારખાનું હતું. પરંતુ સંગીત પ્રેમી હતો અને એ સિતાર વગાડતો હતો. હું મેંડોલીન વગાડતો. આજે નવીન મુંબઇમાં છે, જિતેન્દ્રનો ખ્યાલ નથી. એ બંને હવે વોયલિન કે સિતાર વગાડે છે કે કેમ એની ય જાણ નથી.પ્રભુ કૃપાથી અને ગુરુજનોના આશીર્વાદથી હું માત્ર નિજાનંદ માટે મેંડોલીન વગાડું છું. હવે ફક્ત નિજાનંદ માટે સંગીત અજમાવું છું.
ડાબેથી અજિત અને કીર્તિ

બીજા ફોટોગ્રાફમાં સૂટધારી મિત્ર છે એ કીર્તિ રાંદેરિયા છે. આજકાલ અમેરિકામાં છે એવું એના મોટાભાભી વાસંતીબહેન પાસેથી જાણ્યું. એની સાથે હું રોજ રાત્રે જમીને સાઉથ બોમ્બેના સી પી ટેંક વિસ્તારથી ચાલીને ગિરગાંવ ચોપાટી જતો. રોજનો નિયમ. પાછાં ફરતાં મારવાડી વિદ્યાલય પાસે એક શેરડીના રસની દુકાન હતી. ત્યાં શેરડીનો રસ પીવાનો. 

ક્યારેક વળી ચંદારામજી ગર્લ્સ સ્કૂલ અને મુકુંદ મેન્શનની સામે એક ભૈયાજીની દૂધની દુકાને નવટાંક કે પાશેર (આજનું અઢીસો મિલિલિટર ) દૂધ પીવાનું. આમ બાળપણથી રોજ ચાલવાની ટેવ પડી ગઇ. રવિવારે સાંજે હું અને કીર્તિ ચાલીને હેંગિંગ ગાર્ડન જતા.પાછા ફરતાં ક્યારેક ચાલીને અને ક્યારેક બસમાંં ઘેર આવતા. સ્કૂલનું ભણતર પૂરૂં થતાં બધા દોસ્તો છૂટા પડી ગયા.

Comments