ભલે મજાકમાં કહેવાઇ હોય, પરંતુ આ વાત અચૂક વિચારવા જેવી તો છે જ...

કહેવાતા લોકસેવકો 399 રૃપિયાની મોબાઇલ સેવા વાપરીને પંદર હજાર રૃપિયા ઘર ભેગા કરી લે છે

વ્હૉટ્સ એપ અને બીજાં કેટલાંક ટેક્નિકલ ઉપકરણોથી દૂર દૂર વસતા લોકો પણ એકમેકના સંપર્કમાં સહેલાઇથી રહેતા થયા છે. જો કે એને કારણે અંગત વાતચીતના કે અંગત મુલાકાતના પ્રસંગો ઘટી ગયા છે એ પણ સ્વીકારવું રહ્યું. આવી ટેક્નોલોજીની ઠેકડી ઊડાવતાં કાર્ટુન્સ અને જોક્સ પણ વ્હૉટ્સ એપ પર વહેતા થયા છે.

ક્યારેક મજાકમાં કે હળવી ટકોર રૃપે કહેવાયેલી વાત પણ ખૂબ મહત્ત્વની હોઇ શકે છે. છેલ્લાં થોડાં અઠવાડિયાંથી એવી એક વાત વ્હૉટ્સ એપ પર લગભગ બધાંનેસતત મળી છે. મોકલનારે કદાચ મજાકમાં અથવા ઉપયોગી માહિતી આપવાના હેતુથી મોકલી હોઇ શકે.. પરંતુ એક વાત નક્કી કે મોકલનારનો હેતુ સાફ છે. આ સંદેશોે આપણને સૌને કંઇક કહેવા માગે છે. એનો સાર એટલો જ કે આપણા મોટા ભાગના પોલિટિશ્યનો પહોંચેલી માયા જેવા છે.  એનો આ બોલતો પુરાવો છે. વાત માંડીને કરીએ તો કેમ ?

આપણામાંના મોટા ભાગના લોકો હવે તો વ્હૉટ્સ એપથી પરિચિત છે. આજના ગળાકાપ સ્પર્ધાના યુગમાં પોતાના ગ્રાહકોની સંખ્યા વધારવા દરેક સર્વિસ પ્રોવાઇડર આકર્ષક યોજનાઓ જાહેર કરે છે અને ગ્રાહકને ખેંચી લાવે એવાં વચન આપે છે.

આવી એક ઑફર હવે જગજાહેર થઇ ચૂકી છે. માત્ર ૩૯૯ રૃપિયામાં દેશભરમાં ગમે ત્યાં ટેલિફોન કરી શકો છો એટલું જ નહીં પણ અનલિમિટેડ સંખ્યામાં એેટલે કે ઇચ્છો તેટલા ફોન કરી શકો છો. વિવિધ મોબાઇલ સર્વિસ પ્રોવાઇડરની આ ઑફર હવે તો શાકભાજીની લારીવાળા, રેલવે સ્ટેશનો પર સામાન ઉપાડનારા કૂલીઓ તથા રિક્શાવાળા પણ જાણે છે. પરંતુ આ હકીકત કેન્દ્ર સરકાર જાણતી નથી. અથવા પછી ગાંધીજીના ત્રણ વાંદરા જેવી બની રહી છે. ન દેખવું, ન સુણવું, ન બોલવું.

સમજદાર કો ઇશારા કાફી હૈ... એમ કહે છે. આટલા લખાણ પછી પણ ન સમજાયું હોય તો હવે આગળ વાંચો. આપણા કહેવાતા લોકસેવકોે અર્થાત્ ધારાસભ્યો અને સંસદ સભ્યો દર મહિને ટેલિફોનના વપરાશ માટે રૃપિયા પંદર હજારનું રોકડ વળતર વસૂલ કરે છે. ચાલો માંડીએ ગણતરી. હાલની લોકસભામાં પાંચસો પિસ્તાલીસ સભ્યો છે.

રાજ્યસભામાં બસો પિસ્તાલીસ સભ્યો છે. આ બંને ગૃહોના સભ્યોનું ટોટલ મારીએ તો ૫૪૫ વત્તા ૨૪૫ એટલે થયા ૭૯૦. દરેકને અપાતા માસિક ટેલિફોન બિલ પેટે પંદર પંદર હજારના હિસાબે ગણી લો. એક કરોડ અઢાર લાખ પચાસ હજાર રૃપિયા થયા. આપણા પર પેટ્રોલ, ડિઝલ, રાંધણગૅસ, વીજળી, ટેલિફોન વગેરે સેવાઓના ચાર્જીસ દિવસે દિવસે વધારી દેવામાં આવે છે. બીજી બાજુ આ કહેવાતા લોકસેવકો ૩૯૯ રૃપિયાની મોબાઇલ સેવા વાપરીને પંદર હજાર રૃપિયા ઘર ભેગા કરી લે છે.

આવુંજ દરેક રાજ્યની વિધાનસભાને લાગુ પડે છે. બ્રિટિશ સંસદીય પદ્ધતિની લોકશાહી આપણે સ્વીકારી છે એટલે દરેક રાજ્યમાં વિધાનસભા અને વિધાન પરિષદ એમ બબ્બે ગૃહો હોય છે. દેશભરની વિધાનસભાના આવા વિધાનસભ્યોની સંખ્યા ચાર હજાર બસો પંદર થવા જાય છે. હવે આ ૪,૨૧૫ને પંદર હજાર સાથે ગુણી નાખો. છ કરોડ બત્રીસ લાખ પચીસ હજારનો આંકડો આવશે.

પેલા ૧ કરોડ અઢાર લાખ પચાસ હજાર અને આ છ કરોડ ૩૨ લાખ ૨૫ હજાર. આ થયું એક મહિનાનું ટોટલ. હવે બાર મહિનાનું ટોટલ મારો અને વિચારો કે આપણા સંસદસભ્યો અને ધારાસભ્યો કેવી સફાઇપૂર્વક આપણા ગજવા પર કાતર ફેરવે છે.

દર ચોરસ ફૂટે ત્રીસથી પચાસ હજાર રૃપિયા જમીનનો ભાવ બોલાતો હોય એવા પોશ વિસ્તારમાં સાવ નજીવા ભાડે બંગલા કે ફ્લેટ, નોકર ચાકર, મફત વીજળી, મારા તમારા પૈસે મફત સિક્યોરિટી, મફત પીવાનું પાણી અને ધારાસભા કે સંસદના ગૃહમાં હો હા અને દેકારો બોલાવવાનો તગડો પગાર, વિમાની પ્રવાસ કેે ટ્રેનનો ફર્સ્ટ ક્લાસનો પ્રવાસ લટકામાં. કાવાદાવા અને વ્યૂહબાજીમાં નિષ્ણાત હોય તો વિવિધ કૌભાંડો દ્વારા મળતી મલાઇ આડપેદાશ તરીકે ગણી લેવાની.

જો કે આપણે તો સાવ નાનકડી ટેલિફોન સેવાની વાત કરતા હતા. જો દરેક મોબાઇલ સર્વિસ પ્રોવાઇડર મહિને કે ફોર ધેટ મેટર ત્રણ મહિને માત્ર ૩૯૯ રૃપિયામાં અનલિમિટેડ દેશના ખૂણે ખૂણે અનલિમિટેડ ફોન સેવા પૂરી પાડતી હોય તો આ સાંસદો અને ધારાસભ્યોને કરોડો રૃપિયાની લ્હાણી શા માટે ? એવો વિચાર હાલની સરકારને કેમ આવતો નથી ?

વાતો તો આકાશના તારા તોડી લાવવા જેવી કરતી હોય છે. પરંતુ આવી સાદી સીધી વાત કેન્દ્ર સરકારને ન સમજાય તો આ કહેવાતી લોકશાહી હાસ્યાસ્પદ બની રહે છે એમ નથી લાગતું ? અચ્છે દિન તો આયે હૈં લેકિન વો જનતા કે લિયે નહીં, પોલિટિશ્યનો કે લિયે ઔર શાસક પક્ષ કે લિયે... માત્ર રામાયણ કાળમાં રામના નામે પથરા નહોતા તર્યા, આજે પણ તરી રહ્યા છે, દ્રષ્ટિ હોય તો દેખ લો...

Comments