તુલના ન કરીએ તો પણ કેટલીક ઘટનાઓ બબ્બે ટોચના સંગીતકારોને અનાયાસે જોડી દે છે

Madan Mohan and R.D.Burman
સિનેમેજિક - અજિત પોપટ
9 માર્ચ 2018, શુક્રવાર

માત્ર સંગીતના જોરે ચાલેલી ફિલ્મોથી અન્ય કેટલાક સંગીતકાર ટકી ગયા. એવી ખુશનસીબી પણ મદનજીને ન મળી

છેલ્લા બે ત્રણ એપિસોડથી આપણે સંગીતકાર મદન મોહનનાં સંભારણાં મમળવતા થયા છીએ. એમનાં ગીતોની વાત શરૃ કરવા પહેલાં એવાં બીજાં બે ત્રણ સંભારણાં મમળાવવાની લાલચ જતી કરી શકાતી નથી.

આરંભ કરીએ આર ડી બર્મન પંચમદાથી. પંચમ અને મદન મોહન વચ્ચે સાવ જુદા જુદા પ્રકારની બે સમાનતા જોવા મળી. એ બંનેની વાત ટૂંકમાં કરીએ. ગુરુ દત્તની ચિરંજીવ ફિલ્મ પ્યાસામાં ચંપી માલિસવાળો બનેલા કોમેડિયન જ્હૉની વૉકર પર ફિલ્માવાયેલું સર જો તેરા ચકરાયે યા દિલ ડૂબા જાયે...ગીતની તર્જ નાનકડા પંચમે બનાવેલી અને બર્મનદાદાએ પોતાના નામે પ્યાસામાં વાપરી એવી વાત છે.પંચમે પિતા સાથે વાત કરી ત્યારે એમણે હસતાં હસતાં કહ્યું કે આ તો તારામાં રહેલા સર્જકની કસોટી કરી કે તું ફિલ્મ સંગીતમાં ચાલીશ કે નહીં.

મદન મોહને દેવેન્દ્ર ગોયલની ફિલ્મ આંખેં (૧૯૫૦)થી સંગીતકાર તરીકેની કારકિર્દી શરૃ કરી ત્યારનો એક પ્રસંગ પંચમના આ પ્રસંગ સાથે જરા જુદી રીતેથો..ડો..ક હા, થોડોક મળતો આવે છે. મદને પિતા રાયબહાદૂર ચુનીલાલને આંખેં જોવા બોલાવ્યા.ફિલ્મ પૂરી થયા પછી પિતાનો અભિપ્રાય જાણવા તેમની સામે નજર કરી ત્યારે પિતાની આંખો વહેતી હતી. પુત્રની પ્રતિભાને પારખીને પોતે પુત્રને તક ન આપી એનો એ વસવસો હતો. એમણે પુત્રને આશીર્વાદ આપ્યા કે તું જરૃર સફળ થઇ. તેં યોગ્ય કારકિર્દી પસંદ કરી છે. એ પછી માત્ર બે મહિનામાં તેમનું નિધન થયું.

પંચમ સાથે  હજુ એક વાત મળતી આવે છે. પંચમના દેહાવસાન પછી એમનું સંગીત વિધુ વિનોદ ચોપરાની ૧૯૪૨ અ લવ સ્ટોરીમાં ખૂબ ગાજ્યું. એ સમયે ગીતકાર જાવેદ અખ્તરે કહેલું કે આ ગીતો તૈયાર કરતી વખતે પંચમે મને કહેલું કે હું નહીં હોઉં પણ મારાં આ ગીતો ખૂબ ગાજશે, તમે જો જો. મદન મોહને પોતાના પુત્રોને કદાચ આવું કહ્યું નહીં હોય પરંતુ મનોમન તો તેમને પણ ખાતરી હશેજ કે તેમનાં ગીતો અચૂક હિટ નીવડશે. મદનના પુત્ર સંજીવ કોહલીએ પિતાએ રચેલી સૂરાવલિઓ યશ ચોપરાને આપી અને યશજીએ વીરઝારામાં એ તર્જો વાપરી. તર્જો હિટ નીવડી એ ગઇ  કાલનો તાજો ઇતિહાસ છે.

ઔર એક સામ્ય ઓ પી નય્યર અને મદન વચ્ચે આ લખનારે જરા જુદા સંદર્ભમાં નોંધ્યું છે. ઓ પી નય્યરે પણ પહેલી ફિલ્મમાં લતાજીને ગાવા બોલાવેલાં પરંતુ કોઇ કારણે લતાજી ન જઇ શક્યાં અને ઓપીએ ભીષ્મનિર્ણય કરી નાખ્યો કે હવે તો લતા વગરજ સફળ થઇને બતાવવું.

એમણે એ કરી પણ બતાવ્યું. યોગાનુયોગે મદન મોહનની પહેલી ફિલ્મમાં પણ મદનની લાખ સમજાવટ છતાં લતાજી ન જઇ શક્યાં કે ન ગયાં. જે હો તે, પરંતુ મદનની સંગીતકાર તરીકેની બીજી ફિલ્મ મદહોશ વખતે લતાજી આ માણસના સંગીતની અપ્રતિમ શક્તિ જોઇ શક્યાં અને પછી મદન અને લતાએ સદાબહાર ગીતો આપ્યાં. બંનેનો મનમેળ સગ્ગાં ભાઇબહેન જેવો થઇ ગયો. લગભગ પચીસ છવ્વીસ વર્ષની કારકિર્દીમાં મદને ૯૩ જેટલી રિલિઝ્ડ ફિલ્મોમાં સંગીત પીરસ્યું.

આશરે સાડા છસો (ચોક્કસ આંકડો જોઇએ તો રોકડાં ૬૪૮ ) ગીતોને સ્વરબદ્ધ કર્યાં. ડઝનેક ફિલ્મો અધવચ્ચે ડબ્બામાં પડી ગઇ એનાં કુલ ૨૮ ગીતો. એકાદ ગીત એક દસ્તાવેજી ફિલ્મમાં રચ્યું.  ગીતોનો આંકડો લગભગ નૌશાદ સાહેબના સંગીતની આસપાસ પહોંચે છે એમ થોડી અતિશયોક્તિ સાથે કહી શકાય. લગભગ બધાં ગીતો સંગીત રસિકોને મુગ્ધ કરી દે એવાં. આકંઠ પાન કરતાંય રસિકો ધરાય નહીં એવાં.

આમ છતાં મદનને ટોચના ફિલ્મ સર્જકોએ કદી નોતર્યાં નહીં, એ લિસ્ટની ફિલ્મો એમને ફાળે કદી આવી નહીં. સુરાપાન તરફ વળી જવાનું એકાદ કારણ આ પણ હોઇ શકે. બાકી એમના કેટલાક સમકાલીનોની ઘણી ફિલ્મો કમર્શિયલ દ્રષ્ટિએ ફ્લોપ હતી પરંતુ સંગીતની દ્રષ્ટિએ ચાલેલી. માત્ર સંગીતના જોરે ચાલેલી ફિલ્મોથી અન્ય કેટલાક સંગીતકાર ટકી ગયા. એવી ખુશનસીબી પણ મદનજીને ન મળી.

એ પણ તકદીરના ખેલ જ ગણવા  પડે. નહીંતર એમની તર્જોમાં ક્યાંય કમજોરી નહોતી. એમના પુરુષાર્થમાં ક્યાંય કમી નહોતી. એમનાં પત્ની શૈલાએ નોંધેલું, ક્યારેક કાર ચલાવતાં ચલાવતાં અચાનક કાર માર્ગમાં રોકી દઇને એ કાગળની ચબરખી પર કંઇક લખવા લાગતા. ક્યારેક અડધી રાત્રે જાગીને હાર્મોનિયમ લઇને (કદાચ સપનામાં સ્ફૂરેલી ) તર્જને ગૂંથવામાં લાગી જતા.

આવો કામને સમર્પિત અને પ્રતિભાથી ભરપુર સંગીતકાર અકાળે આથમી ગયેલો. આવતા શુક્રવારથી એમનાં કેટલાંક યાદગાર ગીતો મમળાવીશું.

Comments