ટુ ધ પોઇન્ટ - અજિત પોપટ
સતત અનિશ્ચિતતા અને હિટ ફિલ્મો આપવાના એકધારા ટેન્શનને લીધેે અનેક કલાકારો શરાબનો સહારો લેતા રહ્યા છે
સતત પચાસ વરસ સુધી રૃપેરી પરદા પર પોતાના અનોખા અભિનય દ્વારા લાખ્ખો સિનેરસિકોનું દિલ જીતી લેનારી શ્રીદેવીનું ગયા સપ્તાહે અવસાન થયું. દૂબઇના પોસ્ટમોર્ટમ વિભાગે અને પોલીસે એવો દાવો કરેલો કે શ્રીદેવીના લોહીમાં શરાબના અંશો હતા. પોલિટિશ્યન અમર સિંઘે એવું વિધાન કર્યું કે શ્રીદેવી શરાબ નહીં વાઇન પીતી હતી.
સતત અનિશ્ચિતતા અને હિટ ફિલ્મો આપવાના એકધારા ટેન્શનના પગલે બોલિવૂડના ૯૫ ટકાથી વધુ કલાકારો શરાબનો સહારો લેતા રહ્યા છે અને એમાંના કેટલાક કાળક્રમે શરાબના ગુલામ પણ થઇ ચૂક્યા છે. શ્રીદેવી શરાબ પીતી હતી કે વાઇન એ મહત્ત્વનું નથી, એ શી રીતે હોશ ગુમાવીને બાથટબમાં ગબડી પડી અને શી રીતે એનો શ્વાસ ગૂંગળાઇ ગયો એ વાત મહત્ત્વની હતી.
અગાઉ પણ બોલિવૂડની ઘણી ધરખમ પ્રતિભાઓ શરાબનો ભોગ બની ગઇ હતી. આવા કલાકારોમાં માત્ર અદાકારોની વાત નથી, સંગીતકારો અને ગીતકારો પણ આ રીતે ખુવાર થઇ ચૂક્યા હતા. એકવાર શરાબ ચાખી લે પછી જાણ્યે અજાણ્યે એનું બંધાણ થઇ જાય છે.
અમર ગાયક અભિનેતા કુંદન લાલ સાયગલ તો ગીતના રેકોર્ડિંગ વખતે પણ પોતાના સહાયકને વારંવાર કહેતા, કાલી પાંચ લાઓ. સહાયક એમને એક પ્યાલીમાં શરાબનો પેગ આપતા.
એવો એક પ્રસંગ સંગીતકાર નૌશાદે ફિલ્મ શાહજહાંનાં ગીતોના રેકોર્ડિંગને લગતો નોંધ્યો છે. નૌશાદ પોતે અચ્છા વાર્તાકાર હતા એટલે શક્ય છે કે સાયગલની વાતમાં તેમણે થોડી અતિશયોક્તિ કરી હોય.
પરંતુ એ અતિશયોક્તિ સત્યની છે એ સ્વીકાર્યે છૂટકો. સાયગલ માત્ર ૪૩ વર્ષની વયે ગામતરે ઊપડી ગયા હતા. એમની અંતિમ યાત્રામાં નૌશાદે રેકોર્ડ કરેલું અને સાયગલને ગમતું ગીત સતત ગૂંજતું રહ્યું હતું.
વાત માત્ર સાયગલ પૂરતી મર્યાદિત રહી નહોતી. આઝાદી પછી પહેલો ભોગ સંગીતકાર જયકિસનનો લેવાયો હતો. અજોડ કહી શકાય એવી સફળતા મેળવ્યા પછી જયકિસન શી રીતે દારૃના રવાડે ચડી ગયો એ રહસ્ય આજ સુધી સમજાયું નથી. જુવાનીનું જોશ અને સફળતા ઘણીવાર માણસને ભાન ભૂલાવી દેતાં હોય છે.
૧૯૫૦ના દાયકામાં જ્યારે અસલ ચાંદીના રૃપિયા હજુ ચલણમાં હતા ત્યારે જયકિસન ફિલ્મ દીઠ એક લાખ રૃપિયા વસૂલ કરતો એમ કહેવાય છે. એને કોણે આવા રવાડે ચડાવી દીધો હશે એ ચર્ચાનો વિષય છે. એજ માનસિક સ્થિતિ બીજા દાદુ સંગીતકાર મદન મોહનની થયેલી. અલૌકિક કહેવાય એવી તર્જો આપનારો આ સંગીતકાર ક્યારે શરાબની લતે ચડી ગયો એનો ખુદ એને પણ ખ્યાલ ન રહ્યો. એ પણ શ્રીદેવીની જેમ અરધે રસ્તે અલવિદા કહીને ચાલતો થઇ ગયો.
અહીં આગવી ડાન્સશૈલી અને તરવરાટ ભરેલા અભિનયથી ઓપતો શમ્મી કપૂર યાદ આવે છે. જીવનસંધ્યાએ જ્યારે એને નિયમિત ડાયાલિસિસની સારવાર લેવી પડેલી ત્યારે એકવાર બોલી ઊઠેલો કે જુવાનીમાં કરેલી ભૂલ મને અત્યારે પીડી રહી છે.
મારે કલાકો સુધી ડાયાલિસિસના મશીન સાથે જોડાયેલા રહેવું પડે છે. ૧૯૫૦ના દાયકાના લગભગ એ જ સમયગાળામાં પત્ની અને પ્રિયતમા (વહીદા રહેમાન પ્રત્યેના એકતરફી પ્રેમ) વચ્ચે ભીંસાઇ રહેલા અદ્વિતીય અભિનેતા ગુરુ દત્ત પણ માનસિક ભરતી ઓટના પગલે શરાબ તરફ વળી ગયેલા અને ધીરે ધીરે શરાબની સાથોસાથ ઊંઘની ગોળી લેતા થઇ ગયેલા.
ગુરુની જેમ ગીતા દત્ત પણ શરાબ પીતી થઇ ગયેલી. ઓ પી નય્યરે એક મુલાકાતમાં કહેલું કે એકવાર તો રાત્રે દોઢ બે વાગ્યે નશામાં લડખડાતા કંઠે એણે ફોનમાં કહ્યું, મારી કને હવે કેમ ગવડાવતાં નથી ? હું સારું નથી ગાતી ? ત્યારે મેં એને માંડ માંડ સમજાવીને ફોન મૂકાવ્યો હતો એમ નય્યર સાહેબે કહેલું.
અભિનય અને વોઇસ મોડરેશન (અવાજના ચડાવ ઉતાર) બાબતમાં ભલભલાનાં માથાં ભાંગે હરિભાઇ જરીવાલા ઉર્ફે સંજીવ કુમારે પણ એક નબળી પળે શરાબ ચાખ્યો અને પછી તો એેટલી હદે બંધાણ થઇ ગયું કે એની નિકટનાં લોકો કહેતા કે સવારે ઊઠીને કોગળા પણ શરાબથી કરે છેે. ભરજુવાનીમાં રજતકેશી વ્યક્તિના રોલ કરતા સંજીવ કુમારે આવરદાની અરધી સદી પણ પૂરી ન કરી.
સાયગલ કરતાં ફક્ત ચાર વર્ષ વધુ જીવ્યા અને ૪૭ વર્ષની વયે આંખો મીંચી લીધી. જો કે સૌથી વધુ કરુણ કિસ્સો તો ટ્રેજેડી ક્વીન મીના કુમારીનો છે. ન દાંપત્ય જીવનમાં સુખ મેળવી શકી, ન માતૃત્વ પ્રાપ્ત કરી શકી. ઉત્તમ અભિનયની સાથોસાથ ઉત્તમ કક્ષાની શાયરી-ગઝલો રચતી મીના કુમારીએ પણ બેફામ શરાબપાન કરીને માત્ર ૩૯ વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. ગુરુ દત્ત અને મીના કુમારી બંનેએ ૩૯ વર્ષની વયે જાન ગુમાવ્યો હતો. આવા બીજા પણ કેટલાક દાખલા આપી શકાય એમ છે. ફરી ક્યારેક.
Comments
Post a Comment