એક્કેએક શાસ્ત્રીય બંદિશ વિશિષ્ટ બની એ મદન મોહનના સર્જનની આગવી ખૂબી હતી

સિનેમેજિક - અજિત પોપટ
23 માર્ચ 2018, શુક્રવાર

બરાબર બે સપ્તાહ પહેલાં એક સમાચાર પ્રગટ થયા હતા. ૧૯૬૪માં રજૂ થયેલી અને મનોજ કુમાર તથા સાધના નય્યરને રજૂ કરતી રહસ્ય ફિલ્મ વો કૌન થીની રિમેક બનવાની છે. અહેવાલ આપનારા પત્રકારે એવો સવાલ મૂક્યો હતો કે ફિલ્મના સંભવિત હીરો તરીકે જેનું નામ બોલાઇ રહ્યું છે એ શાહિદ કપૂર મનોજ કુમારના પેંગડામાં પગ ઘાલી શકશે કે ? મારી દ્રષ્ટિએ સવાલ આ હોવો જોઇતો હતો: રિમેકના સર્જકો બીજો મદન મોહન ક્યાંથી લાવશે ?

અથવા રિમેકનો સંગીતકાર મદન મોહન જેવું યાદગાર સંગીત પીરસી શકશે ખરો ? આપણે આજકાલ મદન મોહનની વાતો મમળાવીએ છીએ. સંગીતકાર મદન મોહન માટે બે વાત લગભગ સૌએ સ્વીકારી છે. એક, નૌશાદ પછી શુદ્ધ શાસ્ત્રીય સંગીતની સતત એકધારી ઉપાસના મદને પૂરેપૂરી સમર્પિતતાથી કરી. બે, મદન ગઝલ સંગીતનો બેતાજ બાદશાહ બની રહ્યો.

આજે આરંભે મદન મોહને શાસ્ત્રીય રાગરાગિણી આધારિત સર્જેલાં ગીતોની ઝલક રજૂ કરવી છે. અહીં એક સ્પષ્ટતા. મદન મોહનની વાત કરતી વખતે સાલવાર દરેક ફિલ્મની કે ક્રમશ: વાત કરવાની ઇચ્છા નથી. માત્ર ગમતીલાં ગીતોની વાત કરીશું. એમાં કોઇ ફિલ્મ વહેલી રજૂ થઇ હોય અને કોઇ મોડી રજૂ થઇ હોય. ગયા શુક્રવારે દુર્લભ રાગ નંદ પર આધારિત ગીતની વાત કરી હતી. યોગાનુયોગે એ પણ વો કૌન થીની જેમ ક્રાઇમ થ્રીલર ફિલ્મ મેરા સાયાનંુ ટાઇટલ ગીત હતું.

સંગીતના કેટલાક વિદ્વાનોનો અભિપ્રાય એવો છે કે અન્ય સંગીતકારો ઓછા સ્પર્શે છે એવા કર્ણાટકી રાગ-રાગિણીને મદને વધુ અજમાવ્યાં છે.

દરેકને પોતાનો અભિપ્રાય ધરાવવાનો અધિકાર છે. છેલ્લાં સાઠ સિત્તેર વર્ષમાં મહેફિલોમાં રજૂ થતા જે થોડા રાગો ફિલ્મ સંગીતકારોએ અજમાવ્યાં એવા, એટલે કે કોમન મેન પણ નામ અને સ્વરોથી ઓળખતો થઇ ગયો એવા, કેટલાક રાગો મદન મોહને પણ અજમાવ્યા. એ સમયના દરેક સંગીતકારની ખૂબી એવી હતી કે સાચ્ચા સંગીત રસિકો ગીત સાંભળીને ઓળખી કાઢતા કે કયા સંગીતકારની તર્જ છે.

અખબારી ભાષામાં કહીએ તો દરેક ગીત પર જે તે સંગીતકારનો સ્ટેમ્પ લાગેલો રહેતો. મદન મોહને પણ યમન, ખમાજ, પહાડી, ભીમપલાસી, ભૈરવી, પીલુ વગેરે રાગો અજમાવ્યાં છે. સાથોસાથ કર્ણાટક સંગીતના ચારુકેશી કે નંદ જેવા રાગ પણ પ્રસ્તુત કર્યા.

૧૯૬૫માં રજૂ થયેલી ફિલ્મ 'રિશ્તે નાતે'માં મદન મોહનનું સંગીત હતું. ફિલ્મના ટાઇટલ પરથી ખ્યાલ આવી જાય કે આ એક રોના ધોના ટાઇપ સામાજિક ફિલ્મ હતી. સાઉથના બેનર અમર જ્યોતિ પિક્ચર્સ દ્વારા રજૂ થયેલી આ ફિલ્મમાં સંવાદના બેતાજ બાદશાહ જેવા રાજકુમાર, અજોડ અભિનેત્રી નૂતન, જમુના, માધવી, નાઝિર હુસૈન,કન્હૈયાલાલ જેવી બળકટ સ્ટારકાસ્ટ હતી પરંતુ ફિલ્મ બોક્સ ઑફિસ પર પીટાઇ ગઇ. એટલે મદન મોહને કરેલો પુરુષાર્થ એળે ગયો.

બાકી સંગીત દાદુ હતું. શંકર જયકિસનના માનીતા ગીતકાર હસરત જયપુરીનાં ગીતો હતાં. આ ફિલ્મમાં એક ગીત રાગ ખમાજ પર આધારિત હતું. રાષ્ટ્રપિતા ગાંધીજીનંુ લાડકું ગીત વૈષ્ણવ જન તો તેને રે કહીએ રાગ ખમાજ પર આધારિત છે. અહીં એક આડવાત. ગીતના રચનાકાર નરસિંહ મહેતા ગરવા ગુજરાતી, ગાંધીજી ગરવા ગુજરાતી અને રિચર્ડ એટનબરોની અડધો ડઝન ઓસ્કાર ખેંચી લાવનારી ફિલ્મ ગાંધીના ક્લાયમેક્સમાં આ ભજન ગાયું ગરવા ગુજરાતી આશિત દેસાઇએ. ક્યા બાત હૈ...

સાંભળતાં એકદમ સહેલું લાગે. પરંતુ ગાવાની કોશિશ કરો ત્યારે ખ્યાલ આવે કે રિશ્તે નાતેની આ બંદિશ એટલી સહેલી નથી. લતાજીએ ગાયેલું એ ગીત એટલે 'ખનક ગયો હાય બૈરી કંગના...'  પ્રિયતમથી છૂપાવા મથતી નાયિકાના હાથની બંગડીએા રણકી ઊઠી અને પોતે ખુલ્લી પડી ગઇ એવી હળવી ભાવના ધરાવતા આ ગીતનો લય મસ્ત હતો.

છ માત્રાના દાદરા તાલને ઘુમાવી ફિરાવીને ખાસ ઠેકા સાથે મદન મોહને આ ગીતમાં જમાવ્યો હતો. નૂતન ખુશમિજાજમાં આ ગીત રજૂ કરે છે એવું ફિલ્માંકન હતું. સંગીતકારે  રાગ ખમાજને સરસ રીતે બહેલાવ્યો હતો.                                     
(ક્રમશ:)

Comments