શાંતિથી વિચારીએ: ડિપ્રેશનને દૂર રાખીને સ્વસ્થતા જાળવવા શું કરી શકાય ?

ટુ ધ પોઇન્ટ - અજિત પોપટ

આધુનિક મેડિકલ સાયન્સ પણ કહે છે કે પચાસ ટકા રોગો માનસિક કારણોથી થાય છે.

મોટા ભાગના ટીનેજર્સ ટોચના ફિલ્મ સ્ટાર્સની વાતોથી પ્રભાવિત થાય છે એટલે ફિલ્મ સ્ટાર્સથી વાતનો આરંભ કરીએ ? ટોચની અભિનેત્રી દીપિકા પાદુકોણે તાજેતરમાં દેશભરના મનોચિકિત્સકોને હાકલ કરી કે હતાશા (ડિપ્રેસન)ના ચિક્કાર કેસ વધી જાય એવા દિવસો આવી રહ્યા છે, માટે તમે કમર કસી લો. 

ખુદ દીપિકા પોતે ડિપ્રેસનનો ભોગ બની ચૂકી હતી. એવો જ એકરાર એના કહેવાતા બૉયફ્રેન્ડ અને ટોચના અભિનેતા રણવીર સિંઘે પણ કરેલો છે. વાસ્તવમાં આજે વાતાવરણ એવું કલુષિત થઇ ગયું છે કે આમ આદમી આંખના પલકારામાં ડિર્પ્રેસ થઇ જાય.

સવારે ઊઠતાંની સાથે છાપું હાથમાં લો. ચોરી, લૂંટફાટ, કરોડોનાં કૌભાંડ, બળાત્કાર, અકસ્માતમાં મોત, વિધાનસભા કે સંસદમાં ગાળાગાળી-મારામારી, સ્કૂલોની સ્વચ્છંદી ફી નીતિ, પોતાનું કાયદેસરનું કામ ન થતાં નાગરિક દ્વારા આત્મવિલોપન, પાણીની ટંચાઇ અને પાણીમાં પ્લાસ્ટિકના અંશો, દૂધ કે અનાજમાં ભેળસેળ, કેરી જેવા સીઝનલ ફળોનો આસમાની ભાવ- આ અને આવાં અનેક સમાચારો આમ આદમીને હતાશ કરી દેવા પૂરતાં હોય છે.

તમે કદાચ માનશો નહીં, પણ સૌથી વધુ ડિપ્રેસના કિસ્સા ટીનેજર્સમાં થાય છે. ટીવી સિરિયલો અને ફિલ્મોમાં જે ઝાકઝમાળ જોઇ હોય એવું વાસ્તવ જીવનમાં ક્યાંય જોવા મળે નહીં. 

કાતિલ મોંઘવારીમાં એક સાંધો ત્યાં તેર તૂટે જેવી પરિસ્થિતિ હોવાથી માતાપિતા બંને નોકરી કરતાં હોય. બાળકને એની મૂંઝવણ રજૂ કરવા માટે કે પોતાના મનની વાત કરવા માટે કોઇ હોય નહીં. અગાઉ તો દાદા- દાદી કે નાના-નાની હતાં.

સંયુક્ત પરિવારો તો ક્યારના ભાંગી ચૂક્યા છે. કિશોર વયના છોકરા-છોકરીઓ જરાક અમથી સમસ્યાથી આંખના પલકારામાં હતાશ થઇ જાય. તમે જોયું હોય તો આપઘાત કરવા પ્રેરાતા ટીનેજરને રોકવામાં મદદ કરતી સંસ્થાના કાઉન્સેલર્સ મોટે ભાગે ટીનેજર્સને વાતોમાં રોકી રાખે છે જેથી એનો હૈયાબળાપો નીકળી જાય અને આપઘાતની નાજુક ક્ષણ પસાર થઇ જાય.

રાજકીય  કે સામાજિક વાતાવરણ ખાસ્સું ડહોળાયેલું છે. સડકો પર જુઓ તો લોકો દોડાદોડ કરતા દેખાય જાણે પાછળ વાઘ પડયો હોય. પરસ્પર વિશ્વાસ અને આત્મીયતા ઓછાં થતાં જાય છે. 

એ સંજોગોમાં ડિપ્રેસનના કેસ ન વધે કે આપઘાતની ઘટનાએા ન વધે એવું શી રીતે બને ? છાશવારે ઉશ્કેરાટ અને હાથાપાઇના બનાવો બનવાનું કારણ પણ એ જ છે.

છેલ્લા થોડા સમયથી સતત ઓશો રજનીશજી યાદ આવે છે. એમનો એક પ્રયોગ વિરલ હતો. એમના આશ્રમોમાં આજે એવા પ્રયોગ ચાલુ રહ્યા છે કે નહીં એની જાણ નથી. 

દરેકે પોતાની વાત મુક્ત મને કરી દેવાની. રજનીશજી કહેતા કે તમને જેના પર ગુસ્સો હોય એને આપવી હોય તેટલી ગાળો આપીને હળવા થઇ જાઓ.પછી આપણે ધ્યાનની વાતો કરીશું.

મનોચિકિત્સાની એક મહત્ત્વની ચાવી પણ આવી જ છે. વ્યક્તિને બોલવા દો. એના મનનો ભાર હલકો કરી નાખવા દો.આપોઆપ કેટલીક સમસ્યા દૂર થઇ જશે. 

આધુનિક મેડિકલ સાયન્સ પણ કહે છે કે પચાસ ટકા રોગો માનસિક કારણોથી થાય છે. એ કારણો દૂર થઇ જાય તો આપોઆપ રોગી સારો થઇ જાય. એને ટ્રાન્ક્વીલાઇઝર્સ કે શામક દવાઓની જરૃર ન રહે.

વિદેશોની જેમ હવે તો આપણે ત્યાં પણ મનોચિકિત્સાના એક ભાગ રૃપે મ્યુઝિક થેરપી પણ અજમાવાય છે. માણસ માનસિક રીતે શાંત હોય તો એનું શારીરિક સ્વાસ્થ્ય પણ ટકોરાબંધ રહે છે. માનસિક શાંતિ માટે માણસ પોતે તૈયાર હોવો જોઇએ.

સ્વામી ચિન્મયાનંદજી સરળ ભાષામાં સમજાવે છે- જ્યાં સંજોગો પર આપણો કાબુ ન હોય ત્યાં ટેન્શન રાખવાની જરૃર નથી અને જ્યાં સંજોગો આપણા કાબુમાં હોય ત્યાં ટેન્શન હોતું નથી. 

બેંકોનાં કૌભાંડો પર કે પોલિટિકલ ચડઊતર પર આપણો કાબુ નથી. એને સાક્ષીભાવે જોયા કરો. એમાં આપણે કંઇ કરી શકવાના નથી. માત્ર પાર્ટીઓનાં નામ જુદાં હોય છે, એમનો પોષાક કે ધ્વજ જુદા હોય છે.બાકી બધા પોલિટિશ્યનો સરખા.

કાગડા બધે કાળા રહેવાના. એ સમજવા માટે જ્યોતિષીઓની આગાહી વાંચવાની જરૃર નથી. રોજબરોજની ઘટનાઓ પરથી સમજાઇ જાય કે બધા પોલિટિશ્યનો સરખા છે. 

બધાંને સત્તાનો લાડુ જોઇએ છે, કોઇને આમ આદમી માટે કામ કરવું નથી, આમ આદમીની મુશ્કેલીઓ દૂર કરવી નથી, માત્ર વાતોનાં વડાં કરવા છે. એવા સમયમાં ડિપ્રેસનને નજીક આવવા ન દેતાં આપણી સ્વસ્થતા જાળવી રાખવી એ સૌથી સહેલો અને હાથવગો ઉપાય છે.

Comments