કાનસેન બનવાની તક કુદરતે ક્યાં કેવી રીતે મેળવી આપી ? મદન મોહનની સફળતાનું રહસ્ય

Begum Akhtar and Madan Mohan
સિનેમેજિક - અજિત પોપટ
2 માર્ચ 2018, શુક્રવાર

સંગીતકાર મદન મોહનની વાત કરતી વખતે એકાદ બે મુદ્દા અચૂક યાદ આવે. પહેલી વાત એ કે શાસ્ત્રીય અને ફિલ્મ સંગીતના દાદુ સંગીતકારોએ એને મુક્ત કંઠે બિરદાવેલા. એજ રીતે એક તરફ ઉપશાસ્ત્રીય ગાયનની સામ્રાજ્ઞાી બેગમ અખ્તર અને બીજી બાજુ ચચ્ચાર પેઢીની અભિનેત્રીઓ માટે કંઠ ઊછીનો આપનારી સ્વર કિન્નરી લતા મંગેશકરે જેની સર્જનશીલતાને બિરદાવેલી એવો આ ધીંગો સંગીતકાર.

છતાં કોણ જાણે કેમ ટોપ ગ્રેડના ફિલ્મ સર્જકોએ એને પૂરતી તક ન આપી, એ લિસ્ટની ગણાતી ફિલ્મોમાં ઓછા દેખાયા. બાકી એનામાં પ્રતિભાની ક્યાં ઓછપ હતી ? મદન મોહનનું સંગીત કેટલાક વિદ્વાનોના મતે ક્લાસ માટે હતું, માસ માટે નહોતું. જે હો તે, એક વાતે બધાં સંમત છે કે મદન મોહનનું સંગીત હતું હિટ. જો કે આજે જે મુદ્દાની છણાવટ કરવી છે એ જરા જુદો છે. 

આપણે જેને ફિલ્મ સંગીતનો સુવર્ણયુગ કહીએ છીએ એ સમયગાળાના કેટલાક સંગીતકારો સતત કહેતાં કે અમે બાકાયદા શાસ્ત્રીય સંગીતની તાલીમ લીધી નથી. તદ્દન પ્રિ-પ્રાયમરી (બાળમંદિર) કહેવાય એવું થોડું ઘણું સંગીત શીખ્યા છીએ. દિલીપકાકા- (સિનિયર સંગીતકાર ગાયક- દિલીપ ધોળકિયા ) હળવા શબ્દોમાં કહેતા, એકડિયા પાપડિયા જેવું સંગીત શીખેલા આ સંગીતકારો કેવું ગજબનું કામ કરી ગયા છે !

એવું શી રીતે બન્યું હશે ? એનો જવાબ કદાચ અહીં મળે છે. બીજા વિશ્વયુદ્ધ પછી લશ્કરી નોકરી છોડીને મદન મોહને ૧૯૪૬માં ઓલ ઇન્ડિયા રેડિયોની નોકરી સ્વીકારી. રેડિયોના લખનઉ કેન્દ્રમાં એણે નોકરી સ્વીકારી. હજુ એઆઇઆરને  'આકાશવાણી' નામ મળ્યું નહોતું.

બ્રિટિશ સરકાર જવાની તૈયારીમાં હતી. હોદ્દો હતો પ્રોગ્રામ આસિસ્ટન્ટ. આ નોકરી મદન મોહન માટે વરદાન રૃપ નીવડી. અહીં એને કામ કરતાં કરતાં અનાયાસે 'કાનસેન' બનવાની તક મળી.  લખનઉ એ દિવસોમાં ટોચના શાસ્ત્રીય સંગીતકારોના અડ્ડા સમાન હતું. જેમની રગેરગમાં સંગીત વહેતું હોય એવી તવાયફોના કોઠા પણ ત્યાં હતા.

માત્ર થોડાંક નામો લેવાં હોય તો આફતાબ-એ-મૌશિકી ઉસ્તાદ ફૈયાઝ ખાં, પંડિત ઓમકારનાથ ઠાકુર, ઠુમરી સામ્રાજ્ઞાી સિદ્ધેશ્વરી દેવી, ઉસ્તાદ અલી અકબર ખાં, અખ્તરીબાઇ ફૈઝાબાદી (બેગમ અખ્તર ), આજના ટોચના ગવૈયા પંડિત રાજન સાજન મિશ્રાના પિતા પંડિત હનુમાન પ્રસાદજી, તબલાં નવાઝ પંડિત કિસન મહારાજ... આમાંના કેટલાક ભલે રહેતાં હોય બનારસમાં, આ બધા ત્યારે લખનઉ રેડિયો પરથી પોતાની કલા રજૂ કરતા. એક પણ પૈસાના ખર્ચ વિના કામ કરતાં કરતાં મદન મોહનને આ બધાં કલાકારોની કલા આકંઠ માણવાની તક મળી. એ બધાંને સાંભળી સાંભળીને મદને પોતાના દિમાગની ડાયરીમાં ઘણું બધું ભેગું કરી લીધું જે પાછળથી ફિલ્મોમાં કામ આવ્યું.

કહેવાનું તાત્પર્ય એ છે કે ફિલ્મોમાં સુપરહિટ સંગીતકાર બનવા માટે શાસ્ત્રીય સંગીતકારોની જેમ દાયકાઓ સુધી રોજ રોજ આઠ નવ કલાક રિયાઝ કરવાની જરૃર નહોતી. એમ તો શંકર જયકિસને ક્યાં આકરી તાલીમ લીધી હતી ? નૌશાદે ક્યાં વરસો સુધી રિયાઝ કર્યો હતો ? વાસ્તવમાં એ દિવસોમાં મુંબઇમાં દેશી નાટક સમાજ, નવરાત્રિના દિવસોમાં ભજવાતી રામલીલા, ભવાઇ, ફરતી રંગભૂમિ, શાસ્ત્રીય સંગીતની બેઠકો અને રેડિયો- મનોરંજનનાં આંગળીને વેઢે ગણાય એટલાં સાધનો ઉપલબ્ધ હતાં.

આ બધાંમાંથી તમારે જેટલું લેવું હોય એટલું લઇ લેવાનું. એ સમયના મોટા ભાગના સંગીતકારો એ રીતેજ  સંગીતમાં આગળ વધ્યા. લખનઉ રેડિયોની એે નોકરી મદન મોહન જેવા ગુણગ્રાહી આદમી માટે કામધેનુ બની રહી. એકાદ વર્ષ પછી એની બદલી દિલ્હી રેડિયો પર થઇ. અગાઉ વાત કરેલી એમ દિલ્હીમાં પણ ઉસ્તાદ અમીર ખાંના પટ્ટશિષ્ય પંડિત અમરનાથ જેવાનો સહવાસ મળવાનો હતો.

આજે પણ કેટલાક હોનહાર કલાકારો આકાશવાણીની નોકરી કરે છે. એના અનેક લાભ છે.  એક એકથી ચઢિયાતા દાદુ કલાકારોએ પ્રસ્તુત કરેલી કલાનો ખાસ્સો મોટ્ટો આર્કાઇવ્ઝ આકાશવાણી પાસે ત્યારે હતો અને આજે પણ છે.

રોજિંદી ફરજો બજાવતાં તમને જે સાંભળવા મળે તે ઉપરાંત આર્કાઇવ્ઝ અને આકાશવાણીના દર શનિવારે રાત્રે સાડા નવથી અગિયાર સુધી થતા રાષ્ટ્રીય પ્રોગ્રામ્સ. વાર્ષિક સમારોહ તો જુદા. એવા અઢળક ખજાનાની વચ્ચે કામ કરવાની તક તો પૂર્વજન્મનો પુણ્ય-સંચય હોય તો મળે. ૧૯૪૭માં દિલ્હી રેડિયો પર હતા ત્યારે મદનને ગઝલો સ્વરબદ્ધ કરીને ગાવાની તક પણ મળી. કંઠ તો પૌરુષમય અને મધુર હતોજ.

લતાજીને પહેલી તક આપનારા માસ્ટર ગુલામ હૈદર સિગારેટના ટીન પર હાથના અંગુઠા અને પહેલી આંગળીથી તાલ આપીને તર્જો બનાવતા. આ માસ્ટર ગુલામ હૈદરે ૧૯૪૮માં રજૂ થયેલી ફિલ્મ શહીદમાં લતાજી સાથે મદન મોહનના કંઠે એક ગીત રેકોર્ડ કર્યું. આ ફિલ્મ શહીદ (લેખક વજાહત મિર્ઝા, ફિલ્મ સર્જક રમેશ સહગલ, કલાકારો દિલીપ કુમાર,

કામિની કૌશલ અને વાઘ જેવી ચળકતી કાતિલ આંખો ધરાવતા કલાકાર ચંદ્ર મોહન)માં લતાજી સાથે મદનનો જે મનમેળ થયો એ જીવનભર રહ્યો.  ગુલામ હૈદરે જે ગીત રેકોર્ડ કર્યું એ 'પિંજરે મેં બુલબુલ બોલે, મેરા છોટા સા દિલ ડોલે...' છેલ્લી ઘડીએ ફિલ્મમાંથી ઊડી ગયું. પરંતુ લતાજી અને મદન વચ્ચે સગ્ગાં ભાઇબહેન જેવો જે સંબંધ સ્થપાયો એ મદનનાં અકાળ મૃત્યુ સુધી ટકી રહ્યો.

Comments