આટલાં બધાં મહોરાં પાછળનો સાચુકલો માણસ ક્યાંય જોવા મળે ખરો, દોસ્ત !

ટુ ધ પોઇન્ટ  - અજિત પોપટ

'આ ઘણું મોટું શહેર, ટાઇપ કરેલા પત્ર જેવા માણસો, સ્મિતનુંય પૃથક્કરણ કરવું પડે...'

નામ નથી લેવું, એ જે ફિલ્મ બનાવે છે એની વાત પણ નથી કરવી. પરંતુ અનાયાસે એક ફિલ્મ સર્જકે કરેલું વિધાન આ લેખકને ગમી ગયું. કદાચ તમને પણ ગમી જશે એેવા ખ્યાલે એને અહીં રજૂ કરી રહ્યો છું. 

આ ફિલ્મ સર્જકે પોતાના અનુભવોના આધારે એક એવી ફિલ્મ બનાવવાની યોજના ઘડી હતી જેના વિશે જાણીને એમના તમામ સાથીદારો ચેતવ્યા હતા કે જો જો હં, આવી ભૂલ ન કરી બેસતા. ફિલ્મ રજૂ થાય એ થિયેટરો પર કાગડા ઊડશે અને તમારું બેંક બેલેન્સ ઓછું થશે. ફિલ્મ હજુ રજૂ થઇ નથી એટલે સર્જકના સાથીદારોની આગાહી વિશે હાલ કંઇ કહી શકાય એમ નથી. પરંતુ સર્જકના મનમાં ઘોળાતો વિચાર આ લેખકને ખરેખર ગમી ગયો.

આમ તો આ વાત હેમ્લેટ, મેકબેથ, જુલિયસ સીઝર, ઓથેલો, ટેમ્પેસ્ટ વગેરે ટ્રેજેડી નાટકોના રચનાકાર વિલિયમ શેક્સપિયરના નામે ચડેલી છે. શેક્સપિયર કહેતો કે સમગ્ર વિશ્વ એક સ્ટેજ છે અને આપણે સૌ એના અદાકારો છીએ. આ વિધાન શેક્સપિયરનું હોય કે કોઇ બીજાનું, એમાં સનાતન સત્ય છે. પેલા ફિલ્મ સર્જક પણ આ જ વાત કરતા હતા. તેમની વાતનો સાર એટલે આજનો ટુ ધ પોઇન્ટનો લેખ.

સવારે ઊઠે ત્યારથી રાત્રે ફરી પથારીમાં પડે એ વચ્ચેના સમયગાળામાં માણસ કેટકેટલી ભૂમિકાઓ જાણ્યે અજાણ્યે ભજવતો હોય છે. માતાપિતા કે ઉપરી અધિકારી સાથે વાત કરવાનો ટોન અને મેનરીઝમ અલગ. સંતાનો કે હાથ નીચેના કર્મચારી સાથે વાત કરવાનો ટોન અને મેનરીઝમ અલગ. દોસ્તો સાથે ટોળટપ્પા કરતી વખતનો ટોન અને મેનરીઝમ અલગ. એમાં મોહરાં પાછળનો અસલી ચહેરો કદી જોવા મળતો નથી.

આ અનુભવ મારો તમારો આપણા સૌનો છે. કોઇ પણ ક્ષેત્રમાં કામ કરનાર વ્યક્તિને આ વાત લાગુ પડે છે. ગુજરાતી રંગભૂમિના દાદુ અભિનેતા-નાટય સર્જક પ્રવીણ જોશીએ આ વાત એકવાર જુદી રીતે કહી હતી.

એમણે કહેલું કે આપણે જેને કાકુભેદ કહીએ છીએ એ રોજબરોજ હાલતાં ચાલતાં અનુભવવા મળે એેવી વાત છે પરંતુ એટલા માત્રથી સોંઘી નથી. કલાકારે કાકુભેદ સમજવો અને અપનાવવો પડે છે. એના વિના એ કલાકાર બની શકતો નથી. આ લખનારને લાગે છે કે માત્ર કલાકાર શા માટે, દરેક વ્યક્તિને ચોક્કસ સંદર્ભમાં આ વાત લાગુ પડે છે. એના પરથી જ એક મિમિક્રી કલાકારે રમૂજી આઇટમ તૈયાર કરેલી.

એ આઇટમ એવી હતી કે બોસ ખીજાય ત્યારે હેડ ક્લાર્ક જુનિયર ક્લાર્ક પર ગુસ્સો ઊતારે, જુનિયર ક્લાર્ક પટાવાળાને ધમકાવે અને પટાવાળો ઘેર જાય ત્યારે વિના કારણે પત્ની પર રોષ વ્યક્ત કરે. આવા અનુભવો પરથી દરેક ગૃહિણી સાંજે ઘેર આવતા પતિદેવના પગલા પરથી સમજી જતી હોય છે કે આજે સાહેબનો મૂડ કેવોક છે ! કેવી રીતે આજે તેમને હેન્ડલ કરવા!

ક્યારેક મ્યુનિસિપાલિટીની  બસના કંડક્ટર પ્રત્યે માન જાગે છે. લગભગ રોજ સવારથી સાંજ સુધીમાં એને અનેક લોકો સાથે પનારો પાડવાનો આવતો હોય છે. કઇ રીતે પોતાની સ્વસ્થતા જાળવી રાખતો હશે ! નાના મોટા દરેક સાથે એણે કામ કરવું જ પડે એવી એની ફરજ હોય છે. 

આખરે એય બસમાં ચડતા ઊતરતા ઉતારુઓ જેવોજ માણસ હોય છે. એનેય ઘર પરિવાર હોય છે. એનેય મારા તમારા જેવી સમસ્યા નડતી હોય છે. છતાં એણે ફરજનું મહોરું પહેરીને આઠ દસ કલાક વ્યતીત કરવા પડે છે. એને ભગવદ્ ગીતાની સ્થિતપ્રજ્ઞાની વ્યાખ્યા લાગુ પાડી શકાય ખરી ? હળવાશથી કરેલું આ સૂચન છે. વિચારજો.    

કોઇ કવિના કાવ્યની એક પંક્તિ ખૂબ ગમી ગયેલી. આ કાવ્ય આખું તો યાદ નથી પરંતુ જે પંક્તિ ગમી ગયેલી એ આવી છે- 'આ ઘણું મોટું શહેર, ટાઇપ કરેલા પત્ર જેવા માણસો, સ્મિતનુંય પૃથક્કરણ કરવું પડે...' આજના સતત ભાગદોડના અને વ્હૉટ્સ એપના યુગમાં સાચુકલો માણસ ક્યાંય જડે ખરો ? વિચારવા જેવું છે. 

દિવસ દરમિયાન એક પછી એક ભૂમિકા ભજવતા માણસના ચહેરા પર સંદર્ભ અનુસાર મહોરાં બદલાતા રહે છે. અંદરનો સાચુકલો માણસ કદી જોવા મળતો નથી. સામેથી આવતી વ્યક્તિ ગમતીલી હોય તો અનાયાસે સ્મિત ફરકી જાય છે, બાકી આ કાવ્ય પંક્તિમાં કહ્યું છે એમ સ્મિતનુંય મહોરું પહેરી લેવામાં આવે. તો પછી આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ ધરાવતા રોબો (યંત્રમાનવ) અને મારી તમારી વચ્ચે કોઇ ફરક ખરો કે બોસ ?

Comments