ટુ ધ પોઇન્ટ - અજિત પોપટ
to the point 10 april 2018
'એક જ કલાકાર, એક જ રાગ, જુદા જુદા સમારોહમાં ગાય ત્યારે પણ એ અલગ અલગ પ્રભાવ કે હવા પેદા કરશે.'
વરસો જૂનાં, પરંતુ ૨૪ કેરેટના સોનાની લગડી જેવાં બે દુર્લભ રેકોર્ડિંગ તાજેતરમા સાંભળવા મળ્યાં. એક આલ્બમનું નામ 'ટ્રિબ્યુટ ટુ ધ લેજન્ડ: પંડિત સવાઇ ગંધર્વ'. રામભાઉ કુંદગોળકર ઉર્ફે સવાઇ ગંધર્વ એટલે કિરાણા ઘરાનાના દિગ્ગજ ગાયક અને મરાઠી રંગભૂમિના વરિષ્ઠ અભિનેતા.
આ આલ્બમમાં પંડિતજીએ ગાયેલા રાગ-રાગિણી ઉપરાંત એમાં તેમનાં સુપરહિટ નાટકો સૌભદ્ર અને કીતી સાંગુ તુલા (કેટલું કહું તને ?)નાં બે ગીતો તથા સંત તુકારામનાં અભંગનો સમાવેશ છે. રાગોનું વૈવિધ્ય પણ ગજબનું. આસાવરી, ગુર્જરી તોડી, દેશકાર, પુરિયા ધનાશ્રી, ધાની, તિલક કામોદ, નટ મલ્હાર, તિલંગ, પુરિયા, શંકરા, બહાર, અડાણા, હિંડોળ, સૂરદાસી મલ્હાર, માંડ, જૌનપુરી,પહાડી અને ભૈરવી.
બીજું આલ્બમ છે 'સ્વરાધિરાજ'. આ આલ્બમ પંડિત સવાઇ ગંધર્વના 'સવાયા' શિષ્ય પંડિત ભીમસેન જોશીનું છે. એમાં પણ રાગ વૈવિધ્ય અને અન્ય સામગ્રી અલૌકિક છે. બંને આલ્બમ એક પછી એક સાથે સાંભળવાથી સાનંદ આશ્ચર્ય થયું. રાગોના સામ્ય સિવાય બીજું કોઇ સામ્ય નહીં.
સવાઇ ગંધર્વે જે તાલીમ આપી હશે એમાં પંડિત ભીમસેન જોશીએ અન્ય ગુરુ-શિષ્ય પરંપરા (ઘરાના)માંથી પોતાને ગમતાં તત્ત્વો ઉમેરીને પોતાની જે ગાયકી બનાવી. એ ખરા અર્થમાં એમની મૌલિક ગાયકી. તમને એમાં પંડિત સવાઇ ગંધર્વ ક્યાંય વર્તાય નહીં. એમાંય સદ્ગુરુની તલાશમાં દેશભરની રઝળપાટ કરી ત્યારે થોડો સમય બનાસરમાં રોકાયા હતા.
બનારસના રોકાણ દરમિયાન ઉસ્તાદ બિસ્મીલ્લા ખાન સાથે રોજ ત્રણસો દંડ અને છસો બેઠકનો વ્યાયામ કરીને ગટગટાવેલું તાજું ગાયનું બશેર દૂધ...સાદો પૌષ્ટિક આહાર અને સખ્ખત વ્યાયામ જેવો જ સઘન રિયાઝ...ભીમસેન જોશીની વીજળીના ચમકારા જેવી સપાટ તાન સાંભળો તો અધધધ થઇ જાય. મધ્ય લય તીનતાલના બાર બાર પંદર પંદર આવર્તનો સુધી એમની તાન હિમાલય પરથી ધસમસતી રહેલી ભાગીરથીની જેમ સડસડાટ વહેતી હોય.
પંડિત ભીમસેન જોશી ૭૫ વર્ષના થયા ત્યારે એમનો ઇન્ટવ્યૂ લેવાની તક મળેલી. ગાયકીના રહસ્ય વિશેનો સવાલ સાંભળીને મુક્ત મને હસી પડયા. કહે, 'મૈં તો બહુત બડા ચોર હું.. કિસી ભી ઘરાને કી કોઇ બાત મુઝે અચ્છી લગી તો મૈં ઉસે ચુરાકર અપની ગાયકી મેં સમાવિષ્ટ કર લેતા હું...કૌન સી ચીજ મૈંને કહાં સે પ્રાપ્ત કી વો કિસી કો પતા નહીં લગને દેતા...' આ છે ખરું રહસ્ય. એક ગુરુ કને તાલીમ લીધા બાદ તમે જુદા જુદા ઘરાનાની ખૂબી સમજો અને અપનાવીને એને તમારી બનાવી લો.
યુગસર્જક ગાયક (ફિલ્મ શબાબ, બૈજુ બાવરા, ઝનક ઝનક પાયલ બાજે, ગૂંજ ઊઠી શહનાઇ વગેરેમાં કંઠ આપનારા ) ઉસ્તાદ અમીર ખાન આ વાત જુદી રીતે કહેતા. એ કહેતા, તમને મારી ગાયકી ગમે છે એ સારી વાત છે.પરંતુ મારી બેઠ્ઠી નકલ નહીં કરતા. મારી ગાયકીનો એક રંગ છે.
એમાં તમે નક્કલ ઉમેરો તો કશું નહીં બને. તમારો પોતાનો નવો રંગ પેદા કરીને એ રજૂ કરો તો તમારી ગાયકી મૌલિક અને યાદગાર બની જશે.. મેરે રંગ મેં મેરા હી દૂસરા રંગ મિક્સ કરને સે તુમ્હેં કુછ નહીં મિલેગા...કુછ અપના બનાઓ ઔર પેશ કરો.. તબ તુમ્હારા નામ હોગા.. ઓડિયન્સ તુમ્હેં તુમ્હારે નામ સે યાદ રખેંગે... '
અહીં એક વાત સમજવાની છે. ભારતીય સંગીતના મહેફિલના જે રાગો છે તે સેંકડો વરસોથી નક્કી છે. એક જ રાગ જુદા જુદા કલાકાર ગાય ત્યારે તમને નવીનતાનો અહેસાસ થાય. સંસ્કૃત ભાષામાં એક સરસ ઉક્તિ છે - ક્ષણૈ: ક્ષણૈ: યન્નવતાં ઉપૈતિ, તદૈવ રૃપં રમણીયતાયાં... ક્ષણે ક્ષણે જેમાં નવીનતાનો અહેસાસ થાય એનું સ્વરૃપ રમણીય હોય છે.
આ છે ભારતીય સંગીત. અરે, એથી પણ આગળ વધીને પંડિત કુમાર ગંધર્વને ટાંકીને કહું તો 'એક જ કલાકાર, એક જ રાગ, જુદા જુદા સમારોહમાં ગાય ત્યારે પણ એ અલગ અલગ પ્રભાવ કે હવા પેદા કરશે.' કુમારજી કહેતા, 'જે તે પ્રદેશનું હવામાન, ખોરાક-પાણી, વાતાવરણ, ઓડિયન્સનો મૂડ, કલાકારનો પોતાનો મૂડ વગેરે બાબતો અદાયગી પર અસર કરતી હોય છે. મુંબઇનો ગાયક અમદાવાદમાં આવે ત્યારે હવામાનની અસર એના પોતાના મૂડ પર પણ થાય. એની અસર એની ગાયકી પર પણ થાય...'
આ રીતે ગુરુ-શિષ્યના દુર્લભ રેકોર્ડિંગ એક સાથે સાંભળવા મળે એ પણ વિરલ ઘટના બની રહેતી હોય છે. પંડિત ઓમકારનાથજી અને પંડિત અતુલ દેસાઇને સાંભળવાની તક ૧૯૮૦ના દાયકામાં મળેલી.
ઓમકારનાથજીનું રેકોર્ડિંગ હતું અને અતુલભાઇએ પોતે ગાઇને સંભળાવેલું. આવી વિરલ ક્ષણો પંચોતેર એંસી વર્ષની આવરદામાં ક્યારેકજ આવી જતી હોય છે અને એમાં પણ ગુરુકૃપા તથા ઇશ્વરની કૃપા નિમિત્ત બનતી હોય છે. વધુ ભવિષ્યમાં ક્યારેક.
Comments
Post a Comment