ટોપ્સીટર્વી - અજિત પોપટ
એક કાલ્પનિક દ્રશ્ય છે. મહાનગરના રાજમાર્ગ પર પોલીસને એક મૃતદેહ પડયો હોવાની જાણ કરાય છે. પોલીસ આવે છે. મૃતદેહ તપાસે છે. કોઇ ધારદાર હથિયારથી, ગોળીબારથી કે મૂઢમારથી હત્યા થઇ હોવાનાં ચિહ્નો જડતાં નથી. પોસ્ટમોર્ટમ દરમિયાન પણ એને ઝેર અપાયાની કે એવી બીજી કોઇ કડી મળતી નથી.
યોગાનુયોગે તપાસ કરતા પોલીસ અધિકારીનો પુત્ર એમ કહીને પિતાને ચોંકાવી દે છે કે માત્ર એક આંગળી મરનારના ગળા પર ખૂંપાડી દઇને એને મારી નખાયો હોઇ શકે. વ્હૉટ ? પિતા બરાડી ઊઠે છે. ત્યારે માર્શલ આર્ટસ્નો વિદ્યાર્થી રહી ચૂકેલો પુત્ર રહસ્યસ્ફોટ કરે છેે કે આ રીતે હત્યા કરવાનું શક્ય છે. મૃતદેહની ઝીણવટભરી તપાસ ફરી કરવામાં આવતાં ગળા પર કાનની નીચેની બાજુએ રાઇના દાણા જેવો એક લાલ ડાઘ નજરે પડે છે. રહસ્ય ઉકેલાઇ જાય છે.
ટોચનો ફિલ્મ સર્જક કરણ જોહર હાલ ભારતીય સુપરહીરોને રજૂ કરતી ટ્રિલોજી બનાવવાની જોજના અમલમાં મૂકી રહ્યો છે. એની પહેલી કડીનો હીરો રણબીર કપૂર હાલ ભારતીય માર્શલ આર્ટસ્ શીખી રહ્યો હોવાના સમાચાર ગયા સપ્તાહે પ્રગટ થયા. ભારતીય માર્શલ આર્ટસ્ શબ્દ સાંભળીને ચોંકતા નહીં. આપણા વિવિધ પ્રદેશોમાં સ્વરક્ષણ માટેની વિવિધ તાલીમો છે.
દાખલા તરીકે તમિલનાડુમાં એક સૈકાઓ જૂની-પ્રાચીન છે. એને વર્મા કાલાઇ, મર્મવેધ કે મર્મ અતિ તરીકે ઓળખવામાં આવે છે. તો ઇશાન ભારતના મણીપુર રાજ્યમાં હ્યુએન લેંગલોન અને તા થાંગ નામની માર્શલ આર્ટ છે. દક્ષિણ ભારતનાં અન્ય રાજ્યોમાં કલારીપયટ્ટુ નામની માર્શલ આર્ટ છે.
કરણ જોહરનો હીરો હાલ વિવિધ ભારતીય માર્શલ આર્ટસ્નો અભ્યાસ ખૂબ દિલ દઇને કરી રહ્યો છે. દરમિયાન, વર્મા કાલાઇની ઊડતી ઝલક મેળવવા જેવી છે. સાવ સરળ શબ્દોમાં સમજાવું આપણે સૈૈાએ એક્યુપ્રેસરનું નામ તો સાંભળ્યું છેે.
હવે તો અમેરિકા, ઇંગ્લેંડ અને જર્મની જેવા દેશોએ વૈકલ્પિક સારવાર પદ્ધતિ (ઓલ્ટરનેટિવ મેડિસિન) તરીકે એક્યુપ્રેસરને કાયદેસરની માન્યતા આપી છે. માનવ શરીરમાં જુદાં જુદાં અંગ-ઉપાંગોમાં કેટલાંક એવા દાબબિંદુઓ આવેલાં છે જે દબાવવાથી અમુક-તમુક દર્દમાં રાહત મળે છે અથવા જે તે અંગની બીમારી દૂર કરવામાં સહાય મળે છે. એવો આ સારવાર પદ્ધતિનો પાયાનો સિદ્ધાંત છે.
બસ, એ જ છે વર્મા કાલાઇ કે મર્મ વેધનો સાર. શરીર પરના જે દાબબિંદુઓ માણસને સ્વાસ્થ્ય બક્ષી શકે છે એજ દાબબિંદુ માણસનેા જીવ પણ લઇ શકે છે. જો કે વર્મા કાલાઇમાં પણ મણીપુરની હ્યુએન લેંગલોનની જેમ સ-શસ્ત્ર અને અ-શસ્ત્ર એટલે કે હથિયાર સાથેે અને વગર હથિયારે લડવાની વિદ્યાશાખા છે.
એને માટે મેડિકલ સાયન્સ ભણતા વિદ્યાર્થીની જેમ શરીર વિજ્ઞાનનો અભ્યાસ જરૃરી બની રહે છે. સાથોસાથ ધ્યાન, પ્રાણાયમ અને બીજી યોગવિદ્યાઓ પણ શીખવી પડે છે. રણબીર કપૂર હાલ આ વિદ્યા શીખી રહ્યો છે અને એને ખાતરી છે કે જૂનમાં ફિલ્મ ફ્લોર પર જાય ત્યાં સુધીમાં પોતે આ કલામાં પારંગત થઇ જશે.
હાથના કાંડાની વચલી આંગળી દ્વારા ચોક્કસ દાબબિંદુ પર ચોક્ક્સ માત્રામાં શક્તિ પ્રવાહથી પ્રહાર કરવામાં આવે તો માણસને ગંભીર ઇજા થઇ શકે કે પ્રહાર જીવલેણ પણ સાબિત થાય. શાક સમારવાની છરીથી હત્યા થઇ શકે એમ માણસને તંદુરસ્તી બક્ષતાં એક્યુપ્રેસરનાં પોઇન્ટ્સ જીવલેણ પણ નીવડી શકે એ આ કલાની ખૂબી છે. વર્મા કાલાઇને એટલે જ મર્મ વેધ પણ કહે છે. શરીરના કેટલાંક નાજુક અવયવોને તમિળ ભાષામાં મર્મ પણ કહે છે સંસ્કૃત ભાષામાં મર્માઘાત જેવો શબ્દ પણ છે એ તમને યાદ હશે.
Comments
Post a Comment