સિનેમેજિક - અજિત પોપટ
30 માર્ચ 2018, શુક્રવાર
30 માર્ચ 2018, શુક્રવાર
આજે માર્ચનો છેલ્લો શુક્રવાર અને છેલ્લો શુક્રવાર હોય એટલે ટીનેજર્સને ગમતાં ફિલ્મ ગીતોની વાતો કરવાની પરંપરા આપણે અત્યાર સુધી જાળવી છે. ગયા મહિને આપણે એકતા કપૂરની ક્રાઇમ થ્રીલર વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઇના ગીત સંગીતની વાત શરૃ કરેલી.
આજે એ પૂરી કરીએ. ગયા શુક્રવારે કહેલું કે આવી ફિલ્મોમાં દર્શકનો ગીત સંગીતમાં રસ જળવાઇ રહે એ મુદ્દો સંગીતકારની આકરી કસોટી જેવો બની રહે છે. સદ્ભાગ્યે પ્રીતમને અને એના સાથી સહાયકોને દર્શકોને ગમે એવું સંગીત પીરસવામાં સફળતા મળી હતી. આમ કહેવા પાછળ ઔર એક હેતુ છે.
આ ફિલ્મની સિક્વલ વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઇ દોબારામાં પણ એકાદ ગીત બાદ કરતાં સંગીત પ્રીતમનું હતું. જો ઓરિજિનલ ફિલ્મમાં સંગીત હિટ ન નીવડયું હોત તો પ્રીતમને બીજીવાર તક ન મળી હોત. એકતા કપૂર ભલભલા રીઢા વેપારીઓને હંફાવે એવું બિઝનેસ માઇન્ડ ધરાવે છે. એણે પ્રીતમને સિક્વલમાં રિપિટ કર્યો એનો અર્થ એ હતો કે મૂળ ફિલ્મમાં પ્રીતમે સરસ સંગીત પીરસ્યું હતું.
ગયા મહિને આપણે વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઇનાં ત્રણેક ગીતોની વાત કરી હતી: પી લું... અને તુમ જો આયે જિંદગી મેં... ગીતોની વાત કરી હતી. આજે બાકીનાં ત્રણ ગીતોને મમળાવીએ. એવું એક ગીત એટલે નીલેશ મિશ્રાએ લખેલું અને કે કે, કાર્તિક તેમજ ડોમિનિકે ગાયેલું આયમ ઇન લવ.. એનો ઉપાડ અલગ રીતે થાય છે. 'આજકલ તનહા મૈં કહાં હું ?,
સાથ ચલતા કોઇ, ઉસ કી હમેં આદત હોને કી આદત હો ગયી હૈ, વો જો મિલા હૈ જબ સે, ... ઉસ કી સોહબત હો ગયી...' આમ સંવાદાત્મક રીતે એકરાર થાય છે કે આયમ ઇન લવ...પહેલીવાર એકલા કાર્તિકના કંઠમાં અને બીજી તેમજ ત્રીજી વાર આ ત્રણે ગાયકોના કંઠમાં આ ગીત રિપિટ થાય છે. અહીં તર્જ કરતાં લયને વધુ મહત્ત્વ અપાયું હોય એવું લાગ્યા કરે છે. આર.ડી. બર્મનની જેમ પ્રીતમે અહીં અખતરો કે પ્રયોગ કર્યો હોય એવું સાંભળનારને લાગશે. જો કે ગીત યાદગાર છે એવું નહીં કહી શકાય.
ઐાર એક ગીત સુનિધિ ચૌહાણ અને રાણા મઝુમદારન કંઠમાં છે. 'દુનિયા મેં લોગોં કો ધોખા કભી હો જાતા હૈ, આંખોં હી આંખોં મેં યારોં કા દિલ ખો જાતા હૈ...' ઇર્શાદ કામિલની આ રચના ખાસ્સી લાંબી છે. જો કે રૃપેરી પરદા પર માણવામાં કંટાળો નહોતો આવ્યો.
૨૦૦૩માં ૮૮ એન્ટોપ હિલ ફિલ્મથી પ્લેેબેક સિંગર તરીકે કારકિર્દી શરૃ કરનારા રાણા મઝુમદારે ત્યારબાદ વીસ બાવીસ ફિલ્મોમાં ગાયું. પરંતુ અગાઉ ઘણીવાર અહીંથી લખ્યું છે એમ છેલ્લા દોઢ બે દાયકામાં આવેલા ગાયકો જેટલી ઝડપથી હિટ નીવડયાં એટલીજ ઝડપથી ભૂલાઇ પણ ગયા. આમ થવાનાં ઘણાં કારણો છે. સૌથી મહત્ત્વનું કારણ કે પરિબળ એ છે કે આજના સંગીતમાં મેલોડી (મધુરતા ) ઓછી અને લયપ્રાધાન્ય વધુ છે.
સાંભળનારને કમર ઝૂલાવવાનું મન થાય એવી તર્જો વધુ બની રહી છે. બીજું, મહત્ત્વનંુ પરિબળ એ છે કે નવી પેઢીના ગાયકોના કંઠની રેંજ બહુ ઓછી છે. મુહમ્મદ રફી કે મન્ના ડેને સાંભળ્યા પછી આ નવોદિતોની રંેજ આપણને સાવ કંગાળ લાગે. ઔર એક પરિબળ એ પણ છે કે આજની લેટેસ્ટ ટેક્નોલોજીના પગલે સંગીત રસિકેાની આંગળીના ટેરવે દુનિયાભરના ઉત્તમોત્તમ ગાયકો રમતા હોય છે એટલે એમનાં રસરુચિમાં ધરખમ બદલાવ આવ્યો છે.
એકદમ રમતિયાળ કહી શકો એવું એક ગીત બમ્બૈયા ટપોરી બોલચાલમાં છે. સુપારી લઇને ગુંડાગીરી કે હત્યા કરનારા ટપોરીના મનના વિચારને આ ગીતમાં રજૂ કરાયા હતા. હાથમાં ઇમ્પોર્ટેડ રિવોલ્વર હોય ત્યારે ટપોરી એમ માનતો હોય કે આખી દુનિયા મારા ઇશારે ચાલે છે. એવો ભાવ આ ગીતમાં હતો.
આ ગીત પંજાબી ગાયક મિકા (કે માયકા ) સિંઘના કંઠમાં હતું. ઉપાડ કંઇક આ પ્રકારનો હતો: 'અક્ખા યહ શહર બડા, અપની જેબ મેં પડા ખુલ્લા રાઝ હૈ બસ, ઊંગલી યહ ટ્રીગર પે હૈ, ડેરિંગ બીચ ઘર મેં, અપની તાત હૈ બસ, ઓ અપના ટાઇમ હૈ... બાબુ રામ મસ્ત મસ્ત હૈ...' પરદા ગીતની જેમ આ ગીત પણ થોડા સમય માટે સાંભળવું ગમે એવું રમતિયાળ હતું.
એમાં પણ તમને લાંબો સમય યાદ રહે એવો પ્રભાવ ગીતનો નહોતો.આમ છતાં પ્રીતમ આ ફિલ્મના સંગીતકાર તરીકે પંકાયો અને સફળ ગણાયો એ ટીનેજર્સ માટે બહુ મોટી વાત હતી. એ આજ સુધી ટકી રહ્યો છે અને શાહરુખ ખાન જેવાની ફિલ્મો એને મળતી રહી છે એ એની સફળતાનો બોલતો પુરાવો છે.
Comments
Post a Comment