આપણે પોતે જાગ્રત ન થઇએ ત્યાં સુધી ઉકરડા ડુંગરા રૃપે રહેવાના અને દુર્ગંધ અને ચેપી રોગો ફેલાવવાના
ઘણું કરીને દક્ષિણના સંત રમણ મહર્ષિ સાથે સંકળાયેલો પ્રસંગ છે. મારાથી શરાબ છૂટતો નથી એવું કહેનારા બંધાણીની સામે મહર્ષિ એક થાંભલાને વળગી પડયા, પેલાને કહે, જો ને, આ થાંભલો મને છોડતો નથી. સ્વામીજી થાંભલાને તો તમે વળગ્યા છો, એ ક્યાં તમને વળગ્યો છે ? પેલો બોલી ઊઠયો. બસ ત્યારે મારે તને એજ કહેવું છે. શરાબે તને પકડયો નથી, તેં શરાબને પકડયો છે. તું છોડી દે એટલે મુક્ત થઇ જઇશ... મહર્ષિએ કહ્યું. વાત વિચારવા જેવી છે.
સરકાર છોને છાપરે ચડીને ગર્જે 'સ્વચ્છ ભારત, સ્વચ્છ ભારત !' આપણે પોતે જાગ્રત ન થઇએ ત્યાં સુધી ઉકરડા ડુંગરા રૃપે રહેવાના અને દુર્ગંધ અને ચેપી રોગો ફેલાવવાના. સરકારી આંકડા મુજબ ૧૯૮૬ થી ૧૯૯૯ વચ્ચે ૯૪ લાખ નવાં પાયખાનાં બાંધવામાં આવ્યાં હતાં. હાલની સરકાર આવતા પાંચ વર્ષમાં બીજાં આશરે પચાસ લાખ પાયખાનાં બાંધવાની છે. તેથી સ્વચ્છ ભારતનું સ્વપ્ન સાકાર થઇ જશે ? નો સર.
વાતને ફક્ત ગુજરાત પૂરતી મર્યાદિત રાખીએ. ગુજરાતનાં દરેક શહેરમાં એકાદી લટાર મારીએ. જ્યાં જ્યાં ચા-નાસ્તાની લારી કે પાન પાર્લર દેખાય તેની આસપાસ નજર કરો. ગૂટકાના પ્લાસ્ટિકના પડીકાં, પાઉચ, અર્ધી પર્ધી બળેલી સિગારેટ કે બીડી, તમાકુની પિચકારીના કે પાનના ડાઘથી માર્ગ છવાયેલો હશે. સફાઇ કામદાર કરી કરીને કેટલી સફાઇ કરે ? ક્યાં ક્યાં કરે ? ખાઉ ગલી તરીકે જાણીતા વિસ્તારોમાં એકાદ સવારે આંટો મારી જોવા જેવો છે.
માથું ફાડી નાખે એવી દુર્ગંધ સાથે ગંદકીના ડુંગર છવાયેલા દેખાય. ઘણી વાર તો લારીવાળાએ પોતે કચરાટોપલી બાજુમાં રાખી હોય. પરંતુ વધેલા ઘટેલા ખોરાક સાથેના કાગળ સડક પર પડેલા જ દેખાય. લારીવાળો ધંધો ચાલુ રહે એ માટે આવા ગ્રાહકોને ટોકે નહીં. મોડી રાત્રે થાક્યો પાક્યો ઘર ભેગેા થવાની લાહ્યમાં એ સડક પર પડેલો એંઠવાડ કચરાટોપલીમાં નાખવાની પરવા પણ કરે નહીં.
લાંબા અંતરની એસટી બસો કે સ્થાનિક લાલ બસોમાંથી ઘણા મોજિલા પેસેંજર બેધડક બસની બારીમાંથી વટેમાર્ગુ પર પાન-તમાકુની પિચકારી છોડતો દેખાય. અરે, હોન્ડા કે મર્સિડિઝ જેવી મોંઘીદાટ કારમાં બેઠેલા શ્રીમંત બાપના છકેલા છોરા કારનો દરવાજો ઊઘાડીને સડક પર થૂંકતા કે કારની બારી થોડીક ઊઘાડીને સિગારેટની રાખ ખંખેરતા દેખાય. આવાં દ્રશ્યો હવે રોજનાં થઇ પડયાં છે. આપણા પેટનું પાણી હાલતું નથી, જાણે ટેવાઇ ગયા છીએ.
આમ તો આવાં દ્રશ્યો ફિલ્મોમાં જોઇને આપણે રમૂજ અનુભવીએ છીએે. વાસ્તવ જગતમાં આપણે પોતે અજાણતામાં આવી અવ્યવસ્થાના ભાગીદાર થઇ જઇએ છીએ. કદાચ ગંદકી આપણને સદી ગઇ છે. વિદેશની ટુર પર જઇએ ત્યારે ત્યાંની સ્વચ્છતામાં સહભાગી થઇએ કારણ કે ત્યાં તો અજાણતાંમાં સડક પર થૂંકવાથી પાંચ પંદર ડૉલર્સનો દંડ ભરવો પડે. એવા સમયે એક ડૉલરના કેટલા રૃપિયા થાય એવો હિસાબ પણ મનોમન કરી લઇએ.
પરંતુ ટુર પૂરી થઇ અને માદરે વતનમાં પાછાં ફર્યા એટલે હતા તેવા ને તેવા ! વિશ્વનું સૌથી મોટું વિસ્મય કયું એવો સવાલ આજે યુધિષ્ઠિરને પેલો યક્ષ પૂછે તો આ જ જવાબ યુધિષ્ઠિર આપે કે વિદેશોમાં મને કમને સ્વચ્છતાના કાયદાનું પાલન કરીને એના બેમોઢે વખાણ કરનારા ગુજરાતીઓ પાછા સ્વદેશમાં આવી જાય ત્યારે સ્વચ્છતાને સમજી વિચારીને વિસારે પાડી દે એ આજના વિશ્વનું સૌથી મોટું વિસ્મય છેે !
હુકમનું પાનું આપણા હાથમાં છે, સરકારી તંત્રના હાથમાં નથી. રોજબરોજના જીવનમાં આપણે જાણ્યે અજાણ્યે કેટલી ગંદકી કરીએ છીએ એનું રોજેરોજ તાજ્જેતાજ્જું પ્રતિક્રમણ રોજ રાત્રે સુતાં પહેલાં કરવું જોઇએ. શક્ય હોય તો એ પ્રતિક્રમણના પ્રતિભાવ રૃપે આવનારા દિવસોમાં કેટલી ગંદકી ઓછી કરીશું એનો સંકલ્પ લેવો જોઇએ. તંદુરસ્તી જાળવી રાખવાનું એક રહસ્ય સ્વચ્છતા છે. સ્વચ્છ રહો તો સ્વસ્થ રહો એ રોજિંદા જીવનનો મુદ્રાલેખ બનાવી લેવામાં ગુમાવવાનું કશું નથી. મેળવવાનું ઘણું છે- સ્વાસ્થ્ય. ઘરમાં, દુકાનમાં, નોકરી કરતાં હો તો તમારી રોજની બેઠક પર, પ્રવાસ કરતાં હો તો ટ્રેનના કમ્પાર્ટમેન્ટમાં, દરેક સ્થળે સ્વચ્છતા જળવાઇ રહે એ જરૃરી છે.
આવાં નાનાંમોટાં દરેક કાર્ય માટે સરકારી તંત્ર પર આધાર રાખવો એ નરી મૂર્ખતા છે. ગમે ત્યાં તમાકુ કે પાનની પિચકારી મારવા કરતાં એક નાનકડી કાગળની કે પ્લાસ્ટિકની થેલી સાથે રાખવી અને મન થાય ત્યારે એમાં થૂંકી દેવું. કચરાટોપલી દેખાય ત્યાં એ થેલી પધરાવી દેવી. લાંબે ગાળે તંદુરસ્ત રહેવાની આ જાદુઇ ચાવી (માસ્ટર કી) ઘણો લાભ આપશે. જાગ્યા ત્યાંથી સવાર કરીએ તો સારું.
Comments
Post a Comment