સિનેમેજિક - અજિત પોપટ
9 ફેબ્રુઆરી 2018, શુક્રવાર
સાવ કૂમળી વયમાં એને સારું સંગીત કોને કહેવાય એની સૂઝબૂઝ પ્રગટવા માંડી
ઘણા લાંબા સમય પછી એવું બન્યું કે વનરાજ ભાટિયા પછી જે સંગીતકારની વાત માંડવી હતી એના બાળપણ વિશે ગયા શુક્રવારે બે ત્રણ યાદગાર કિસ્સા મમળાવ્યા. આજે એ સંગીતકારનો પરોક્ષ પરિચય રજૂ કરું છું. મને ખાતરી છે કે આજના લેખ પછી જાણકારો અચૂક સમજી જવાના કે કોની વાત શરૃ કરી રહ્યા છીએ.
* જન્મ મિડલ ઇસ્ટના હુલામણા નામે ઇરાકી કુર્દિસ્તાનના એર્બિલ શહેરમાં, બાલ્યાવસ્થાનાં આઠ વર્ષ પછી બ્રિટિશ કાળના ભારતમાં પંજાબ પ્રાંતના ઝેલમ જિલ્લાના ચકવાલ ગામે રહેવાની તક મળી. દાદા-દાદી અને માતાએ એને લોકસંગીતના સૂર ચખાડયા. આ સ્થળ હાલ પાકિસ્તાનના લાહોર શહેરની સીમામાં આવેલું છે. લાહોરમાં એેક માસ્ટર કરતાર સિંઘ કને ભારતીય સંગીતની બારાખડી શીખ્યો. માત્ર બારાખડી. પરંતુ પૂર્વજન્મના કોઇ સંસ્કાર હશે એટલે સાવ કૂમળી વયમાં એને સારું સંગીત કોને કહેવાય એની સૂઝબૂઝ પ્રગટવા માંડી.
થોડા સમય પછી મુંબઇમાં માતાપિતા પાસે આવવાની તક મળી. આલીશાન મરીન ડ્રાઇવ પર રહેવાનો અવસર સાંપડયો. આજે જે વિસ્તારદાઉદ ઇબ્રાહિમની બહેન હસીના પારકર અને અરુણ ગવળી 'ડેડી'નો ગણાય છે એ ભાયખલા વિસ્તારમાં આવેલી મિશનરી ક્રિશ્ચન સ્કૂલ સેંટ મેરીમાં સિનિયર કેમ્બ્રીજ જેટલો અભ્યાસ કર્યો.
* આ વાત છે ૧૯૩૦ના દાયકાના ઉત્તરાર્ધની. એ દિવસોમાં ઓલ ઇન્ડિયા રેડિયો ધીમી પણ મક્કમ ગતિએ મનોરંજન ક્ષેત્રે પગપેસારો કરી રહ્યો હતો. આપણા કથાનાયકે માત્ર અગિયાર વર્ષની વયે ઓલ ઇન્ડિયા રેડિયો પર બાળ વિભાગમાં ગીતો ગાવાનાં શરૃ કર્યાં. અહીં જ એને બોલિવૂડના ધુરંધરોનો પરિચય થયો. એક અત્યંત રૃપાળો અને આસમાની આંખ તેમજ ગોળમટોળ કાયા ધરાવતો કિશોર પણ ઓલ ઇન્ડિયા રેડિયો પર ગાવા આવતો.
એક શામળી મરાઠી કિશોરી પણ ગાવા આવતી. એક કિશોરીને તો આપણો કથાનાયક જાતે લઇ આવેલો. બાય ધ વે, અહીં ઔર એક વાત કરવી જરૃરી જણાય છે. પાછળથી મધર ઇન્ડિયા ફેમ અભિનેત્રી ગણાયેલાં નરગિસની માતા જદ્દનબાઇ પોતે સેમી ક્લાસિકલ ગાયિકા હતાં.
એમને ત્યાં અવારનવાર શાસ્ત્રીય સંગીતની મહેફિલો જામતી. ત્યાં આપણો હીરો જઇને બેસતો અને બડે બડે ઉસ્તાદોને આકંઠ માણતો. આમ સંગીતની તાલીમ ભલે સાવ નગણ્ય લીધી હોય, એ અભિજાત સંગીત સાંભળી સાંભળીને 'કાનસેન' થતો ચાલ્યો.
* બાસમતી ચોખાથી બનાવેલા ખાસ પુલાવમાં વચ્ચે કાંકરી આવી જાય એવી એક ઘટના પણ બની ગઇ. કોણ જાણે એને શો વિચાર આવ્યો, સત્તર વર્ષની વયે દહેરાદૂનમાં કર્નલ બ્રાઉન કેમ્બ્રીજ સ્કૂલમાં એક વર્ષ લશ્કરી તાલીમ લઇને એ ભાઇ બ્રિટિશ લશ્કરમાં સેકંડ લેફ્ટંનટ જેવા હોદ્દા પર જોડાઇ ગયા. થોડો સમય સંગીત બાજુ પર રહી ગયું. પરંતુ અગાઉ કહ્યું એમ પૂર્વજન્મના સંસ્કારો કંઇ લાંબો સમય છાના રહે ખરા ? બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું અને આ ભાઇને ફરી સંગીતના સૂર યાદ આવ્યા. લશ્કરને રામ રામ કરીને એ ફરી માયાનગરી મુંબઇ આવી ગયા.
આ એ દિવસોની વાત છે જ્યારે અનિલ વિશ્વાસ, સજ્જાદ હુસૈન, માસ્ટર ગુલામ હૈદર, વિનોદ, ખેમચંદ પ્રકાશ, નૌશાદ અલી, હુશ્નલાલ ભગતરામ અને સી રામચંદ્ર જેવા દાદુ સંગીતકારો સક્રિય હતા. એ બધાંની વચ્ચે નવા સંગીતકારે પોતાની કેડી કંડારવાની હતી.
આ કામ ધારો એટલું સરળ નહોતું. પરંતુ અડગ મનના મુસાફિરને હિમાલય પણ નથી નડતો.. પંક્તિ અનુસાર આ ભાઇએ મક્કમ નિર્ણય કરી લીધો હતો કે માત્ર અને માત્ર મારી પ્રતિભાના જોરે હું ફિલ્મ સંગીતમાં મારું એક વિશિષ્ટ સ્થાન બનાવીશ.
સહેલાઇથી હિંમત હારે એમાંનો આ યુવાન નહોતો. લશ્કરી તાલીમ અને લશ્કરના અનુભવે એનામાં ભારોભાર શિસ્ત, સમયપાલન અને ધીરજ ભરી દીધાં હતાં. પિતા ફિલ્મ સૃષ્ટિમાં આદરપાત્ર નામ હોવા છતાં આ યુવાન એમની મદદ લઇને આગળ વધવા માગતો નહોતો.
ગયા શુક્રવારે કહ્યું એમ કેટલીક વાર એક ટંક ભોજનના ફાંફા પડી જતા. હું ફલાણા ફિલ્મ પ્રોડયુસરનો પુત્ર છું એવા છ શબ્દોએ એને ઢગલાબંધ કામ અપાવી દીધું હોત. પરંતુ પેલી આપકર્મી અને બાપકર્મી લોકકથાની જેમ આ જુવાન આપકર્મી બનીને મંજિલ સિદ્ધ કરવા કટિબદ્ધ હતો.
એની ધીરજ અને એની લગને એને કામિયાબી અપાવી. સતત ચોવીસ કેરેટના સોનાની તર્જો આપીને અકાળે આ સ્વરનિયોજકે વિદાય લીધી હતી. આવતા શુક્રવારથી એમના સંગીતની ઝલક મેળવીશું...
Comments
Post a Comment