ટુ ધ પોઇન્ટ - અજિત પોપટ
ગુજરાતી કવિતાના પાંચ યુગ-વિભાગોમાં એક આખ્ખો યુગ રાજેન્દ્ર નિરંજનના નામે લખાયો
માત્ર એક મુલાકાત અને એય અલપઝલપ. પરંતુ એ અમારા પર ચિરસ્મરણીય છાપ મૂકી ગયેલા. જી હા, વાત ભગત સાહેબની છે. ધાર્યું હોત તો માત્ર અંગ્રેજી ભાષામાં સાહિત્ય સર્જન કરીને વિશ્વવિખ્યાત થઇ શક્યા હોત. અંગ્રેજી ભાષા અને સાહિત્ય ઉપરાંત વિશ્વ કવિતાનું એમનું વાંચન પ્રચંડ કહેવાય એવું. પણ માથા પર ભાર જરાય નહીં. આજીવન અધ્યાપક રહ્યા તેમ આજીવન વિદ્યાર્થી રહ્યા.
સતત નવું નવું વાંચતા. જીવનસંધ્યાએ પણ વાંચનનો શૉખ એવોજ રહ્યો. એમના માટે અહોભાવ એટલા માટે કે અંગ્રેજી ભાષા અને સાહિત્યના અધ્યાપક હોવા છતાં મોટે ભાગે સર્જન કાર્ય માતૃભાષામાં કર્યું. નર્મદ-દલપતરામથી શરૃ થયેલી આધુનિક ગુજરાતી કવિતાએ સાક્ષર કે પંડિત યુગમાં નવાં કલેવર ધરેલાં. નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા, મહાકવિ ન્હાનાલાલ અને આગવો છંદ વિનિયોગ કરીને સોનેટ્સ રચનારા પ્રોફેસર બળવંતરાય કલ્યાણરાય ઠાકોરની આંગળી પકડીને ગુજરાતી કવિતા ગાંધી યુગમાં પ્રવેશેલી.
ઉમાશંકર-સુંદરમ્ની સાથોસાથ ઝવેરચંદ મેઘાણી, કરસનદાસ માણેક અને વેણીભાઇ જેવાએ ગાંધી વિચારની કવિતા સર્જી. આ બધાંની વચ્ચે રહીનેય પોતાની આગવી છટા ઊપસાવી રાજેન્દ્ર-નિરંજને. ગુજરાતી કવિતાના જે પાંચ યુગ-વિભાગો સાહિત્યના ઇતિહાસકારોએ પાડયા તેમાં એક આખ્ખો યુગ રાજેન્દ્ર નિરંજનના નામે લખાયો.
આ બંને કવિ-દોસ્તોનેા મિજાજ ખરેખર આગવો હતો. રાજેન્દ્રે ઘણું કરીને બંગાળી છંદમાં લખ્યું, 'નિરૃદ્દેશે, સંસારે મુજ મુગ્ધ ભ્રમણ પાંશુ મલિન વેશે...' તરત નિરંજન ભગતે સર્જ્યું, 'હું ક્યાં એક્કે કામ તમારું કે મારું કરવા આવ્યો છું ? હું તો બસ ફરવા આવ્યો છું...' ઊંઝા જોડણીવાળાને ભગત સાહેબનું 'હરિવર મુજને હરી ગયો..' કાવ્ય વંચાવવું જોઇએ. તો કદાચ સમજાય કે હરિ અને હરી વચ્ચે શો ફરક છે ! કલ્પનોની ઊંચાઇ અને ઊંડાણ બંને એમના 'આપણો ઘડીક સંગ' કાવ્યમાં માણી શકાય છે કાળની કેડીએ રે, આપણો ઘડીક સંગ...એક કાવ્ય બાઇબલ સાથે સંકળાયેલી લોકકથાનું છે.
રાતના અંધારામાં જેનું પડખું સેવવા હડિયોપટ્ટી કરતા હતા એવા કહેવાતા ભદ્રલોક એક વેશ્યાને ભગવાન ઇસુ પાસે આવતી જોઇને પથ્થર મારવા તૈયાર થયા ત્યારે ઇસુએ કહેલું, આ જગતમાં જન્મીને જેણે કદી મન વચન કે કર્મથી કોઇ પાપ ન કર્યું હોય એ પહેલો પથ્થર મારે... ભગત સાહેબે આ લોકકથા રજૂ કરતું એક અછાંદસ કાવ્ય છે. કાવ્યમાં એક અદ્ભુત કલ્પના કરી ભગતસાહેબે. 'પથ્થર થર થર ધૂ્રજે, હાથ હરખથી જૂઠ્ઠા ને જડ, પથ્થરની ત્યાં કોણ વેદના બૂઝે ?...' આ કાવ્યમાં સરળતાની સાથોસાથ પ્રગટતી વેધકતા ખૂબ ગમે છે.
એવુંજ એક કાવ્ય આધુનિક મનોવિજ્ઞાાનના પહેલા પાઠ જેવું છે. આ કાવ્ય વાંચતાં મને સદૈવ સૂફી સંત રાબિયા યાદ આવ્યાં છે. રાબિયા સરળ ભાષામાં કહેતા, ખુદી કી ટોપી છોડ દે ઔર ખુદા કો પા લે... અહીં અહંકારના અર્થમાં ખુદી શબ્દ છે. આધુનિક મનોવિજ્ઞાાન, અધ્યાત્મ પુરુષો અને ધર્મગ્રંથો અહંત્યાગની જે વાત કરે છે એે ભગત સાહેબે સરળ કાવ્યમાં કહી દીધી- 'લાવો, તમારો હાથ મેળવીએ,
કહું છું હાથ લંબાવી....' પંક્તિના પૂર્વાર્ધમાં ખ્યાલ પણ ન આવે કે ઉત્તરાર્ધમાં કવિ આટલો બધો ગહન ગૂઢાર્થ કહી દેશે... સંગીતના વિદ્યાર્થીને આ લયકારી અચૂક સ્પર્શી જાય. એમના માર્ગદર્શન તળે ભણી ચૂકેલા વિદ્યાર્થીઓ કહે છે કે અંગ્રેજી સાહિત્ય ભણાવવાની એમની શૈલીમાં પણ એવીજ સરળતા રહેતી. એટલે ઘણીવાર બહારની કૉલેજના સ્ટુડન્ટસ્ એમને સાંભળવા આવી જતા.
ભગત સાહેબના ચાહક એવા એક ભૂતપૂર્વ વિદ્યાર્થી અને હાલ અધ્યાપકે કહ્યું, ગરથ ગાંઠે અને વિદ્યા પાઠે લોકોક્તિ ભગત સાહેબે પચાવી લીધી હતી. પાઠયપુસ્તક ઊઘાડયા વિના એ વર્ડઝ્વર્થ, શેલી, બાયરન કે કિટ્સ પર કલાકો સુધી અસ્ખલિત બોલી શકતા.
એટલે પ્રોફેસર તરીકે પણ એમની લોકપ્રિયતા ભલભલાને અદેખાઇ આવે એવી હતી. સ્ટાઇલ ઇઝ ધ મેન એવું અંગ્રેજીમાં કહ્યું છે. સાદગી, સરળતા એમના વ્યક્તિત્વને એેક પ્રકારની દિવ્યતા બક્ષતા. બાય ધ વે, સૂરલોકમાં કવિ સંમેલન યોજાયું હશે કે ? હજુ તો જલન માતરી સાહેબ ગયા એ સમાચારની શાહી સુકાઇ નથી ત્યાં ભગત સાહેબ પણ ચાલ્યા...
Comments
Post a Comment