ટુ ધ પોઇન્ટ - અજિત પોપટ
વાહનોના ધૂમાડા અને સડક પરની ધૂળના કારણે વૃક્ષોનાં પાંદડા પરના નરી આંખે ન દેખાય એવાં સૂક્ષ્મ છિદ્રો પૂરાઇ ગયા છે
કાઉન્ટ ડાઉન શરૃ થઇ ચૂક્યું છે. અડતાલીસ કલાક પછી હોળીની ઊજવણી શરૃ થશે. હોળીની ઝાળ કઇ દિશામાં જાય છે એને આધારે ભડળી વાક્યોના અભ્યાસીઓ ચોમાસું કેવું જશે એની ભવિષ્યવાણી કરશે. સમગ્ર દેશમાં હોળી ઊજવાય છે.
ગુજરાતમાં પણ હોળીની ઊજવણી જુદી જુદી રીતે થાય છે. કોઇ પણ ઉત્સવ હોંશથી ઊજવાય એનો વાંધો હોઇ શકે નહીં. પરંતુ સુક્કાં લાકડાં સહેલાઇથી ન મળે ત્યારે સૂકાં ભેગું લીલું બાળી નાખવા કેટલાક વિસ્તારોમાં ઝાડ કાપી નખાય છે. એની સામે સમજુ લોકોએ વાંધો લેવો જોઇએ.
બહુ દૂરની વાત નથી. માત્ર બે મહિના પહેલાં પાટનગર નવી દિલ્હી અને ત્યારબાદ અમદાવાદમાં ઝેરી પ્રદૂષણ માઝા મૂકી રહ્યું હતું. સાવ સહેલાઇથી લોન પર મળતાં ટુ વ્હીલર અને ફોર વ્હીલર્સના કારણે અન્ય વિસ્તારોની જેમ ગુજરાતનાં શહેરોમાં પણ વાહનોની સંખ્યા ખૂબ વધી ગઇ છે. એની સામે વૃક્ષોની સંખ્યામાં પૂરતો વધારો થયો નથી. જે વૃક્ષો છે એની પણ યોગ્ય જાળવણી થતી નથી. આટલું ઓછું હોય તેમ હોળીના બહાને કેટલાંક વૃક્ષોની નિર્દયપણે કતલ કરી નાખવામાં આવશે.
આ સંદર્ભમાં રાજસ્થાનના ગંગાનગરની એક કૉલેજના વિદ્યાર્થીઓ અને અધ્યાપકોએ કરેલો એક સર્વે રસપ્રદ છે. આ લોકોએ સતત છ મહિના સુધી, અને ત્રણે મુખ્ય ઋતુઓને આવરી લઇને એક સર્વે કર્યો. રાજસ્થાન, પંજાબ અને હરિયાણાના વિવિધ નેશનલ અને સ્ટેટ હાઇ વે પર આ સર્વે કરવામાં આવ્યો હતો. એ સર્વેમાં ચોંકાવનારી વિગતો મળી.
આ વિગતોનો સાર એટલો જ કે પ્રદૂષણ બેફામ થઇ જતાં વૃક્ષોને પણ શ્વાસોચ્છવાસમાં તકલીફ પડે છે અને કેટલાંક વૃક્ષો આપણી જેમ દમ (અસ્થમા)નો ભોગ બન્યાં છે. આ નિરીક્ષણ ખરેખર ચોંકાવનારું ગણાય. વાહનોના ધૂમાડા અને સડક પરની ધૂળના કારણે વૃક્ષોનાં પાંદડા પરના નરી આંખે ન દેખાય એવાં સૂક્ષ્મ છિદ્રો પૂરાઇ ગયા છે એટલે તેમને હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડ જેવું ઝેર ખેંચી લેવામાં તકલીફ પડે છે.
તમને યાદ હશે, જગદીશચંદ્ર બોઝે પહેલીવાર જાહેર કરેલું કે વૃક્ષ-વનસ્પતિમાં પણ જીવ છે. એ લોકો પણ માણસ કે જીવજંતુની જેમ શ્વાસોચ્છવાસ કરે છે. દિવસે હવામાંનો કાર્બન ડાયોક્સાઇડ ખેંચી લઇને એના બદલામાં માણસ તથા જીવજંતુને જરૃરી એવો પ્રાણવાયુ આપે છે.રાત્રે એ પ્રવૃત્તિ ઊલટી થઇ જાય છે એટલે રાત્રે વૃક્ષ તળે સુવાની ના પાડવમાં આવે છે.
સર્વે કરનારી ટીમે એવાં સૂચનો કર્યાં હતાં કે હાઇવેની બંને બાજુએ લીમડો, સીસમ, ગરમાળો, બોર, બાવળ, પીપળો અને ખીજડો જેવાં વૃક્ષો ઊછેરવાં જોઇએ. આ વૃક્ષો હવામાંથી ઝેરી પ્રદૂષણ વધુ પ્રમાણમાં ખેંચવાની ક્ષમતા ધરાવે છે.
પીપળા વિશે તો આપણે અગાઉ વાત કરી હતી કે આ એક એવું વૃક્ષ છે જે ચોવીસે કલાક પ્રાણવાયુ આપે છે એટલે તો આપણા ઋષિ-મુનિઓએ પીપળો પૂજવાની પરંપરા શરૃ કરી હતી. સૌથી મોટી ચિંતાની વાત એ છે કે જીવસૃષ્ટિને પ્રાણવાયુ આપતાં અને હવામાંના ઝેર (પ્રદૂષણ)ને ઓહિયાં કરી જતાં વૃક્ષોજ અસ્થમા જેવી બીમારીનો ભોગ બને તો માણસ અને બીજાં જીવોની શી સ્થિતિ થાય ?
વધુ મકાનો ઊભાં કરીને મબલખ કમાણી કરવા ઉત્સુક બિલ્ડરો અને પોલિટિશ્યનો અવિચારીપણે વૃક્ષોની કત્લેઆમ ચલાવી રહ્યા છે. પોતાને લોકપ્રતિનિધિ ગણાવતા કોઇ કહેવાતા નેતાના પેટનું પાણી હાલતું નથી. આટલું ઓછું હોય તેમ હોળી જેવા તહેવારોએ રહ્યાં સહ્યાં વૃક્ષો પર કહેવાતા ધાર્મિક લોકોની કુહાડી ફરી વળે છે.
આ સંજોગોમાં પ્રદૂષણ સામે રક્ષણ મળે તો શી રીતે મળે ? અમદાવાદના એક ટોચના ફેમિલિ ડૉક્ટરે કહ્યું કે હવે તો મેગાસિટિ મુંબઇ કરતાં પણ અમદાવાદમાં પ્રદૂષણ વધી રહ્યું છે. ે લગભગ બારે માસ લોકો શરદી-કફ-ઊધરસનો ભોગ બનીને ખોં ખોં કરતા રહે છે. પરંતુ કોઇને વૃક્ષોની જાળવણીનો વિચાર આવતો નથી. કમ સે કમ જે વૃક્ષો ઊભાં છે એમને તો જીવવા દો.
એક વૃક્ષને પૂર્ણપણે વિકસતાં માણસની જેમ પંદર વીસ વરસ લાગી જતાં હોય છે. કાપવામાં માત્ર પાંચ મિનિટ લાગે છે. દરેક પરિવારે વધુ નહીં, એક વૃક્ષને દત્તક લઇને એની જાળવણી કરવાનો સંકલ્પ કરવો જોઇએ. સોસાયટીના કમ્પાઉન્ડમાં એકાદ વૃક્ષને પંડયના જણ્યા જેવો પ્રેમ કરવો જોઇએ. હોળીની ઊજવણીની સાથોસાથ બારેમાસ પ્રદૂષણ સામે માણસને રક્ષણ આપતાં વૃક્ષોને પણ જીવવાનો અધિકાર તો હોવો જોઇએ ને !
Comments
Post a Comment