ક્રાઇમ થ્રીલર કહેવાય એવી ફિલ્મ, પણ પ્રીતમનાં સૂફી ગીતો સરસ ગાજ્યાં

સિનેમેજિક - અજિત પોપટ
23 ફેબ્રુઆરી 2018, શુક્રવાર

આજે ફેબુ્રઆરીનો છેલ્લેા શુક્રવાર એટલે ટીનેજર્સ માટે વાતો કરવાનો દિવસ. ઠીક ઠીક લાંબા સમયગાળા બાદ આજે ટીનેજર્સ સાથે વાત કરવા બેઠો છું. છેલ્લે ડિસેંબરના છેલ્લા શુક્રવારે આવી વાતો થઇ હતી.

હાલ ખૂબ લોકપ્રિય અને ટોચના ગણાતા સંગીતકાર પ્રીતમની વાતો આપણે કરી રહ્યા છીએ. પ્રીતમે આમ તો ૨૦૦૬માં ગેંગસ્ટર ફિલ્મ માટે સૂફી ગીતોની પહેલ કરી હતી. અહીં એક વાત કરવી જરૃરી જણાય છે. જેને ક્રાઇમ થ્રીલર કહેવાય એવી મારધાડ અને અપરાધી આલમની કથા ધરાવતી ફિલ્મ હોય ત્યારે સંગીતકારની પણ કસોટી થઇ જતી હોય છે. એમાંય મુંબઇની અંધારી આલમની વાત હોય ત્યારે સુપારી કિલીંગ અને ગેંગવૉરની કથા હોય.

એવી ફિલ્મમાં પ્રણયના રંગે રંગાયેલાં ગીતો હોય તો પણ દર્શકને જકડી રાખે એવી કથાની પકડ જમાવવા ડાયરેક્ટર ઘણીવાર કથાનો વેગ જુદી જુદી રીતે વધારી નાખતા હોય. એવા સમયે સંગીતકારે દર્શકો કંટાળીને બેઠક છોડીને લઘુશંકા કરવા કે બીડી-સિગારેટ પીવા ઓડિટોરિયમની બહાર નીકળી ન જાય એ રીતે કામ કરવું પડે.

આ સંદર્ભમાં ફિલ્મ વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઇના ગીત સંગીતને યાદ કરવાં જોઇએ. વીતેલા દાયકાના ટોચના અભિનેતા જિતેન્દ્રની પુત્રી ટચૂકડા પરદાની સામ્રાજ્ઞાી એકતા કપૂરે બનાવેલી આ ફિલ્મનું નિર્દેશન મિલન લુથરિયાએ કરેલું.

એની સ્ટોરી રજત અરોરાની હતી.૧૯૯૩માં મુંબઇમાં થયેલા સિરિયલ બોમ્બવિસ્ફોટના બેકગ્રાઉન્ડમાં આ સ્ટોરી લખાઇ હતી. વાત તો ૧૯૭૦ના બે ટોચના 'ભાઇલોગ' હાજી મસ્તાન અને દાઉદ ઇબ્રાહિમને ધ્યાનમાં રાખીને આ ફિલ્મ બનાવાઇ હતી અને એકતાના નસીબ પાધરા તે બોક્સ ઑફિસ પર આ ફિલ્મ સારી ચાલી પણ ખરી. આ ફિલ્મમાં જૂના જમાનાની ફિલ્મની જેમ એક બે નહીં, ચૌદ ગીતો હતાં અને ત્રણ ગીતકારોએ આ ચૌદ ગીતો આપ્યાં હતાં. ઇર્શાદ કામિલ, નીલેશ મિશ્રા અને અમિતાભ ભટ્ટાચાર્યનાં ગીતો હતાં.

ટાઇટલ્સમાં પ્રીતમ સાથે સંગીતકાર સંદીપ શિરોડકરનું પણ એરેંજર અને બેકગ્રાઉન્ડ સ્કોરર તરીકે નામ હતું.  જો કે ગણતરીમાં ભલે ચૌદ ગીતો હોય, એક ગીત એક કરતાં વધુ વખત રજૂ થયું હતું એટલે ખરેખર જુઓ તો સાત આઠ ગીત હતાં એમ કહેવાય. 'પી લું તેરે નીલે નીલે નૈનોં સે શબનમ, પી લું તેરે ગીલે ગીલે હોટોં કી સરગમ... ' આ ગીત ઓછામાં ઓછા આઠથી નવ વખત પરદા પર રજૂ થયેલું.

મોહિત ચૌહાણ અને તુલસી કુમાર વચ્ચે વહેંચાયેલું આ ગીત ઉત્તરાર્ધમાં રિમિક્સ તરીકે રજૂ થયેલું. ઇર્શાદ કામિલને ગીતકારનો  અને સંગીતકાર પ્રીતમને બેસ્ટ મ્યુઝિકનો એવોર્ડ ગીતે એવોર્ડ અપાવેલો. તુલસી કુમાર એક પંજાબી પરિવારની નબીરી છે. ૨૦૦૬માં હિમેશ રેશમિયા સાથે ચૂપકે ચૂપકે ફિલ્મના શબે ફિરાક હૈ, તેરી યાદ સાથ હૈ...ગીતથી કારકિર્દીનો આરંભ કરેલો. (શબ-એ-ફિરાક એટલે શોકની કે ગમગીનીની રાત)... આ ગીત હિટ નીવડતાં તુલસી કુમારને બીજી ફિલ્મોમાં ગાવાની તક મળી.

એણે વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઇની પહેલાં દસેક ફિલ્મોમાં પોતાનો કંઠ આપ્યો હતો જેમાં હમ કો દિવાના કર ગયે, અક્સર, ટોમ ડિક એન્ડ હેરી, ફિર હેરાફેરી, આહિસ્તા આહિસ્તા, દિલ દિયા હૈ, રૉકી ધ રિબેલ, વગેરેનો સમાવેશ થયો હતો.માત્ર ૨૦૦૬માં કારકિર્દી શરૃ કરીને ફટાફટ ડઝનબંધ ફિલ્મોમાં કંઠ આપનારી આ ગાયિકા આજકાલ સ્ટેજ શો અને સંગીતમય પ્રવાસમાં બીઝી રહે છે.       

ઔર એક ગીત પહેલી અને બીજી વાર બંનેવાર લગભગ સાડા ચાર મિનિટનું હતું. ઇર્શાદ કામિલના આ ગીતને પાકિસ્તાની ગાયક રાહત ફતેહ અલી ખાને તુલસી કુમાર સાથે જમાવ્યું છે. 'તુમ જો આયે જિંદગી મેં બાત બન ગયી, ઇશ્ક મજહબ, ઇશ્ક મેરી જાત બન ગયી...' (યાદ કરો બરસાત કી રાતની પેલી કવ્વાલી ના તો કારવાં કી તલાશ હૈ...ના બીજા ભાગનો ઉત્તરાર્ધ 'દિલ ઇશ્ક જિસ્મ ઇશ્ક હૈ ઔર જાન ઇશ્ક હૈ, ઇમાન કી જો પૂછો તો ઇમાન ઇશ્ક હૈ..) આ ગીત ઇશ્ક-એ-હકીકી એટલે કે પ્રભુ પ્રેમના ગીત તરીકે પણ લઇ શકાય અને ઇશ્ક-એ-મજાજી એટલે કે સાંસારિક પ્રેમના સંદર્ભમાં પણ લઇ શકાય. એકવાર ડયુએટ તરીકે અને એકવાર ફક્ત રાહત ફતેહ અલી ખાનના કંઠમાં રજૂ થયેલા આ ગીતને જબરો આવકાર મળ્યો હતો. 
(ક્રમશ:)

Comments