ભલે બ્રિટિશ સંસદીય પદ્ધતિ હોય, ફરક આસમાન જમીન જેટલો છે...


ટુ ધ પોઇન્ટ - અજિત પોપટ

બ્રિટિશ સાંસદોને દર છ વરસે એકવાર નિશ્ચિત ધારાધોરણ મુજબ પગારવધારો મળે છે

આપણા કહેવાતા લોકપ્રતિનિધિઓ સંસદમાં કેવાં વાણી વર્તન રાખે છે એ લગભગ રોજ છાપાંઓમાં આપણે વાંચીએ છીએ.સાવ ક્ષુલ્લક બાબતે ગલીના ટપોરીઓની જેમ મૈં મૈં તુ તુ કરતા આ સાંસદો પગારવધારા જેવી વાત આવે ત્યારે પરસ્પરના મતભેદોને ભૂલીને એક થઇ જાય છે.

એકવાર ચૂંટાઇ જાય ત્યારબાદ તમને મોં બતાવતાં નથી. તાજેતરમાં એક અભિનેતા સાંસદને તેમના મતદાર વિભાગમાં લોકોેએ મોઢામોઢ ચોપડી હતી કે સાહેબ તમે ચાર વર્ષથી હતા ક્યાં ? અભિનેતા હેં હેં હેં કરતા રહી ગયા હતા. સંસદીય લોકશાહીની વાત નીકળે ત્યારે અભ્યાસીઓ કહે છે કે આપણી શાસન પદ્ધતિ બ્રિટિશ સંસદીય લોકશાહી ટાઇપની છે.

બાળકોને આવી વાત સ્કૂલ કૉલેજોમાં ભણાવવામાં આવે છે. પરંતુ બ્રિટિશ સંસદ અને આપણી સંસદ વચ્ચે કેટલો મોટ્ટો ફરક છે એની રસપ્રદ વિગત એક અભ્યાસી રાજેન મથરાવાલાએ મોકલી છે. આમ આદમીને જાણવામાં રસ પડે એવી છે એટલે ટૂંકાવીને રજૂ કરું છું.

-બ્રિટિશ સાંસદોને દર છ વરસે એકવાર નિશ્ચિત ધારાધોરણ મુજબ પગારવધારો મળે છે. આપણી જેમ આસમાની સુલતાની મળતી નથી કે સીધો સો બસો ટકાનો પગાર વધારો ત્યાં થતો નથી. બ્રિટનમાં દર બે વરસે દરેક સાંસદની કામગીરીનંુ મૂલ્યાંકન થાય છે.

એને પર્ફોર્મન્સ બેઝ્ડ રેટિંગ કહે છે. જે સાંસદનું રેટિંગ પચાસ ટકા કરતાં ઓછું હોય એનું સભ્યપદ આપોઆપ રદ થઇ જાય છે અને નવી ચૂંટણીનો ખર્ચ એની પાસેથી વસૂલ કરવામાં આવે છે. આપણે ત્યાં પર્ફોર્મન્સ બેઝ્ડ રેટિંગનું નામ સુદ્ધાં કોઇ નેતાજીએ સાંભળ્યું નહીં હોય.

 -બ્રિટનમાં દરેક સાંસદને મળતા ભંડોળનો લોકકલ્યાણ અર્થે યોગ્ય ઉપયોગ થયો કે નહીં એની તપાસ કરવા ત્રણ તબક્કાની (થ્રી ટાયર) વિજિલન્ટ કમિટિ હોય છે જે દરેકના ખર્ચ પર તીક્ષ્ણ બાજ જેવી નજર રાખે છે અને દરેક સાંસદે પોતે ખર્ચેલા નાણાંનો સચોટ હિસાબ રાખવો પડે છેે. આપણે ત્યાં રામભરોસે રાજ ચાલે છે. દરેક સાંસદને મળતા કરોડો રૃપિયા ક્યાં કેવી રીતે ખર્ચાય છે એની કોઇને ખબર પડતી નથી.

 -બ્રિટનમાં કોઇ સાંસદ બેથી વધુ મુદત માટે ચૂંટાઇ શકતો નથી. એવું કરવા પર પ્રતિબંધ છે. આપણે ત્યાં એથી ઊલટું છે. પાંચ છ મુદતથી સાંસદ બનનાર વ્યક્તિનું નામ ગૌરવભેર લેવામાં આવે છે કેમ જાણે લોકશાહીની બહુ મોટ્ટી સેવા કરી નાખી હોય.

 -ભ્રષ્ટાચારના આક્ષેપ થયા હોય એવા સાંસદ સામે કાનૂની કેસ ઝડપી બનાવવા સ્પેશિયલ કોર્ટસ્ હોય છે જે ફટાફટ કેસ ચલાવે છે.

આપણે ત્યાં ખાસ કોર્ટ નીમાય છે ખરી પરંતુ કેસ બળદગાડાને શરમાવે એવી ઝડપે ચાલતા હોય છે. લાલુ યાદવ, માયાવતી, મુલાયમ યાદવ, જયલલિતા કે મમતા બેનર્જી સામે બેહિસાબી સંપત્તિના થયેલા કેસ એના બોલતા પુરાવા છે.

 -બ્રિટનમાં અપરાધ પુરવાર થાય એવા સાંસદને પંદર વર્ષની સખતે જેલની સજા થઇ શકે છે. આપણે ત્યાં કહેવા પૂરતી બે ત્રણ વર્ષની સજા થાય એમાંય લાલુ યાદવ જેવા માથાભારે નેતાઓ માટે તો જેલ એ ફાઇવ સ્ટાર મહેલ જેવી જ હોય છે. આમ આદમીની આંખોમાં ધૂળ નાખીને આ નેતાઓ મોજમજા કરતાં હોય છે.

 -સૌથી રસપ્રદ મુદ્દો આ રહ્યો- બ્રિટનમાં છેલ્લાં ત્રીસ વર્ષમાં ભ્રષ્ટાચારના પાંચેક કેસ નોંધાયા હતા એની તુલનાએ આપણે ત્યાં છેલ્લાં ૩૦ વર્ષમાં અઢાર હજાર કેસ ભ્રષ્ટાચારના થયા છે જેમાંના મોટા ભાગના હજુ રગશિયા ગાડાની જેમ ચાલી રહ્યા છે. આપણે ત્યાં કદી કોઇ નેતાને કડક મજૂરી સાથેની જેલની સજા થયાનું સાંભળ્યું નથી.

આ તો બ્રિટિશ સંસદ અને ભારતીય સંસદની માત્ર એક ઊડતી ઝલક છે. ક્યારેક વિચાર થાય કે બ્રિટિશોએ સમગ્ર દુનિયા પર અઢીસો ત્રણસો વરસ રાજ શી રીતે કર્યું હશે !  એકલા ભારતની વાત કરીએ તો ભારત પર દોઢસો વરસ બ્રિટિશરોએ રાજ કર્યું.

ખરું ખોટું તો રામ જાણે . પરંતુ એેમ કહે છે કે ભારતને રાજકીય આઝાદી આપવાનો નિર્ણય લેવાયો ત્યારે બ્રિટનના ત્યારના વડા પ્રધાન સર વિન્સ્ટન ચર્ચિલે લોર્ડ માઉન્ટબેટનને કહેલું કે તમે એવા ઠગ પિંઢારાઓને શાસનધુરા સોંપી રહ્યા છો જે ભારતની રાંક રૈયતને ચૂસી લેશે... (શબ્દ ફેર હોઇ શકે છે.)

Comments