ચાલો ત્યારે માણીએ ગઝલ કે શેહઝાદે ગણાયેલા એ સમૃદ્ધ સંગીતકારને ....!

સિનેમેજિક - અજિત પોપટ
16 ફેબ્રુઆરી 2018, શુક્રવાર

ઘણા સંગીતકારોએ એકમેકની તર્જ પરથી તર્જો બનાવી છે પરંતુ કોઇ કદી જાહેરમાં એ વિશે કબૂલાત કરતું નથી

સંગીતકાર નૌશાદને મેાઢે સાંભળેલી બે ઘટના યાદ આવે છે. રજૂઆતમાં કોઇ ક્ષતિ રહી જાય તો એ લખનારની હશે, નૌશાદ સાહેબની નહીં. પહેલી ઘટના વિશ્વના સૌથી તીખ્ખા મરચા જેવો તેજાબી મિજાજ ધરાવતા સંગીતકાર સજ્જાદ હુસૈનની છે. તવારીખમાં જો અને તોનો મહિમા કદી હોતો નથી પરંતુ જો આ માણસ થોડો પ્રેક્ટિકલ અને સૌમ્ય સ્વભાવનો હોત તો...

એવો વિચાર આવ્યા વિના રહેતો નથી. આગવા સ્વર નિયોજન ઉપરાંત એ મેંડોલીનવાદનનો બેતાજ બાદશાહ હતો. સૌથી વધુ મહત્ત્વની વાત તો એ કે સજ્જાદ સાહેબ મેંડોલીનમાં જડેલા પરદા પર આંગળી મૂકીને સ્વર પ્રગટ કરતા નહોતા.

એ તો તારના સ્વર મેળવવાની ચાવીઓે (ઘુંટીએા) ફેરવીને દરબારી જેવા અઘરા રાગ સર્જી શકતા. અમદાવાદના શાસ્ત્રીય સંગીતના ચાહકોને કદાચ યાદ હશે. ઘણું કરીને ૧૯૭૮-૭૯માં સજ્જાદ સાહેબે અમદાવાદમાં મેંડોલીન રણકાવ્યું હતું.

એક દિવસ એની પાસે એક યુવાન સંગીતકાર આવ્યો અને પ્રણામ કરીને સવિનય અરજ કરી, મને આપની એક તર્જ ખૂબ ગમતી હતી એટલે  મેં એ તર્જનો વપરાશ મારી એક ફિલ્મમાં કર્યો છે.... સજ્જાદ સાહેબે પોરસાઇને કહ્યું, કોઇ બાત નહીં, શેર કી જૂઠન  હી તો ખાયી હૈ ના....(કંઇ વાંધો નહીં, તેં સિંહનું એઠું જ ખાધું છે...).

એટલે કે પોતે સિંહ અને આવનાર શિયાળ કે બીજું જે કંઇ હોય તે. સમગ્ર  ફિલ્મ સંગીતના ઇતિહાસમાં કોઇ સંગીતકારે સમકાલીન કે સિનિયર સંગીતકારની તર્જ ઊઠાવી હોય અને મૂળ તર્જના સર્જક કને એનો એકરાર કર્યો હોય એવો આ પહેલો બનાવ.

સજ્જાદ સાહેબની એ તર્જ ફિલ્મ સંગદિલ (૧૯૫૨)ની હતી. સંગદિલમાં તલત મહેમૂદે દિલીપ કુમારના પાત્ર માટે એેક મખમલી ગીત ગાયું હતું, 'યે હવા યે રાત યે ચાંદની, તેરી એક અદા પે નિસાર હૈ, મુઝે ક્યૂં ન હો તેરી આરઝૂ,  તેરી જૂસ્તજૂ પે બહાર હૈ...' ગીત રાજેન્દ્ર કૃષ્ણનું હતું અને સંગીત સજ્જા હુસૈનનું હતું. બરાબર છ વર્ષ પછી (૧૯૫૮-૫૯)માં આવી એક ફિલ્મ આખરી દાવ. એમાં મજરૃહ સુલતાનપુરીનાં ગીતોને સંગીતકાર મદન મોહને સ્વરબદ્ધ કર્યા હતા.

સજ્જાદ સાહેબની તર્જ પરથી જે ગીત રચાયું એ હતું 'તુઝે ક્યા સુનાઉં મૈં દિલરૃબા, તેરે સામને મેરા હાલ હૈ, તેરી એક નિગાહ કી બાત હૈ, મેરી જિંદગી કા સવાલ હૈ...   નૌશાદ સાહેબે કહ્યું, અબ આપ હી સોચિયે, મદન જૈસા સુનહરે દિલવાલા દૂસરા કોઇ મૌશિકાર આપને યા હમને દેખા-સુના હૈ કભી ? ઐસા પહલે ન કભી હુઆ હૈ ન કભી હોગા.. 

વાત તો સાચી. ઘણા સંગીતકારોએ એકમેકની તર્જ પરથી તર્જો બનાવી છે પરંતુ કોઇ કદી જાહેરમાં એ વિશે કબૂલાત કરતું નથી. સંગીતકાર મદન મોહન આ ગુણના કારણે જમીનથી એક વેંત ઊંચા પુરવાર થાય છે.  જો કે નૌશાદ સાહેબે પોતે કેટલાંક ગીતોની તર્જ ક્યાંથી મળી એનો ખુલાસો પોતાના સંગીતકાર તરીકેનાં સંભારણાં 'આજ ગાવત મન મેરો...'માં કર્યો છે ખરો.

બીજી ઘટના નૌશાદ અને મદન મોહન વચ્ચે બનેલી કહેવાય છે. ફરી નૌશાદ સાહેબના શબ્દોમાં વાત કરું. 'એક દિવસ મેં મારા એક સાજિંદાને લતાજીના કંઠમાં રેકોર્ડ થયેલા એક ગીતની ભારોભાર પ્રશંસા કરતાં સાંભળ્યો. મેં એને પૂછ્યું કે કયા ગીતની વાત કરો છો, તમે ? એણે પોતાના વાયોલિન પર એ તર્જ સાથે એકાદ પંક્તિ મને ગાઇને મને સંભળાવી. હું તો છક થઇ ગયો.

ક્યા બેમિસાલ તર્જ બનાઇ થી મદન મોહનને... એજ દિવસે મોડી રાત્રે મારું કામ પૂરું થયું કે તરત હું ઘેર જવાને બદલે મદનને ત્યાં ગયો અને કહ્યું, મદન દોસ્ત, તારી આ બે તર્જ પર મારું સર્વસ્વ ન્યોછાવર છે...એ બે તર્જ એટલે અદાલતની બે ગઝલો જે લતાજીએ ગાઇ છે, 'ઉનકો યહ શિકાયત હેૈ કિ હમ કુછ નહીં કહતે...' અને 'યૂં હસરતોં કે દાગ મુહબ્બત મેં ધો લિયે...'

સિનેમેજિકના સંગીત રસિક વાચક મિત્રો, આજે આવા ખેલદિલ સંગીતકારો ક્યાં છે ? લતાજીએ સાચા અર્થમાં મદન મોહનને ગઝલકા શાહઝાદા કહીને બિરદાવ્યો છે અને એમની વાત નીકળે ત્યારે લતાજી મદનભૈયા કહીને ગદ્ગદ થઇ જાય છે. ખૂબ લખાયું છે મદન મોહન વિશે અને છતાં અહીં ફરી એમની વાત કરવાની ગુસ્તાખી કરી રહ્યો છું.

એમની વાતો અને એમનું સંગીત ખૂબ ભાવતી ચોકલેટની જેમ સતત ચગળતા રહ્યા સિવાય ચાલતું નથી. હવે પછીના પાંચ સાત એપિસોડમાં તેમના સંગીત વિશે થોડી વાતો કરીશું. આપણે એમને અકાળે ગુમાવી દીધા છે...

Comments