જે બચાવે પાણી, એને બચાવે પાણી...સૂત્ર આજના યુગમાં શાશ્વત ગણાવું જોઇએ...

ટુ ધ પોઇન્ટ - અજિત પોપટ

ગુજરાતની સાડા છ કરોડ જનતા રોજ ચાના એક કપ જેટલું પાણી બચાવે તો પણ લાખ્ખો લિટર પાણી બચાવી શકાય

આજે ભોલેનાથ શિવજીની મહા શિવરાત્રિ છે. એના વિશે તો ઘણું લખાયું છે એટલે અહીં એની વાત કરવી નથી. અહીં આપણા સૌના પર એટલે કે ગુજરાતની જનતા પર તોળાઇ રહેલા જળ સંકટ વિશે વાત કરવી છે. આપણા સંસ્કાર એવા છે કે આંગણે કોઇ અતિથિ આવે તો સૌ પહેલાં પાણીનો ગ્લાસ ધરીએ. તમે ઘણીવાર જોયું હશે કે યજમાનનું માન રાખવા વિવેક ખાતર આવનાર વ્યક્તિ પાણીનો ગ્લાસ લઇ લે. બે ઘુંટડા પીને પાછો આપે.

એણે પાછું આપેલું પાણી મેાટે ભાગે યજમાન ગૃહિણી ગટરામાં વહાવી દેતી હોય છે. ઘણા લોકોને એેવી ટેવ પડી ગઇ હોય છે કે સવારે દંતશુદ્ધિ અર્થાત્ બ્રશ કરતી વેળા અજાણપણે નળમાં પાણી વહેતું રાખે છે જેથી વૉશ બેસિન ખરાબ ન થાય. આમ કરવામાં રોજ અને બારે માસ આઠ દસ લિટર પાણી નકામું વહી જાય છે. અનાજનો બગાડ રોકવા આપણે બુફે ભોજન પદ્ધતિ શરૃ કરી. એવા બુફે ડિનર કે લંચમાં ઝીણી નજરે જો જો.

કાગળના કે પ્લાસ્ટિકના ગ્લાસમાં હજ્જારો લિટર પાણી વેડફાઇ જાય છે. કોઇના પેટનું પાણી હાલતું નથી. અમદાવાદ પૂરતી વાત કરું તો ઘણી બંગલા સોસાયટીઓમાં સતત પાણી  વહેતું હોય એવા પાઇપ સાથે બંગલાના કમ્પાઉન્ડ ધોવાતાં આ લખનારે નજરે જોયા છે. આવા સુખી સંપન્ન લોકોની મોટરકાર ધોવા માટે પણ તેમના ચાકરો ચાર પાંચ બાલદી પાણી વાપરતાં નજરે પડે છે.

અકબર બિરબલની હળવી કથાઓમાં એક વાર્તા કંઇક આવી છે. એક સુખી સંપન્ન મહિલાએે પડોશમાં રહેતી શ્રમજીવી મહિલા પાસે એકાદ વાટકી ઘી માગ્યું હશે. પાછું આપવાની વાત આવી ત્યારે ફરી બેઠી કે હું લખપતિ પરિવારની દીકરી તારી પાસે ઘી શા માટે લઉં ? કાજીએે તો શ્રીમંત મહિલાની તરફેણમાં ચુકાદો આપ્યો.

શ્રમજીવી મહિલાએ બિરબલને વાત પહોંચાડી. બિરબલે બંનેને બીજે દિવસે બોલાવી. તેમના આવવાના માર્ગમાં થોડો કાદવ નખાવ્યો અને બે બાલદીમાં થોડું થોડું પાણી ભરાવી રાખ્યું. શ્રમજીવી મહિલા તો કરકસર કરવા ટેવાયેલી હતી. બે લોટા પાણીથી પગ ધોઇ નાખ્યા. શ્રીમંત મહિલાએ રજવાડી નોકરને ખખડાવ્યો, આટલા પાણીથી પગ કેમ કરીને ધોવાય ? જા, બે બાલદી પાણી લઇ આય... બિરબલે કોની ફેવરમાં ચુકાદો આપ્યો હશે એ તો તમે જાણો છો.

વાત એટલી છે કે સૂરતમાં તાપીમાં જળ સંગ્રહ ઓછો છે તો નર્મદા અને સરદાર સરોવરમાં પણ તળિયું દેખાવાની રાડ પડી છે. હવે જાગવાનું આપણે સૌએ છે. આ વરસે ઠંડી વધુ હતી એમ ગરમી પણ ત્રાહિમામ્ પોકારાવશે એવું હવામાન વિભાગ કહે છે.

ધોમધખતા ઉનાળામાં પાણીની ટંચાઇ આવી પડે એ પહેલાં થોડી થોડી કરકસર આપણે પોતે કરીએ તો કેમ ? દરેક સોસાયટી પોતાના સભ્યોના ઘરમાં નળ ગળતા નથી ને એ ચેક કરાવે. રોજ સવાર પડયે શાવર-ફુવારા નીચે નાહવાની ટેવ હોય તો થોડા સમય માટે બાલદી ભરીને નહાતા થઇએ. મહેમાન આવે ત્યારે પ્રેમથી પૂછીએ કે પાણી આપું ?  

ભગવાન ભોળાનાથે સ્વર્ગમાંથી ધસમસતી આવતી પતિતપાવની ગંગાને પોતાની જટામાં સમાવી લીધી એવી પુરાણકથા છે. આજે તો ગંગા ગંધાતી ગટર જેવી બની ગઇ છે. એને માટે આપણે સૌ જવાબદાર છીએ. એક તરફ ગંગાને માતા કહેવી અને બીજી તરફ એમાં ગંદકી ઠાલવીને પુણ્ય કમાઇ લીધાનો મિથ્યા સંતોષ માનવો એ નરી મૂર્ખતા છે.

આજે મહા શિવરાત્રિના પવિત્ર દિવસે દરેક ગુજરાતીએ સંકલ્પ કરવો જોઇએ કે હું ખપ પૂરતું પાણી વાપરીશ અને પાણીનો બિનજરૃરી વેડફાટ ટાળીશ. વહીવટી તંત્ર પર બધી જવાબદારી ઢોળી દેવાને બદલે થોડીક જવાબદારી આપણે સૌ સ્વીકારીએ તો ઉનાળાનો તાપ આકરો નહીં લાગે. ગુજરાતની સાડા છ કરોડ જનતા રોજ ચાના એક કપ જેટલું પાણી બચાવવાનો સંકલ્પ કરે તો પણ રોજ લાખ્ખો લિટર પાણી બચાવી શકાય.

બીજી બાજુ ટોચના ઉદ્યોગગૃહોએ હજારો કિલોમીટર (આંકડામાં જુઓ તો ૧૫૦૦થી ૧૬૦૦ કિલોમીટર) લાંબા ગુજરાતના સમુદ્રકાંઠાને ધ્યાનમાં રાખીને ડિસેલિનેશન પ્લાન્ટ નાખવાનું પગલું ભરવું જોઇએ. દરિયાના ખારા પાણીને પીવા લાયક કે પછી કમ સે કમ ઔદ્યોગિક પ્લાન્ટ્સ માટે વાપરવા યોગ્ય બનાવી શકાય તો ય ઘણું.

ગુજરાતી પ્રજા લગભગ દુનિયાભરના દેશોમાં ફરનારી પ્રવાસ શૉખીન પ્રજા છે. અમેરિકા કે યૂરોપની ટુર મારીને આવે ત્યારે ત્યાંની રહેણીકરણીથી અંજાઇને આવે છે. થોડુંક ત્યાંના લોકો જેવું જીવી લઇએ અને પીવાના પાણીની કરકસર કરતાં શીખી જઇએ તો કંઇ ખોટું નથી. આમેય ૨૦૧૭નું ચોમાસું થોડુંક નબળું ગયું હતું એ આપણે સૌ જાણીએ છીએ. તો પછી જાગ્યા ત્યાંથી સવાર કેમ ન કરવી ? થોડામાં કહ્યું છે, ઝાઝું કરીને વાંચજો બાપલા...!

Comments