સિનેમેજિક - અજિત પોપટ
2 ફેબ્રુઆરી 2018, શુક્રવાર
* વાત ખાસ્સી જૂની- એમ કહો કે લગભગ સિત્તેર એંસી વર્ષ જૂની છે. પણ ખરેખર ચોકલેટની જેમ ચગળવા જેવી છે. ઇરાકમાં ટોચના એક સરકારી અમલદારને ત્યાં મહેમાન આવ્યા. યજમાન અને મહેમાન બંને સંગીતપ્રેમી. સરખેસરખા દોસ્તો મળે ત્યારે જે પ્રકારની વાતો થાય એવી વાતો થતી રહી. દિવાનખાનામાં દોઢ બે વર્ષનો યજમાન-પુત્ર રમકડે રમતો હતો. દરમિયાન, એ સમયની એક ટોચની ગાયિકા ગૌહરજાનની નવી થાળી (રેકર્ડ)ની વાત નીકળી.
યજમાને પેલા ટાબરિયાને કહ્યું, બેટે, વો ગૌહરજાન કે ગાને કી નયી થાલી આયી હૈ ના, વો લગાઓ દેખું... મહેમાનને આશ્ચર્ય થયું. જેને હજુ પૂરું બોલતાં વાંચતાં લખતાં નથી આવડતું એ દોઢ બે વર્ષનો ટાબરિયો આ રેકર્ડ શી રીતે શોધીને લગાડશે ? પરંતુ પેલા ટાબરિયાએ તો કમાલ કરી. પચાસ સાઠ રેકર્ડના બોક્સમાંથી ચોક્કસ રેકર્ડ કાઢીને ગ્રામોફોન પર મૂકી અને વગાડવા અણીદાર સોય ગોઠવી... મહેમાન તો દંગ થઇ ગયા.
* થોડા મહિનાઓ બાદ એ ટાબરિયાને બર્થ ડે ગિફ્ટ તરીકે રમકડાનું એક નાનકડું ઢોલ ભેટ આપવામાં આવ્યું. એ દિવસોમાં સંબંધિત શહેરમાં રોજ સવાર-સાંજ પોલીસ બેન્ડ ચોક્કસ ધૂન વગાડતું શેરીઓમાં નીકળતું. લશ્કરના જવાનો ફ્લેગ માર્ચ કરે એ પ્રકારની એ (પ્રભાતફેરીની જેમ ) બેન્ડફેરી હતી. એક દિવસ પોલીસ બેન્ડ નીકળ્યું ત્યારે પેલો ટાબરિયો પોતાનું નાનકડું ઢોલ લઇને પોલીસ દળની સાથે લયબદ્ધ ચાલતો થયો. પોલીસ ફોર્સ તો આખ્ખા શહેરમાં ફરીને પછી પોતાના મથકે જાય.
લગભગ દોઢ બે કલાક લાગી જાય. આ બાજુ ટાબરિયાનાં સ્વજનો ગભરાયા કે આ ટેણિયો ગયો ક્યાં ? જો કે વરિષ્ઠ સરકારી અમલદારનો દીકરો હતો એટલે પોલીસ વડા મથકે પણ એને કાળજીપૂર્વક બેસાડીને એનામાં રહેલા જન્મજાત સંગીતગુણને બિરદાવવામાં આવેલો. પોલીસ વડાએ એને ભાવતી ચોકલેટ ખવરાવેલી.
* લગભગ ૧૧-૧૨ વર્ષની વયે એ કિશોર ઓલ ઇન્ડિયા રેડિયો પર બાળવિભાગમાં ગીતો ગાતો અને સ્વરબદ્ધ કરતો થયો. એક દિવસ પોતાની સાથે એક સુંદર કિશોરીને પણ લાવ્યો અને પ્રોગ્રામ એક્ઝિક્યુટિવને કહ્યું કે આ છોકરી પણ સરસ ગાય છે. અજાણ્યા વાતાવરણમાં સંખ્યાબંધ ટીનેજર્સ વચ્ચે પેલી છોકરી નર્વસ થઇ ગઇ અને રડવા લાગી.
આપણા કથાનાયકે એને છાની રાખી. તે દિવસે તો વાત જામી નહીં. પરંતુ હિંમત હારે એ બીજા. આ કિશોર પછીના રેકોર્ડિંગ વખતે ફરી પેલી કિશોરીને સાથે લાવ્યો. પેલીએ ગાયું. એ સાંભળીને રેડિયોના અધિકારીઓ પણ મુગ્ધ થયા: આ તો બહુ સારું ગાય છે. થેંક્યું, પેલા કિશોરને કહ્યું, તારામાં સામી વ્યક્તિનો ગુણ પારખવાની દ્રષ્ટિ છે...
* ધાર્યું હોત તો એ સફળ એથ્લીટ થઇ શક્યો હોત. કામિયાબ બોક્સર થઇ શક્યો હોત. ટોચનો ક્રિકેટર થઇ શક્યો હોત. નસીબે સાથ આપ્યો હોત તો ફિલ્મોમાં ટોચનો હીરો બની શકે એવી એની હેન્ડસમ પર્સનાલિટી હતી. વિધાતાની કૃપા હોત તો એ મુહમ્મદ રફી કે મન્ના ડે જેવો ટોચનો પ્લેબેક સિંગર બની શક્યો હોત...ખમતીધર પિતાનું નામ વટાવી ખાઇને એ કામ મેળવી શક્યો હોત... પરંતુ આ ખુદ્દાર માણસે એવું ન કર્યું. એક વાર તો સતત પાંચ દિવસના નકોરડા ઉપવાસ થયા પરંતુ પિતાની મદદ ન માગી. એવા ખુદ્દાર પરંતુ માખણ જેવા કૂણા દિલના આ આદમીની વાતો એક દળદાર પુસ્તક લખાઇ જાય એવી સૂરીલી-રસીલી છે.
- લગભગ છેલ્લાં આઠ નવ વર્ષથી આ કટારમાં આપણે ફિલ્મ સંગીતના સુવર્ણ યુગના સ્વરનિયોજકોની વાતો મમળાવીએ છીએ. કેટલાક ટોચના ગણાતા સંગીતકારોની સાથોસાથ ભારોભાર પ્રતિભા અને અથાક પુરુષાર્થ છતાં બી કે સી ગ્રેડના ગણાઇ ગયેલા સંગીતકારોની વાતો પણ આપણે કરી છે.
આજે રજૂ કરેલા આ ત્રણેક પ્રસંગેા હવે પછી જે સંગીતકારની વાતો કરવાની છે એના જીવનના છે. આ સંગીતકારનું બાળપણ અને કિશોરાવસ્થા કેવાં હતાં એની આ આછેરી ઝલક છે. આમ તો આ સંગીતકાર વિશે ઘણું લખાયું છે. સમયના વીતવા સાથે કોઇ રહસ્યમય નવલકથાની જેમ સંગીતકારના જીવનની અને સંગીતની કેટલીક સાવ અજાણી વાતો પ્રગટ થઇ છે.
એમના વિશે સુંદર પુસ્તક પણ પ્રગટ થયાં છે. શંકર જયકિસન ફાઉન્ડેશનના સ્થાપકમાંના એેક અને ગીતકાર સ્નેહ પટેલે એવું એક પુસ્તક આ લખનારને મોકલ્યું છે. એ પુસ્તક અને સદગત્ સંગીતકારના સંતાનો પ્રગટ કરેલી કેટલીક અત્યંત રસપ્રદ વિગતોના આધારે આ સંગીતકારની વાતો હવે પછીના થોડાક શુક્રવારે આપણે કરીશું.
Comments
Post a Comment