ટુ ધ પોઇન્ટ - અજિત પોપટ
ચોવીસે કલાક મૃતદેહો બાળનારા પેલા કર્મચારીઓ તો સ્તબ્ધ થઇ ગયા. યહ ક્યા હો રહા હૈ ?
પથારીવશ માતાને પોતાના મકાનના ધાબા પરથી ફેંકી દેનારા રાજકોટના ડૉક્ટરનો કિસ્સો તમે પણ અખબારોમાં વાંચ્યો હશે. યોગાનુયોગે ગયા પખવાડિયે મુંબઇની કમલા મિલ્સ કમ્પાઉન્ડમાં ગેરકાયદે બંધાયેલા પબ અને રેસ્ટોરાંમાં આગ લાગેલી એ ઘટના પણ યાદ આવી ગઇ.
આ દુર્ઘટનામાં ઊગરી ગયેલા લોકોએ કહ્યંુ કે અમે પસાર થતી એક (મર્સિડી) કારને અટકાવીને મદદ માગી હતી, પણ મદદ ન મળી. બાજુના એક કૉફી શોપમાં પીવાનું પાણી માગ્યું તો એની પણ ના પાડી. આ બંને ઘટનાની લગભગ સાથોસાથ બનેલી ઔર એક રસપ્રદ ઘટના નોંધવા જેવી છે.
સાઉદી અરેબિયાએ જે રોબો (યંત્રમાનવ) સોફિયાને પોતાનું નાગરિકત્વ આપ્યું એનું પહેલવહેલું પ્રવચન મુંબઇમાં જ યોજાઇ ગયું. રાજકોટની ઘટના અને મુંબઇની કમલા મિલ્સ કમ્પાઉન્ડની ઘટનાને સાથોસાથ રાખીને વિચારીએ તો એવું લાગ્યા વિના રહેતું નથી કે ધીમે ધીમે આપણે પણ રોબો જેવા થતા જઇએ છીએ અથવા કહો કે સંવેદનવિહોણા થતાં જઇએ છીએ.
યંત્રમાનવ (રોબોટ)માં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્રગટ કરી રહેલો માણસ પેાતે સંવેદનહીન થઇ જાય એ તો કેટલી બધી ઘણી આઘાતજનક વાત કહેવાય ! જો કે રાજકોટની ઘટનાથી બહુ નવાઇ ન લાગી. થોડાં વરસો પહેલાં આવો પણ જરા જુદા પ્રકારનો બનાવ 'ઇન્ડિયન એક્સપ્રેસ' નામના અખબારે પહેલે પાને પ્રગટ કર્યો હતો.
આ ઘટનામાં પણ એક ડૉક્ટર પુત્ર સંડોવાયેલો હતો. પંચોતેર વર્ષની માતાને ટર્મિનલ સ્ટેજનું કેન્સર હતું. બેંગલોરથી બે ભાઇઓ કારમાં માતાને મદ્રાસ (ચેન્નાઇ)ની હૉસ્પિટલમાં લાવ્યા. બેમાંનો એક ડૉકટર હતો. હૉસ્પિટલમાં કેન્સર નિષ્ણાતે કહ્યું કે માતાના શરીરમાં ૯૦ ટકાથી વધુ હિસ્સામાં કેન્સર ફેલાઇ ચૂક્યું છે. હવે બહુ થોડો સમય કાઢશે. તમે તો પોતે ડૉક્ટર છો. બધું સમજો છો.
હૉસ્પિટલ કરતાં ઘરે લઇ જાઓ અને શાંતિથી થોડા દિવસ પસાર કરી લેવા દ્યો. ડૉક્ટર પુત્રે કહ્યુું કે માતા સાથે અમારે બેંગલોર સુધી જવાનું છે. માતાજી કારમાં સુઇ જાય એ રીતે એકાદું ઘેનનું ઇંજેક્શન આપી દો. હૉસ્પિટલના ડૉક્ટરને આ વાતમાં શંકા તો પડી પરંતુ એનેસ્થેશિયાનું હળવું ઇંજેક્શન આપ્યું.
હૉસ્પિટલની બહાર નીકળીને ડૉક્ટર પુત્ર અને એનો ભાઇ કારને મદ્રાસના સ્મશાનમાં લઇ ગયા. ચિતા પ્રગટાવતા માણસોને કરગર્યા: અમારી માતાની સારવાર અહીં હૉસ્પિટલમાં ચાલુ હતી.પરંતુ માતાજી બચ્યાં નહીં. અહીં અમારા કોઇ સગાંસંબંધી નથી, તમે માતાને અગ્નિ આપવામાં સહાય કરો... પેલા લોકોએ ચિતા પ્રગટાવવા લાકડાંની ગોઠવણી કરી.
બંને પુત્રો કારમાં બેસીને સિગારેટ ફૂંકતા હતા. ઇશ્વરને કરવું ને માતાની એનેસ્થેશિયાની અસર ઘટી ગઇ કે જે થયું તે, માતા હોશમાં આવી ગઇ. પેલા સ્મશાન કર્મચારીઓએ બૂમ પાડી- એ ભાઇ, તમારી માતા તો જીવે છે... પેલા બંને જાણે કંઇ સાંભળ્યું જ ન હોય એમ કાર દોડાવી ગયા. ચોવીસે કલાક મૃતદેહો બાળનારા પેલા કર્મચારીઓ તો સ્તબ્ધ થઇ ગયા. યહ ક્યા હો રહા હૈ ?
માતાએ એ બંનેને વીનવણી કરી- સગ્ગા દીકરા તો મને જીવતેજીવ મસાણમાં નાખી ગયા. આ મારી બંને સોનાની બંગડી અને ચેન તમે રાખી લો. થોડા સમય માટે મને રહેવાની વ્યવસ્થા કરાવી આપો. હું મરી જાઉં ત્યારે તમે મને દાહ આપજો... એક સમયે કરુણામૂર્તિ અને દયાના સાગર ગણાતા ડૉક્ટર શી રીતે પાષાણ હૃદયના થઇ ગયા હશે ? રાજકોટવાસી દીકરો પણ ડૉક્ટર છે અને બેંગલોરવાસી દીકરો પણ ડૉક્ટર હતો. કોઇ એંજિનિયર, વકીલ કે ડૉક્ટર હોય કે ન હોય, પણ મૂળ માણસ તો હોવો જ જોઇએ ને ?
દયા, માયા, કરુણા, સ્નેહ, સ્વજનો પ્રત્યેનો પ્રેમ વગેરે લાગણીઓ ક્યાં ખોવાઇ ગઇ ? શી રીતે ખોવાઇ ગઇ ? હજુ બે દિવસ પહેલાંજ એક વ્હૉટ્સ એપ સંદેશો આવેલો કે બોરડીએ પોતાનાં બોર ડાળ પરથી પોતે જ ખેરવ્યાં, કારણ કે કાંકરા-ઠીકરાં મારીને બોર પાડનારાં બાળકોને હવે વ્હૉટ્સ એપ અને વિડિયો ગેમ્સ રમવામાંથી સમયજ મળતો નથી.
એક તરફ માણસ યંત્રમાં બુદ્ધિ પ્રતિભા પ્રગટાવવાનું સંશોધન કરે છે. બીજી બાજુ પોતે રોબો કરતાં પણ ઊતરતી કક્ષાનો થતો જાય છે. ઋષિ-મુનિઓ જેને કળિયુગ કહે છે એનો તો આ પ્રતાપ નથી ને ? કબૂલ, કે બધા દીકરા આ બંને ઘટનાના ડૉક્ટર પુત્રો જેવા નહીં જ હોય, પરંતુ સગ્ગી જનેતાને આ રીતે ધાબા પરથી ફેંકી દેતાં શું પુત્રનું રુંવાડું જરાય ફરક્યું નહીં હોય ? પોલીસ તપાસ શરૃ થઇ ત્યારે ભાઇને છાતીમાં દુ:ખાવો શરૃ થયો અને અન્ડરવર્લ્ડના રીઢા અપરાધીની જેમ હૉસ્પિટલમાં દાખલ થઇ ગયા. ક્યાં જઇને અટકશે આવી ચોંકાવનારી ઘટનાઓ ?
Comments
Post a Comment