જાકાર્તા જળસમાધિ લઇ રહ્યું છે...

ટોપ્સીટર્વી -  અજિત પોપટ

બ્રિટિશ દૈનિક 'ગાર્ડિયન'ના પત્રકારે જાતે લીધેલી મુલાકાત પછી તૈયાર કરેલા રિપોર્ટમાં લખ્યું છે કે ૨૦૧૭ના ડિસેંબર સુધીમાં ચાલીસ ટકા જાકાર્તા દરિયામાં ડૂબી ગયું હતું.

બોડેગા નામના વ્યાપારી વિસ્તારની નજીક આવેલો કાંઠાળ વિસ્તાર મુઆરા બરુ (વિસ્તારનું નામ છે) તો દરિયામાં ચૌદ ફૂટ જેટલો ઊંડો ઊતરી ગયો છે. બોડેગાની બજારમાં નમકીન ખાદ્ય પદાર્થોની દુકાન ધરાવતો એક વેપારી રાસ્ડિયોનો કહે છે, હજુ થોડાં વરસો પહેલાં તો મારી દુકાનમાંથી દૂ...ર દૂ..ર દરિયો હિલોળા લેતો દેખાતો.

હવે તો મોટી ભરતી હોય ત્યારે મારી દુકાનની સાવ નજીક પાંચ સાત ફૂટ જેટલે દરિયાનાં પાણી ધસી આવે છે. બે પાંચ વરસમાં મારી દુકાનને પણ ઓહિયાં કરી જાય એવું લાગે છે.  અમે ખૂબ ડરી ગયા છીએ.
આવું કેમ બન્યું ? જાકાર્તાના નગર આયોજન વિભાગના એક સંશોધક ઇર્વાન પુરુન્ગન કહે છે, ઘણાં બધાં પરિબળો આ પરિસ્થિતિ માટે જવાબદાર છે.

વિકાસના નામે થયેલા આડેધડ બાંધકામો (ગુજરાત સરકાર સાંભળે છે ?), નદી-નાળાં પર રાતોરાત ઊભાં થઇ ગયેલાં ઝૂંપડાં નગરોને લીધે ઠેર ઠેર સર્જાઇ ગયેલાં ગંધાતા કચરાના ડુંગરો, વધુ પડતાં વાહનોના કારણે દરેક મોટા વિસ્તારમાં સર્જાતો ટ્રાફિક જામ અને ભયંકર પ્રદૂષણ તથા બાંધકામ માટે વૃક્ષોની કરાતી અવિચારી કત્લેઆમ... આવાં ઘણાં કારણો આ પરિસ્થિતિ માટે જવાબદાર ગણી શકીએ... એક તરફ ભ્રષ્ટ વહીવટી તંત્ર અને બીજી તરફ લોકોમાં પ્રવર્તતી આંતરવિગ્રહ જેવી સ્થિતિ.

ઇસ્લામી આતંકવાદના રંગ રંગાયેલા જૂથો સામે લડતા સેક્યુલર ઇન્ડોનેશિયન લોકો એક તરફ અને ચીની વસાહતીઓ તથા મુસ્લિમો વચ્ચેનંુ વૈમનસ્ય બીજી તરફ. આ બધાંમાં કોઇના ધ્યાનમાં નથી આવતું કે આખુંય નગર જળસમાધિ લઇ લેે એવા દિવસો દૂર નથી.

સ્થાનિક વહીવટી તંત્રના સંચાલકો એકબીજા પર દોષારોપણ કરી રહ્યા છે. કોઇને સમસ્યા હલ કરવામાં રસ નથી. અકબર બિરબલની પેલી કૂંડમાં દૂધ રેડવાની કથાની જેમ દરેક પોલિટિકલ જૂથ એમ માને છે કે અમે નહીં તો પેલો પક્ષ સુધારો કરી નાખશે. ચલક ચલાણું ને પેલે ઘેર ભાણું જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે.

જો કે અમેરિકા અને વિશ્વ બેન્કે ૪૦ અબજ અમેરિકી ડૉલર્સની સહાય આપવાની તૈયારી દાખવી છે. પણ પાયાનો પ્રશ્ન એ છે કે આ ચાલીસ કરોડ ખરેખર શહેરને ઊગારવા માટે વપરાશે કે વચ્ચેથી ઓહિયાં થઇ જશે ? જાકાર્તાની સ્થાનિક ઇન્સ્ટીટયુટ ફોર પોલિસિ એનેલિસિસ ઑફ કોન્ફ્લીક્ટ્સના ડાયરેક્ટર સિડની જોન્સ કહે છે કે દરેક નેતા એકબીજા પર ભ્રષ્ટાચારના આક્ષેપ કરે છે. પરંતુ કોઇ કહેતાં કોઇ આયનામાં પોતાનો ચહેરો જોવા તૈયાર નથી.

વધુમાં વધુ એકાદ દાયકામાં અડધો અડધ જાકાર્તા દરિયામાં ડૂબી જશે. લાખ્ખો નાગરિકો દરિયામાં દફનાઇ જવાના છે. વહીવટકર્તાઓ જાણે છે પરંતુ શાહમૃગી વૃત્તિ રાખીને આંખ આડા કાન કરે છે. ગ્લોબલ વોર્મિંગનો પણ આ પરિસ્થિતિમાં ઘણો ફાળો છે.

પરંતુ નાગરિકો જાગૃતિ બતાવે અને સંગઠિત થઇને કામ શરૃ કરે તો ઘણો ફરક પડી જશે. અત્યારે લગભગ આખીય ગટર વ્યવસ્થા પડી ભાંગી છે એટલે નાળાંઓમાં કચરાના વીસથી પચીસ ફૂટ ઊંચા ટેકરા થઇ ગયા છે. કેટલાય કિલોમીટર દૂર સુધી એની માથું ફાડી નાખતી દુર્ગંધ પ્રસરતી રહે છે. 

તમે ઇશ્વર કહો, અલ્લાહ કહો કે ઇશુ કહો, કોઇ દિવ્ય શક્તિ અહીં જાતે આવે તો પણ ઊગરવાનો કોઇ આરોવારો અત્યારે તો નજરે પડતો નથી. કોઇ કહેતાં કોઇ વિસ્તારમાં તમે શ્વાસમાં ચોખ્ખો ઓક્સિજન મેળવી શકતા નથી. હવામાં ઝેરી વાયુઓનો ભરાવો થઇ પડયો છે.  આ સંજોગોમાં હવે જાકાર્તાને કોણ ઊગારી શકશે ? કોણ જાણે.

Comments