સિનેમેજિક - અજિત પોપટ
26 જાન્યુઆરી 2018, શુક્રવાર
અગાઉના દાયકાના પ્લેબેક સિંગર્સનાં હિટ ગીતો પરથી આજે હજ્જારો યુવાનો રોજી રોટી રળી રહ્યા છે.
આજે ઇશુના નવા વર્ષ ૨૦૧૮ના પહેલા મહિનાનો છેલ્લો શુક્રવાર. યોગાનુયોગે આજે પ્રજાસત્તાક દિન છે. સામાન્ય રીતે દર મહિનાના છેલ્લા શુક્રવારે આપણે ટીનેજર્સને ગમતાં ગીતસંગીતની વાતો કરતાં હોઇએ છીએે.
આજે એ રૃઢિનો ભંગ કરીને થોડી બીજી વાતો કરવી છે. વાતો આજના સંગીતની જ છે. પરંતુ સંગીતકાર પ્રીતમની જે સિરિઝ ચાલુ છે એ આજે મોકૂફ રાખી છે. દેશમાં સંગીતકારોની ઓછપ નથી.વિવિધ ટીવી ચેનલો પર રજૂ થતા સંગીતને લગતા પ્રોગ્રામ્સ જોઇએ-સાંભળીએ તો છક થઇ જવાય કે સવાસો કરોડની વસતિ ધરાવતા આ દેશમાં ગાયન અને સ્વરનિયોજનમાં નિપુણ હોય એવા લોકોની સહેજ પણ કમી નથી.
બીજી બાજુ આજે પણ આપણો ફિલ્મોદ્યેાગ વિશ્વમાં કદાચ સૌથી વધુ એક્ટિવ અને સૌથી વધુ લોકોને રોજી રોટી આપતો મનોરંજન ઉદ્યોગ છે. નાટકો અને ફિલ્મો આ બંનેમાં સંગીત વિના ચાલવાનું નથી. ફિલ્મોમાં સંગીત બે રીતે સંકળાય છે- ગીતો અને પાર્શ્વ સંગીત. નાટકોમાં એવી તકો ઝાઝી હોતી નથી સિવાય કે સંગીત-નાટક હોય.
હવે થોડી કામની વાત. ૧૯૫૦ના દાયકા સુધી આપણી પાસે ટેક્નોલોજીની ખાસ્સી મર્યાદા હતી. સિંગલ ટ્રેક પર મોનો રેકોર્ડિંગ થતું. ગાયક અને સાજિંદાઓ વચ્ચે ફક્ત એક માઇક. વારાફરતી બિલ્લી પગે માઇક પાસે આવીને પોતાના હિસ્સે આવતો ટુકડો રજૂ કરીને એ જ રીતે બિલ્લી પગે પાછાં ફરી જવાનું.
પડઘો પડે એવી એકો ટેક્નોલોજી લગભગ નહોતી. આવી ઢગલાબંધ મર્યાદાઓ છતાં એ દિવસોમાં જે ગીતો મળ્યાં એની આવરદા દીર્ઘજીવી નીકળી. માત્ર એક નાનકડો દાખલો આપું તો પચાસ સાઠ વર્ષની પોતાની કારકિર્દીમાં રોકડી ૬૦-૬૫ ફિલ્મો કરનારા સંગીતકાર નૌશાદનાં સંતાનોને આજે પણ છ આંકડામાં મબલખ રોયલ્ટી મળે છે. તો છસો ફિલ્મો કરનારા લક્ષ્મીકાંત પ્યારેલાલ કે એક હજાર ફિલ્મો કરનારા સાઉથના ઇલિયા રાજાને કેટલી રોયલ્ટી મળતી હશે એ કલ્પનાનો વિષય છે.
લગભગ ૧૯૪૦ના દાયકાથી શરૃ કરીને ૧૯૬૦ના દાયકાની આખર સુધી આપણને ટેક્નોલોજીની તમામ મર્યાદા છતાં સબળ અર્થસભર ગીતો અને એવું જ સદાતરુણ કહી શકાય એવું સંગીત મળ્યું. ટેલિવિઝન જેવું માધ્યમ અને ડીટીએચ જેવી સુવિધા નહોતી એટલે પ્લેબેક સિંગર્સ તરીકે જાણીતા બાર પંદર જણના કંઠે આપણને હજ્જારો યાદગાર ગીતો મળ્યાં.
આજે ટેક્નોલોજી ફૂલ ફોર્મમાં છે.મલ્ટિટ્રેક રેકોર્ડિંગ ઉપરાંત ઓટોટયુનર જેવાં સાધનોએ મુહમ્મદ રફી કે મૂકેશ યા કિશોર કુમાર જેવા ગાયકોની ગેરહાજરીને ભૂલાવી દીધી છે. ગીતકારો અને સંગીતકારોનો નીત નવો ફાલ ઊતરી રહ્યો છે. તો પછી આબાલવૃદ્ધ સૌને એકી અવાજે ગણગણવાની તત્પરતા જાગે એવાં ગીતો કેમ મળતાં નથી ? કરોડો રૃપિયાનાં મેગાબજેટ ધરાવતી ફિલ્મો બીજી બધી રીતે સરસ બને છે અને બોક્સ ઑફિસ પર રીતસર ટંકશાળ સર્જે છે. પરંતુ ગીતોમાં રહેલી ચિરંજીવતા ક્યાં અલોપ થઇ ગઇ ? અગાઉના દાયકાના પ્લેબેક સિંગર્સનાં હિટ ગીતો પરથી આજે હજ્જારો યુવાનો રોજી રોટી રળી રહ્યા છે.
એકલા અમદાવાદની વાત કરું તો અહીં દસ બાર વોઇસ ઑફ મુહમ્મદ રફી મળી આવે. રફીસાહેબ તો ઠીક જાણે મોડા આવ્યા, અહીં પંકજ મલિક કે કુંદન લાલ સાયગલનાં ગીતો ગાઇને પણ જીવનનિર્વાહ કરનારા અડધો ડઝન ગાયકો છે.
અમારા જેવું (ગીત) સંગીત ફરી એકવાર જરૃર પાછું આવશે એવો આશાવાદ સંગીતકાર નૌશાદ અને કલ્યાણજી આનંદજી ફેમ કલ્યાણજીભાઇએ બુલંદ સ્વરે વ્યક્ત કર્યો હતો. પરંતુ હાલ ફિલ્મ સંગીતનો જે દોર ચાલી રહ્યો છે એ જોતાં આ આશાવાદ ફળશે કે કેમ એ વિશે શંકા જાગે છે. સિને મ્યુઝિશિયન એસોસિયેશનમાં આજે પણ બે હજારથી વધુ સભ્યો છે. દરેકને પૂરતું કામ મળી રહે છે. ફિલ્મોની સાથોસાથ ટીવી સિરિયલો પણ સંગીતકારોનો યોગ્ય ઉપયોગ કરે છે. પરંતુ ખાટલે મોટી ખોડ કે ઇવન બબ્બે ઓસ્કાર અને ગ્રેમી એવોર્ડ વિજેતા એ આર રહેમાનનાં ગીતો પણ અગાઉનાં ગીત સંગીતની સ્પર્ધામાં ઊણાં ઊતરતાં હોય એવું લાગે છે.
આ નર્યો નિરાશાવાદ નથી. પરંતુ ફિલ્મ સંગીતની લોકપ્રિયતા દિવસે દિવસે ઘટી રહી છે અને જૂનાં ગીતો રજૂ કરતી સંસ્થાઓમાં સભ્ય બનવા રીતસર પડાપડી થતી હોય છે. બહુ લાંબી વાત કર્યા વિના એમ કહીએ કે સુપ્રીમ કોર્ટના જજોની જેમ ફિલ્મ સંગીતકારોએ સાથે બેસીને તોળાઇ રહેલા મૃત્યુઘંટને ટાળવાની દિશામાં સચોટ આયોજન કરવાનો સમય પાકી ગયો છે.
Comments
Post a Comment