આખા મહિનામાં જ્યારે માત્ર છ મિનિટ સૂર્યનો તડકો મળે, મનોચિકિત્સકોને ત્યારે તડાકો પડે...

ટુ ધ પોઇન્ટ - અજિત પોપટ

'ચાલો, એવા સ્થળ મહીં વસે સૂર્ય જેમાં સદૈવ, આનાથીય અધિક હૃદયે આર્દ્ર જ્યાં હોય દૈવ...' ખંડકાવ્યોના પ્રણેતા કહેવાય એેવા કવિ કાન્તના ચક્રવાક મિથુન કાવ્યની આ પંક્તિઓ ગયા સપ્તાહે એેક સમાચાર વાંચીને યાદ આવી ગઇ.

એવી લોકોક્તિ કે સૂર્યાસ્ત પછી ચક્રવાક પક્ષીની જોડી ખંડિત થઇ જાય. કવિ કાન્તે સરસ કલ્પના કરી કે એક સાંજે ચકવીએ ચકવાને કહ્યું, જ્યાં સતત સૂર્ય રહેતો હોય એવા પ્રદેશમાં જઇને રહીએ...ચકવાના મુખે કવિએ સરસ જવાબ આપ્યો-લાંબા છે જ્યાં દિન પ્રિય સખી, રાત્રિયે દીર્ઘ તેવી, આ ઐશ્વર્યે અધિક સુખની હાય આશાજ કેવી... જ્યાં દિવસ લાંબા છે ત્યાં રાત પણ એવી જ લાંબી છે. દુનિયામાં એવા ઘણા પ્રદેશો છે જ્યાં મહિનાઓ સુધી દિવસ લંબાતો રહે અને એ જ રીતે મહિનાઓ સુધી રાત્રિ છવાયેલી રહે.

પરંતુ યૂરોપ અમેરિકાનાં પ્રતિષ્ઠિત અખબારોએ તથા ધ નેચર નામના વિજ્ઞાાનલક્ષી સામયિકે ગયા અઠવાડિયે ચોંકાવનારો એક અહેવાલ પ્રગટ કર્યો.  એ અહેવાલનો સાર એટલો જ ૨૦૧૭ના ડિસેંબર માસમાં રશિયાની રાજધાની મોસ્કોમાં આખાય મહિનામાં માત્ર છ મિનિટ સૂર્ય દેખાયો. અમેરિકા અને યૂરોપના દેશોમાં નીત નવાં વાવાઝોડાં અને બરફનાં તોફાનોના સમાચાર લગભગ રોજની ઘટના થઇ પડી છે.

પરંતુ આખા મહિનામાં સૂર્ય માત્ર છ મિનિટ દેખાયો એનો અર્થ એ કે મોસ્કોમાં આખો ડિસેંબર મહિનો ચાલે એેટલી લાં...બી રાત અનુભવવી પડી. 

ધ નેચર મેગેઝિને તો ખાસ સ્ટોરી પ્રગટ કરી. ભારત તો ઉષ્ણકટિબંધનો દેશ ગણાયો છે. અહીં લગભગ બારે માસ ગરમી રહે. અપવાદ રૃપે હિમાલયની ગોદમાં વસેલાં રાજ્યોમાં શિયાળો આકરો હોય. બાકી અહીં લગભગ ગરમી હોય.

એક દિવસના ચોવીસ કલાક. એક કલાકની ૬૦ મિનિટના હિસાબે ચોવીસ કલાકની ૧૪૪૦ મિનિટ. ડિસેંબરમાં ૩૧ દિવસ આવે. બીજા શબ્દોમાં કહીએ તો આશરે સાડી સત્તાવન સો (૫૭૬૦) મિનિટ. એમાં ફક્ત છ મિનિટ સૂર્યપ્રકાશ મળે તો તો હાહાકાર મચી જાય. વિજ્ઞાાનીઓ જેને માણસના શરીરની બોડી ક્લોક કે બોડી રીધમ કહે છે એ ખોરવાઇ જાય.

તમે પણ અનુભવ્યું હશે કે કામ ધંધા-નોકરીના કારણે રોજ સવારે જે સમયે ઊઠવાની તમને જરૃર હોય એ પ્રમાણે શરીરનું કાર્યતંત્ર આપોઆપ ગોઠવાઇ જતું હોય છે. એટલે તમને જે દિવસે સાપ્તાહિક રજા હોય એ દિવસે પણ સવારે ચોક્કસ સમયે એકવાર તો તમે જાગી જાઓ. 

પછી રજા છે એમ સમજીને પથારીમાં પડખાં ફેરવ્યા કરો એ જુદી વાત છે. એ જ રીતે રાત્રે જે સમયે સુઇ જવાની ટેવ હોય એ સમયે મોટ્ટાં બગાસાં આવે. તમે નાટક સિનેમા કે  અન્ય પ્રોગ્રામમાં ગયા હો તો ત્યાં પણ બગાસાં તો આવે.  લોકલાજે આપણે બગાસાંને દબાવી દઇએ એ વાત જુદી છે.

ઘણું કરીને રાત્રે અંધકારમાં ઊંઘ સારી આવે. (એટલે જ રીઢા ગુનેગારોને બોલતાં કરવા માટે તેમને ઊંઘવા દેતા નથી.) આ આખી વ્યવસ્થાને સરળ ભાષામાં બોડી ક્લોક કહેવાય. આખો મહિનો અંધકાર છવાયેલો રહે તો માણસની માનસિકતા ખોરવાઇ જાય.

ઇંગ્લેંડના ધી ઇન્ડિપેન્ડન્ટ, ડેઇલી મેઇલ, રશિયાના મોસ્કો ટાઇમ્સ અને અમેરિકાના ન્યૂયોર્ક ટાઇમ્સ વગેરે અખબારોના અહેવાલ મુજબ મોટાભાગના મોસ્કોવાસીઓની મનોચિકિત્સકોની મુલાકાતો વધી ગઇ. આ વાત સમજવી એ પ્રસ્તુત લેખ લખવા કે વાંચવા જેટલી સહેલી નથી. એ તો જેના પર વીતે એનેજ સમજાય કે એક મહિના સુધી સૂર્ય જોવા ન મળે એટલે શું ? સૂર્ય ચંદ્રના આવાગમન સાથે આપણી તંદુરસ્તી, ચયાપચયની ક્રિયાઓ, આહારવિહારની ટેવો અને કુદરતી હાજતો સંકળાયેલી છે.

અતિશય ગરમી-તાપ કે અતિશય ઠંડી અને અતિશય વરસાદ માણસની સ્વાભાવિક ગણાતી માનસિકતાને ખોરવી નાખે છે. મોસ્કોવાસીઓની સ્થિતિ અત્યારે એવી જ છે. તો એવો વિચાર પણ આવે કે કેટલા મનોચિકિત્સકો પોતે પણ આવા મનોવ્યાધિનો ભોગ બન્યા હશે ? કેટલા મનોચિકિત્સકો પોતાના પેશન્ટોને જરૃરી માનસિક સારવાર આપવા સક્ષમ રહ્યા હશે ?

છેલ્લા થોડા મહિનાથી દેશવિદેશના સમાચારો વાંચીએ ત્યારે એમ લાગ્યા વિના રહેતું નથી કે ભૌતિક સુખ-સંપત્તિ વધારવાની માણસની અવિચારી દોટના કારણે કુદરત વિફરી છે. ૨૦૧૭ના છેલ્લા બે માસમાં અને ચાલુ વર્ષના પહેલા પંદર વીસ દિવસમાં લગભગ રોજ ક્યાંક બેફામ વરસાદ, ક્યાંક વિકરાળ વાવાઝોડાં અને ક્યાંક વિનાશકારી બરફવર્ષા થયાના સમાચાર પ્રગટ થતા રહ્યા છે. માણસ સુખની શોધમાં દોડતો થાકે તો કુદરતને થોડી હા..શ થાય. ત્યાં સુધી તો આવુંજ ચાલવાનું એમ કહી શકાય.

Comments