ટુ ધ પોઇન્ટ - અજિત પોપટ
છેક સામવેદની ઋચાઓથી શરૃ થઇને આજના સ્થાને પહોંચેલા ભારતીય સંગીતનો ઇતિહાસ વાંચનારને કેટલીક સરસ વાતો જાણવા મળે. પાયાની વાતનો સાર લઇએ તો માણસને પહેલાં વાણી મળી.
પછી વાંસવનમાંથી પવનની જોડે વહી આવતા મધમીઠા સૂરના પગલે વેણુ મળી, ત્યારબાદ વાંસ અને તારના સહયોગથી બનેલી વીણા મળી... આમ ઉત્ક્રાન્તિ (ઇવોલ્યુશન ) થતી રહી. અમીર ખુસરો જેવાએ વીણામાંથી સિતારને જન્મ આપ્યો તો ઇરાન-ઇરાક તરફ ગંૂજતા રબાબનંુ પરિવર્તન આધુનિક સરોદમાં થયું. કશ્મીરના લોકવાદ્ય સંતૂરને પંડિત શિવકુમાર શર્મા જેવા તપસ્વી સ્વરસાધકે શાસ્ત્રીય ગાયકીના તમામ અંગો સાથે પ્રસ્તુત કર્યું.
લંકેશ રાવણ દ્વારા શોધાયેલી મનાતી સૌરંગી (સારંગી)ને પંડિત રામ નારાયણ તવાયફોના કોઠા પરથી શાસ્ત્રીય સંગીતના મંચ પર લઇ આવ્યા.
ધમણ દ્વારા ફૂંકાતી હવાના પગલે વાગતા હાર્મોનિયમના પગલે સિન્થેટિક સૂર પ્રગટાવતા વિવધ કી બોર્ડ આવ્યા. મુઘલોના આગમન સાથે સંગીતમાં ભક્તિની સાથોસાથ સંસારી રંગો પૂરાયા... ઠુમરી, દાદરા, ચૈતી, હોરી વગેરે આવ્યાં.
ટેક્નોલોજી વિકસતાં કેટલાંક અઘરાં વાદ્યો સહેલાં બન્યાં. દાખલા તરીકે તાનપુરો. ભલભલા ઉસ્તાદો તાનપુરાને એકસો ટકા અણીશુદ્ધ એવા ચોક્કસ સૂરમાં મેળવતાં હાંફી જતા. તાનપુરાના તળિયે બાંધેલા દોરા (જવારી) દ્વારા સૂરની ચોક્સાઇ કરવા માટે વરસોના ટેવાયેલા તપસ્વી કાન પણ જોઇએ. આધુનિક ટેક્નોલોજીએ ઇલેક્ટ્રોનિક તાનપુરા આપીને એ ઝંઝટ દૂર કરી આપી. કેટલાક કારીગરોએ સાવ નાનકડા બાળક જેવા તાનપુરા પણ બનાવી આપ્યા.
સિતાર અને સરોદના સ્વરૃપમાં પણ ફેરફારો થયા. હવાઇન ગિટારના મૂળ સ્વરૃપમાં ફેરફાર કરીને પંડિત બ્રિજભૂષણ કાબ્રા અને પંડિત વિશ્વમોહન ભટ્ટ જેવા સાધકોએે એના પર શુદ્ધ શાસ્ત્રીય સંગીત ઉતાર્યું. તો ફિલ્મોમાં સંગીત આપતાં આપતાં સજ્જાદ હુસૈન, કિશોર દેસાઇ અને ઇમુ દેસાઇ જેવાએ મેંડોલીન જેવા કષ્ટસાધ્ય સાજ પર ગાયકીના શુદ્ધ અંશો પ્રગટ કર્યાં.
એવોજ એક ખાસ્સો મોટ્ટો ફેરફાર ગયા સપ્તાહે જાણવા મળ્યો. કદાચ આ પરિવર્તન પાંચસાત વર્ષ પહેલાં આવી ગયું હશે. પરંતુ એની જાણ સંબંધિત વાજિંત્રના સાધકો પૂરતી મર્યાદિત હતી. વાત છે ભગવાન શ્રી કૃષ્ણની વેણુની. બાંસુરી કહો, વાંસળી કહો, જે કહો તે. ઉસ્તાદ અલ્લાઉદ્દીન ખાનના શિષ્ય પંડિત પન્નાલાલ ઘોષથી માંડીને આજના પંડિત હરિપ્રસાદ ચૌરસિયા સુધી આપણે સૌ વાંસળીના સૂરોની સાથે કેટલાય દાયકાઓથી સ્વર સાગરમાં વહેતા રહ્યા.
આ વાજિંત્રનું નામ સૂચવે છે એમ બાંસુરી કે વાંસળી એટલે વાંસ (બામ્બુ)માંથી બને તે. એના સૌ પ્રથમ અજોડ સાધક એટલે ભગવાન કૃષ્ણ. એમની વાંસળીના સૂર સાંભળીને યમુનાનાં નીર વહેતાં થંભી જતાં એમ કહેવાય છે. માણસ ઉપરાંત પશુ પક્ષી સાનભાન ભૂલી જતાં.
અમદાવાદના જગપ્રસિદ્ધ સપ્તક સંગીત સમારોહની પૂર્વસંધ્યાએ ગુજરાતના સિનિયર વાંસળીવાદક પંડિત સુરેશ પરીખ સાથે થોડીક વાત થતી હતી. વાતવાતમાં એમણે કહ્યું, હવે વૃક્ષોના જતન-સંવર્ધનનો મહિમા પહેલાં કરતાં વધ્યો છે.
વળી ગ્લોબલ વોર્મિંગ જેવા ઋતુચક્રને પલટાવી નાખતા પરિબળના કારણે વાંસની વાંસળીઓમાં તિરાડ પડી જતી હતી. એટલે હવે નામ ભલે વાંસળી હોય, પણ તમને જાણીને નવાઇ લાગશે કે વાંસળી પણ પ્લાસ્ટિકની બને છે. અમે બાળકોને સંગીત શીખવીએ છીએ એ વાંસળી પ્લાસ્ટિકની હોય છે.
શરૃમાં મને કેટલાક વિદ્યાર્થીઓ પૂછતાં કે પ્લાસ્ટિકની વાંસળીનો સૂરધ્વનિ વાંસની વાંસળી જેવો પ્રગટે ખરો ? ત્યારે એમને સમજાવતાં હું કહેતો, બાજુના ઓરડામાં બેસીને હું વગાડું એ સાંભળો. પછી મને કહેજો.... એ રીતે નવી પેઢીનાં બાળકોને અમે પ્લાસ્ટિકની બાંસુરી પર તાલીમ આપીએ છીએ. છે ને મજેદાર પરિવર્તન !
આ આખી વાતમાં સૌથી રસપ્રદ મુદ્દો એ છે કે વાંસમાં ધગધગતો સળિયો નાખીને એને પોલો બનાવ્યા બાદ બાંસુરી બનાવવાની હજાર વર્ષની પ્રાચીન કારીગરી આજેય ઉપલબ્ધ છે. સુરેશભાઇએ એની પણ વાત કરી. એમણે કહ્યું કે હાર્મોનિયમની સફેદ એક પટ્ટીની પ્લાસ્ટિકની વાંસળી લેવા જાઓ તો દોઢસો બસો રૃપિયામાં મળી જાય.
પરંતુ એવીજ વાંસની વાંસળી લેવા જાઓ તો બારસો પંદરસો રૃપિયા લાગે. સૂરધ્વનિમાં કોઇ ફેરફાર નથી. સ્વરસાધકે તપસ્યા તો પહેલાં જેટલીજ કરવી પડે. પરંતુ હવે બહુ ઓછા અને એ પણ મશહૂર થઇ ચૂકેલા સ્વરસાધકો જ ઓરિજિનલ વાંસની વાંસળીનો આગ્રહ રાખે છે. એમ તો સ્ટેનલેસ સ્ટીલ અને પિત્તળની વાંસળી પણ આવે છે.
પંચમના નામથી પ્રસિદ્ધ સંગીતકાર આર ડી બર્મનના સાથીદાર મનોહારી દાદા એવી ધાતુની વાંસળી વગાડતા. ભારતીય લશ્કર અને પોલીસ બેન્ડમાં પણ ધાતુની વાંસળી દાયકાઓથી વાગતી રહી છે. રાધા જેવી રાધાને જેની અદેખાઇ આવતી એ ભગવાન કૃષ્ણની વાંસળી વિશે આટલું બસ. વધુ ફરી ક્યારેક.
Comments
Post a Comment