સિનેમેજિક - અજિત પોપટ
19 જાન્યુઆરી 2018, શુક્રવાર
આવરદાના દસમા દાયકામાં પાશ્ચાત્ય શાસ્ત્રીય સંગીતના સથવારે જીવન સંધ્યા માણી રહેલા અલગારી સંગીતકાર વનરાજ ભાટિયાએ ધાર્મિક આધ્યાત્મિક ક્ષેત્રે કરેલા સૂરીલા પ્રદાનની વાત આપણે ગયા સપ્તાહે શરૃ કરી હતી. ઇનડિયન મેડિટેશન મ્યુઝિક નામના આલ્બમની વાત ગયા શુક્રવારે કરી હતી.
એક પ્રયોગ વનરાજે શ્રીમદ્ ભગવદ્ ગીતાના ચુનંદા અંશોનો કર્યો. રિપિટેશનના ભયે પણ એક વાત ફરી કરી દઉં. ભગવદ્ ગીતાના શ્લોકોની પણ અસંખ્ય કેસેટ્સ-સીડી બની છે. લગભગ દરેક પ્રતિષ્ઠિત આધ્યાત્મિક સંસ્થાએ ધંધાદારી સંગીતકારો અને ગાયકો પાસે પોતાની રીતે ભગવદ્ ગીતાના શ્લોકો તૈયાર કરાવ્યા છે. આ લખનારે એવો એક દાખલો જાતે અનુભવ્યો છે.
ભજન સમ્રાટના હુલામણા નામે પ્રખ્યાત ગાયક અને શામ ચોરાસી ઘરાનાના છેલ્લા પ્રતિનિધિ પુરુષોત્તમદાસ જલોટાએ એક ઇન્ટરવ્યૂમાં કહેલું, 'અમારા સંગીત ગુરુ કહેતા કે શબ્દોના ભાવને અનુરૃપ સૂરાવલિ તૈયાર કરી શકો તો બહેતર છે. બાકી એવા પ્રયાસો ન કરવા.
શબ્દોમાં જંગ-એ-મેદાનનો ભાવ હોય અને તમે શાંત રસની બંદિશ બાંધો તો ન ચાલે... મને જ્યારે ભગવદ્ ગીતાના બારમા અને પંદરમા અધ્યાયને સ્વરબદ્ધ કરવાની વિનંતી મળી ત્યારે મેં કેટલાક વિદ્વાનો સાથે આ બંને અધ્યાયના કેન્દ્રવર્તી ભાવને ધ્યાનમાં રાખીને જુદા જુદા રાગમાં શ્લોકો સ્વરાંકિત કર્યા હતા...' આમ ભજન સમ્રાટ પુુરુષોત્તમ દાસ જલોટાએ પણ ભગવદ્ ગીતાનાં શ્લોકો ઉપરાંત આદિ શંકરાચાર્યના વિવિધ સ્તુતિ-સ્તવનોેને સ્વરબદ્ધ કર્યાં અને ગાયાં હતાં.
લગભગ એવુંજ સિલેક્ટેડ- વ્યકિતગત પસંદગીનંુ કામ વનરાજ ભાટિયાએ પણ કર્યું છે. દાખલા તરીકે પાંચમા અધ્યાયના ત્યાગ-વૈરાગ્ય વિશેના બીજા શ્લોકથી સાતમા શ્લોક સુધી, બારમા અધ્યાયના ભક્તિ વિશેના આઠમા શ્લોકથી વીસમા શ્લોક સુધી... આમ ખાસ પસંદગીના શ્લોકોને તેમણે સ્વરબદ્ધ કર્યા. આ ઉપરાંત અર્જુન વિષાદના શ્લોકો સહિત ગીતાજીના પાંચમા, આઠમા અને નવમા અધ્યાયના કેટલાક શ્લોકો પણ સ્વરબદ્ધ કર્યા છે.
અગાઉ કહ્યું એમ લગભગ દરેક આધ્યાત્મિક સંસ્થાએ રામાયણ, ભગવદ્ ગીતા કે શ્રીમદ્ ભાગવતના આ રીતે સંગીતમય આલ્બમો તૈયાર કર્યા કે કરાવ્યા છે. શાસ્ત્રીય સંગીતના રસિકોને આ વાત વધુ સહેલાઇથી ગળે ઊતરશે. ઉસ્તાદ બડે ગુલામ અલી ખાનના કંઠે રાગ સોહની સાંભળો ત્યારે શૃંગાર સજીવન થતો લાગે અને ઉસ્તાદ અમીર ખાનના કંઠે રાગ બૈરાગી સાંભળો તો થોડીવાર ગમગીન થઇ જવાય એવો અનુભવ તમે પણ કર્યો હશે.
ફિલ્મો કે નાટકોમાં સંગીત પીરસવા કરતાં આ કામ વધુ કપરું છ, વધુ જટિલ છે. એનું કારણ પણ સમજવાની જરૃર છે. ફિલ્મમાં તો દ્રશ્યને અનુરૃપ સ્વરગૂંથણી કરો એટલે કામ ચાલી જાય. ભગવદ્ ગીતા જેવા વૈશ્વિક ગણાતા ગ્રંથના શ્લોકોની સ્વરગૂંથણી કરતી વખતે સંગીતકારે સર્વદેશીય અને સર્વભાષી ભારતીય નાગરિકોનાં અનેકવિધ રસ-રુચિને ધ્યાનમાં રાખવા પડે.
દેશમાં પાંત્રીસથી ચાલીસ ભાષાઓ અને એટલી જ કે એનાથી બમણી સંખ્યામાં બોલીઓ (ડાયલેક્ટ્સ ) પ્રચારમાં હોય ત્યારે પૂર્વ-પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ એમ ચારે દિશા અને ચારે ખૂણાના પ્રદેશોમાં વસતા લોકોને તમારું કામ સ્પર્શવું જોઇએ. એ અર્થમાં આ કામને અતિ કપરું કહું છું. આ લખનાર નમ્રપણે માને છે કે ભગવદ્ ગીતાના પોતે પસંદ કરેલા શ્લોકોની સ્વરગૂંથણી કરવામાં વનરાજે પોતાનું તમામ કૌવત ઠાલવી દીધું છે.
સમાજના દરેક વર્ગના અને દરેક રસ-રુચિ ધરાવતા લોકોને સાંભળવાનંુ અને સાથે ગણગણવાનું મન થાય એવું કામ વનરાજે કરી બતાવ્યું છે. આ આલ્બમો અત્યારે કદાચ (યસ, કદાચ) નારાયણ મૂલાણી જેવા કોઇ મ્યુઝિક કલેક્ટર પાસે મળી આવે તો ઘણું. બાકી કેટલાંક આલ્બમો રિલિઝ થતાંની સાથે ચપોચપ ઊપડી જતાં હોય છે.
આમ તો વનરાજે બીજા પણ કેટલાક આધ્યાત્મિક લાગે એવાં આલ્બમો પણ તૈયાર કર્યાં છે જેમ કે એટ ધ ડોન ઑફ ક્રિયેશન (સરળ શબ્દોમાં સર્જન પરોઢે), ધ ડોન બેકન્સ (પરોઢનો સંકેત કે અણસાર), ધી એન્ડ ઑફ લાઇટ, ઇન્વોકેશન એન્ડ ઓમ્... રાષ્ટ્રીય કહેવાય એવાં પણ આલ્બમો વનરાજે તૈયાર કર્યા છે જેમાં તિરંગા અને નહેરુઝ્ વિઝન ઑફ ઇન્ડિયાનો સમાવેશ થાય છે.
આ દરેક આલ્બમ વિશે વિગતે વાત કરી શકાય એમ છે. પરંતુ આપણે આ કૉલમમાં દરેક સર્જનની આછેરી ઝલક આપવાની પરંપરા રાખી હોવાથી હવે અહીં વિરમીએ. આપણે અન્ય સંગીતકારોની જેમ વનરાજ ભાટિયાના પણ ઋણી છીએ. થેંક્સ વનરાજ...!
Comments
Post a Comment