માણસ પચ્છમબુદ્ધિ કયાં કારણોથી થઇ જતો હશે ? મનોચિકિત્સકો સંશોધન કરે


ટુ ધ પોઇન્ટ - અજિત પોપટ

દાયકાઓ પહેલાં સ્કૂલમાં ભણતા ત્યારે એક નાનકડી વાર્તા વાંચી હતી. પંચોતેર એંસી વર્ષના એક દાદાજી આંબો રોપી રહ્યા હતા.

એમના પૌત્રે કહ્યું, દાદાજી આ રોપો મોટો થશે અને એને ફળ લાગશે ત્યારે તમે હશો કે નહીં એની ખબર નથી. તો પછી તમે અત્યારે આટલો બધો પરિશ્રમ કેમ કરી રહ્યા છો ? બોખા મોંવાળા દાદાજી મલકી પડયા. એમણે સમજાવ્યું, બેટા, તારી વાત સાવ સાચી કે આ રોપો વિશાળ વૃક્ષ થવામાં પંદર વીસ કે વધુ વર્ષ લાગી જવાના. એનાં ફળ ચાખવા હું હાજર નહીં હોઉં.

પણ બેટા, મેં જે આંબાના મધમીઠાં ફળ ખાધાં એ પણ તારા દાદા જેવા જ કોઇ વડીલે રોપ્યાં હશે ને ?... વાત વિચારવા જેવી છે. આ વાત આજકાલ વારે વારે યાદ આવે છે. કારણ ? અમદાવાદ રેલવે સ્ટેશને હવે ફલાણી સગવડ વધારવામાં આવશે, મુંબઇના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઢીંકણી સેવાનું વિસ્તરણ કરાશે, પાટનગર નવી દિલ્હીમાં બળાત્કારો રોકવા હવે ઠેર ઠેર સીસીટીવી મૂકવામાં આવશે, કાળાં નાણાંને નાથવા હવે અમુક પગલાં લેવાશે...

જે તે રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકાર દ્વારા છાશવારે આવી જાહેરાતો થતી રહે છે. હવે પછી ફલાણું કામ કરાશે એમ કહેવાનો એક અર્થ એ છે કે એ સેવા જરૃરી હતી એની વહીવટી તંત્રને જાણ હતી પરંતુ અત્યાર સુધી વાતાનુકૂલ ઑફિસમાં બેસીને ગૂટકાનો માવો ખાધો- કાઠિયાવાડી કાકાની ભાષામાં કહીએ તો મંજિરા વગાડયાં.

સંસ્કૃતમાંથી ગુજરાતી ભાષામાં એક સરસ શબ્દ ઊતરી આવ્યો છે- પચ્છમબુદ્ધિ. આગ લાગે ત્યારે કૂવો ખોદવા નીકળે એને પચ્છમબુદ્ધિ કહેવાય. બારેમાસ અને સપ્તાહના સાતે દિવસ રામરાજ્યની વાતો કરતી સરકારો અને વિવિધ પક્ષના નેતાઓ આગોતરા આયોજનમાં માનતા નથી. 

કોઇ પણ સમસ્યા બેફામ વધી જાય ત્યારે સરકારો અને તેમના સનદી અમલદારો કુંભકર્ણની નિદ્રામાંથી સફાળા જાગે છે. હવે અમે આમ કરીશું અને હવે અમે તેમ કરીશું જેવી સુફિયાણી વાતો કરતાં થઇ જાય છે. વાસ્તવમાં આગોતરા આયોજનમાં આપણે માનતા નથી.

થોડી કડવી લાગે પરંતુ સચોટ સત્ય આધારિત વાત છે માટે કહું છું. દેશમાં પોતાના સ્વાર્થ માટે રેલવે લાઇન નાખનારા બ્રિટિશ વહીવટકારો અને રેલવેના ઇજનેરો કેટલાંક એવાં બાંધકામ કરી ગયાં છે જે આજે દોઢસો પોણા બસો વરસ પછીય અડીખમ છે. કોલાબાથી કચ્છ સુધી વિસ્તરેલું મુંબઇ રાજ્ય હતું ત્યારની વાત છે. ૧૮૬૦ની આસપાસ બોરીબંદર અને થાણે વચ્ચે પહેલવહેલી રેલવે દોડી હતી. આજે દેશની રાજકીય આઝાદીને ૭૦ વર્ષ થયાં.

બોરીબંદર સ્ટેશનનાં નામ ત્રણ ચાર વખત બદલાયાં. બ્રિટિશ ઇજનેરોેએ બાંધેલા એ સ્ટેશનનાં કાંગરા ખર્યાં નથી. હજારો માઇલ (હા ભાઇ હા, કિલોમીટર્સ) રેલવે લાઇન ગોરી સરકારે નાખી હતી. આઝાદી પછી કઇ સરકારે એમાં કેટલો વધારો કર્યો એના આંકડા સરકારી કાર્યાલયમાંથી મેળવવા માટે આરટીઆઇની અરજી કરવી પડે. એ પછી પણ નક્કર આંકડા સાથેની માહિતી મળવાની કોઇ ગૅરંટી નહીં.

મુંબઇ હોય કે અમદાવાદ, પાટનગર દિલ્હી હોય કે પછી ચેન્નાઇ (મદ્રાસ) યા કોલકાતા હોય, ટ્રાફિક જામ કે પ્રદૂષણની સમસ્યા રાક્ષસી ન બની જાય ત્યાં સુધી પગલાં લેવાની દરકાર કોઇ કરતું નથી. પ્રદૂષણ માઝા મૂકે ત્યારે બહાવરા બનીને દોડાદોડ શરૃ કરે છે. પ્રદૂષણ વધવાનાં કારણેાની કદી નોંધ લેવાતી નથી, એ નિવારવાના પ્રયાસો કદી થતાં નથી. આવતા સપ્તાહે પ્રજાસત્તાક દિન આવશે ત્યારે લાલ કિલ્લા પરથી ધ્વજવંદન કરાવીને મોટી મોટી ગુલબાંગો મારવામાં આવશે.

બીજા દિવસથી ફરી જૈસે થે...હતા ત્યાંના ત્યાં. ગ્લોબલ વોર્મિંગ હોય કે બીજાં કારણો હોય, અમેરિકા અને યૂરોપના મોટા ભાગના દેશોમાં ભીષણ વાવાઝોડાં અને હિમવર્ષા થઇ રહ્યાં છે. કુદરત વીફરી હોય એવો સિનારિયો છે. અમેરિકા અને યૂરોપના દેશોમાં તો અત્યંત ઝડપી પગલાં લેતાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ તંત્રો હોવા છતાં કરોડોનું નુકસાન અને જાનમાલની ખુવારી થતી હોય તો આપણા દેશની શી વિસાત !

સભાજનેાને આંજી નાખે એવી વક્તૃત્વ કલા હોય એટલે તમે બધું કરી શકો એવું નથી. ઘણી સમસ્યાઓ વિકરાળ બની રહી છે. બાંગ્લાદેશી અને રોહિંગ્યા ઘુસણખોરો, નફાખોરો, કાળાં નાણાંનું સમાંતર અર્થતંત્ર ચલાવતા સમાજકંટકો, ખાદ્યપદાર્થોમાં જીવલેણ ભેળસેળ કરતા અસામાજિક પરિબળો.... આવી અસંખ્ય સમસ્યાઓ સામે લોકોએ પોતે પણ સંગઠિત થવું જોઇએ. થેાડા સમયથી વાલીઓએ સ્કૂલ-કૉલેજોની ફી નીતિ સામે રણે ચડીનેે સુપ્રીમ કોર્ટમાં વિજય મેળવ્યો. એ સારી વાત છે. પરંતુ એને પાશેરામાં પહેલી પૂણી ગણીને બીજી સમસ્યાઓમાં પણ આવું સંગઠન જોઇએ.

હિન્દી ફિલ્મોમાં પરાકાષ્ઠાનાં દ્રશ્યોમાં વિલન સામે લોકો ભેગાં થઇને સામનો કરે ત્યારે દર્શક તરીકે આપણે તાળી પાડીને હરખ વ્યક્ત કરીએ છીએ. તો વાસ્તવ જીવનમાં દરેક સામાજિક સમસ્યાના નિરાકરણ માટે એવું સંગઠન કરવામાં ક્યાં વાંધો પડે છે ? ગીતકાર સંગીતકાર અવિનાશ વ્યાસના એક ગીતના મુખડાથી વાતનું સમાપન કરું: તૈયાર થઇ જજો, નાત જાત ભાત તારી કોઇ પણ હજો, તૈયાર થઇ જજો...

Comments