સિનેમેજિક - અજિત પોપટ
12 જાન્યુઆરી 2018, શુક્રવાર
સૌમ્ય સંગીત તમને ભળતા વિચારો કરવામાંથી બચાવી લઇને ચિત્તને શાંત કરવામાં સહાય કરે છે
લગભગ છેલ્લા એક સવા વર્ષથી આપણે અનોખા સંગીતકાર વનરાજ ભાટિયાની વાતો કરી રહ્યા છીએ. છેક ૧૯૫૦ના દાયકામાં જાહેરખબરોની જિંગલ્સથી કામ શરૃ કરીને શ્યામ બેનેગલ, ગોવિંદ નિહાલાની, પ્રકાશ ઝા, રાજકુમાર સંતોષી, બંગાળી સર્જક અપર્ણા સેન, અને કુંદન શાહ જેવા ફિલ્મ સર્જકોની ફિલ્મોમાં સંગીત આપ્યું.
ભારત અને રશિયાના કલાકારોના સહયોગથી બનેલી અજૂબા, દામિની વગેરે ફિલ્મોમાં બેકગ્રાઉન્ડ મ્યુઝિક તૈયાર કર્યું. અંધા યુગ જેવાં ઓફ્ફબીટ નાટકો, ટીવી સિરિયલો, સંગીત નાટકો (ઓપેરા) અને આ બધાં સૂરીલાં કામો વચ્ચે જ્યારે જ્યાં તક મળી ત્યાં અને ત્યારે ધાર્મિક-આધ્યાત્મિક ક્ષેત્રે પણ આ વીરલા સંગીતકારે માતબર પ્રદાન કર્યું.
આજે અને આ પછીના એકાદ બે એપિસોડમાં એની વાત કરીને વનરાજ ભાટિયાને વિદાય આપીશું. એવું નથી કે ધાર્મિક આધ્યાત્મિક ક્ષેત્રે કામ કરનારા વનરાજ પહેલા ફિલ્મ સંગીતકાર હતા. એ પહેલાં સ્વરકિન્નરી લતા મંગેશકરે મીરાંનાં ભજનો અને ભગવદ્ ગીતાના અંશો રજૂ કરેલા. પાર્શ્વગાયક મૂકેશે પણ ભગવદ્ ગીતા તેમજ રામચરિત માનસની ચોપાઇઓ પોતાની રીતે રજૂ કરેલી.
તો ભગવાન મહાવીરની ૨૦૦૦મી જયંતી વખતે સંગીતકાર કલ્યાણજી આણંદજીએ જૈન ધર્મનાં પદોની તર્જો બાંધી હતી. મૂકેશે ગાયેલું ચિત્રભાનુજીનું ભજન 'મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું..' એમાંનું એક હતું. ૧૯૬૮-૬૯માં સંગીતકાર ખય્યામે ભગવાન કૃષ્ણનાં ભજનો મુહમ્મદ રફીના કંઠે રજૂ કરેલા અને એ એલપી રેકોર્ડનું સૌથી વધુ વેચાણ પાકિસ્તાનમાં થયું હતું. ટૂંકમાં, અગાઉ પણ આ પ્રકારનાં કાર્યો થયાં હતાં.
વનરાજ ભાટિયાનો પરિવાર પુષ્ટિમાર્ગી વૈષ્ણવ સંપ્રદાયના ભક્તિમાર્ગમાં માનનારો રહ્યો હતો. વનરાજે પણ કેટલુંક ઉત્તમ કહી શકાય એવું સર્જન આ ક્ષેત્રે કર્યું. આ લખનારની દ્રષ્ટિએ એક મહત્ત્વનું આલ્બમ 'ઇન્ડિયન મેડિટેશન મ્યુઝિક' હતું. ૯૦ ટકાથી વધુ લોકોની એક ફરિયાદ હોય છે કે ધ્યાન કરવા બેસીએ ત્યારે એક ક્ષણમાં કરોડો વિચારો આક્રમણ કરે છે. મોટાભાગના સાધુ સંતો ધ્યાનની વિવિધ પ્રક્રિયા સમજાવતા રહ્યા છે.
અરે, ન્યૂરોલોજિસ્ટ (મગજના રોગોના નિષ્ણાત) ડૉક્ટર સુધીર શાહ પણ એકાગ્રતા અને ધ્યાનની વાતો સરળતાથી સમજાવે છે. ક્રાન્તિકારી વક્તા અને અધ્યાત્મ પુરુષ ઓશો રજનીશે ૧૦૮ ધ્યાન પદ્ધતિની વાતો કરેલી. પરંતુ ધ્યાન કરવું કેમ એ સમસ્યા દરેક વ્યક્તિને સતાવતી રહી છે. ધ્યાનનું સમર્થન કરનારા મોટા ભાગના અભ્યાસીઓ કહે છે કે સૌમ્ય-હળવું સંગીત રેલાતું હોય ત્યારે સહેલાઇથી એકાગ્ર થઇ શકાય છે.
એ સિદ્ધાંતના પાયા પરજ કદાચ મ્યુઝિક થેરપીનો પાયો છે. કારણ કે ટોચના તમામ ડૉક્ટરો એક વાતે સંમત થાય છે કે આજે મોટાભાગના રોગો મનોદૈહિક હોય છે. મન શાંત રહેતું કરી શકો તો ઘણી બીમારી આપોઆપ અદ્રશ્ય થઇ જાય. આમ તો એ વાત ગીતામાં ભગવાન કૃષ્ણે પણ સમજાવી છે- મનઃ એવમ્ મનુષ્યાણામ્ કર્મણમ્ બંધમોક્ષયોઃ...
વનરાજ ભાટિયાએ ઇન્ડિયન મેડિટેશન મ્યુઝિકના નામે સંનિષ્ઠ આલ્બમ તૈયાર કર્યું છે. જો કે આ પ્રકારનાં મ્યુઝિક આલ્બમો બ્રહ્માકુમારી અને આર્ટ ઑફ લિવિંગ જેવી આધ્યાત્મિક સંસ્થાઓ તરફથી પણ પ્રગટ થયાં છે. દરેક સંસ્થા પોતાના આલ્બમને શ્રેષ્ઠ ગણાવે એ સમજી શકાય એવી વાત છે. સર્કસમાં જંગલી જાનવરો પણ સૌમ્ય સંગીત સૂરાવલિથી વિવિધ ખેલ કરી દેખાડે છે.
રસ હોય તો વનરાજ ભાટિયાનું આ આલ્બમ તમે પણ યુ ટયુબ પર માણી શકો છો. સાંભળ્યા પછી વસાવવાની ઇચ્છા જાગે તો ઓનલાઇન ખરીદી પણ શકો છે. આ સંદર્ભમાં એક વાત જરૃર કહેવી છે- ધ્યાન પ્રયત્નો કે આયાસથી કદી થતું નથી. એ અનાયાસ અને સહજ બાબત છે. સૌમ્ય સંગીત તમને ભળતા વિચારો કરવામાંથી બચાવી લઇને ચિત્તને શાંત કરવામાં સહાય કરે છે એટલા પૂરતું એનું મહત્ત્વ વધી જાય છે.
અગાઉ આ સ્થાનેથી જણાવેલું એમ મંુબઇના જુહુ વિસ્તારમાં યોગનો પ્રચાર કરતા સ્વામી આનંદે ગાન તપસ્વિની કિશોરી આમોનકર હયાત હતાં ત્યારે એકવાર તેમને મ્યુઝિક ફોર મેડિટેશન નામના સેશન માટે નોતર્યાં હતાં. ત્યારે કિશોરીતાઇએ પણ કહ્યું હતું કે સંગીત તમને એકાગ્ર થવામાં સહાય કરી શકે. બાકી તો તમારે જાતે ધ્યાનમગ્ન થવું પડે. સર્કસમાં વિકરાળ પ્રાણીઓ પણ સંગીતની ધૂનથી પ્રભાવિત થઇને રીંગ માસ્ટર કહે એવા ખેલ કરતાં હોય છે.
અન્ય સંસ્થાઓએ કરેલા પ્રયોગો કરતાં વનરાજ ભાટિયા કઇ રીતે જુદા પડે છે એનો આધાર તમારાં રસ-રુચિ પર રહે છે. બજારમાં ભગવદ્ ગીતા કે રામાયણ કે અન્ય સ્તોત્ર સ્તવનોની અનેક સીડી મળે છે. જેને જે ગમે તે સ્વીકારે. વનરાજના ચાહકોને બેશક વનરાજનું આ કાર્ય અતિ ગમતીલું થઇ પડે ખરું.
(આવતા સપ્તાહે સમાપ્ત).
Comments
Post a Comment