વનરાજની મૃદુ નિખાલસતા પણ સામાને સ્પર્શી જાય એવી રહી છે

સિનેમેજિક - અજિત પોપટ
5 જાન્યુઆરી 2018, શુક્રવાર

'બોલિવૂડમાં ઘણા ખરા સંગીતકારો ઉત્તર ભારત કે પંજાબ તરફથી આવેલા. હાર્મોનિયમ વાદક તરીકે બેસ્ટ કહી શકાય એવા હતા. એમના સંગીતમાં એમના પ્રદેશની માટીની મહેંક હતી. સ્થાનિક લોકસંગીત અને શાસ્ત્રીય સંગીત પર આધારિત ધૂનો એ લોકો બનાવતા... પરંતુ એ જ બાબત એમને માટે મર્યાદા પણ બની રહેતી. એમની ધૂનોનો વ્યાપ મર્યાદિત રહેતો.

બીજી બાજુ આપવડાઇની ભાવના વિના કહું તો મારા જેવા પૂર્વ-પશ્ચિમ બંને બાજુના શાસ્ત્રીય સંગીતના અભ્યાસી માટે તો દુનિયાભરના સંગીતનો ખજાનો ખુલ્લો રહેતો. ઉપરાંત મેં અગાઉ કહેલું એમ હું મારા સહાયકો પર સ્ટાફ નોટેશન લખવા માટે ડિપેન્ડન્ટ નહોતો. બહુ ઓછા ફિલ્મ સંગીતકારો સ્ટાફ નોટેશન જાણતા એટલે તેમણે પોતાના ગોવાનીઝ સહાયકો પર કે મ્યુઝિક એરેંજર પર આધાર રાખવો પડે.

એમાં ક્યારેક સંગીતકારને પોતાને એકસો ટકા સંતોષ થાય એવું ન પણ બને, સંગીતકારના મનમાં જે તર્જ આકાર લઇ રહી હોય એમાં એકાદા સૂક્ષ્મ સ્વરનો પણ ફરક પડી જવાની શક્યતા રહે...મને એવી મર્યાદા ક્યારેય નડી નહીં...' આજે આવરદાના દસમા દાયકામાં રહેલા સંગીતકાર વનરાજ ભાટિયાએ એક ઇન્ટરવ્યૂમાં કહેલું.

તમને યાદ હશે. પોતે બનાવેલી તર્જો અને બેકગ્રાઉન્ડ સંગીતની તમામ નોટેશન નોંધપોથી આજે પણ વનરાજ પાસે સચવાયેલી પડી છે.  આ માણસની મૃદુ નિખાલસતા કોઇ પણ વ્યક્તિને સ્પર્શી જાય એવી છે.

એ કહે છે, મને મેઇનસ્ટ્રીમ ગણાતી ફિલ્મો બનાવનારા સર્જકોએ ક્યારેય સ્વીકાર્યો નહોતો. મને મેઇનસ્ટ્રીમ ફિલ્મો માટે સંગીત પીરસવાની ઇચ્છા પણ નહોતી. આમાં દ્રાક્ષ ખાટી છે એવી વાત નથી..... મારો સ્વભાવ અને મારી કામ કરવાની પદ્ધતિ અલગ હતી. મને મેઇનસ્ટ્રીમ ફિલ્મ સર્જકો સાથે કામ કરવાનંુ અનુકૂળ આવે એવું નહોતું. કેટલાક સર્જકો મને તમે વેસ્ટર્ન મ્યુઝિકના ઉપાસક છો એમ કહીને ટાળી દેતા.

વેસ્ટર્ન મ્યુઝિકના ઉપાસકનું એ તદ્દન ખોટ્ટું મહેણું ટાળવા મેં સરદારી બેગમ ફિલ્મ વખતે બધાંની બોલતી બંધ થઇ જાય એવો પ્રયોગ કરેલો. આખીય ફિલ્મમાં માત્ર તવાયફોના કોઠા પર હોય એવી સારંગી, હાર્મોનિયમ અને તબલાં બે-ત્રણ સાજનો જ ઉપયોગ કર્યો હતો. એક રમૂજી ઘટના કહું ? મને ગીતકાર જાવેદ અખ્તરે કહ્યું, નવ વાગ્યે આવી જજો.

હું તો ચીડાયો, કેવી વાત કરો છો ? હું છેક નેપિયન સી રોડ પર રહું છું અને તમે મને સવારે નવ વાગ્યે આવવાનું કહો છો ? એ તો હસી પડયા. મને કહે, સવારે નહીં, રાત્રે નવ વાગ્યે આવવાનું કહું છું...અમે મળ્યા ત્યારે કહે, 'તર્જ ક્યાં છે ? તર્જ વિના હું ગીત કેવી રીતે લખું ?' મારી વાત કરું તો મેં કદી આ રીતે પહેલાં તર્જ અને પછી શબ્દો બેસાડવાનું કામ કર્યું નહોતું. આવા મતભેદો થયા કરતા.

બાય ધ વે પ્રિય વાચક, લંડન નિવાસી લેખિકા અને બીબીસી ફોર માટે બોલિવૂડ સંબંધિત સંખ્યાબંધ સુપરહિટ પ્રોગ્રામો બનાવનારી નસીરન મુન્ની કબીરે એ આર રહેમાન વિશે પુસ્તક લખ્યું છે. રસપ્રદ વાત એ છે કે આ પુસ્તકમાં રહેમાને પોત્તે નિખાલસતાથી કહ્યું છે કે હું મોટે ભાગે તર્જ તૈયાર રાખું છું અને એ તર્જમાં ફિટ થાય એ રીતે ગીતકાર પાસે શબ્દો માગું છું... આપણે જેને ફિલ્મ સંગીતનો સુવર્ણયુગ કહીએ છીએ એમાં પણ કેટલાક સંગીતકારોએ ઘણીવાર તૈયાર તર્જ પર શબ્દો બેસાડવાનું સાહસ કરેલું. સંગીતકાર નૌશાદે કહ્યું કે કેટલાક સંગીતકારોને આ પદ્ધતિ ફાવે છે.

મને નથી ફાવતી. હું તો પહેલાં ગીતના શબ્દો માગું. પછી આગળ વધું. તો અન્ય એક સંગીતકારે પહેલાં તર્જ મેળવીને પછી ગીત મેળવવાની પદ્ધતિને પહેલાં કોફીન બનાવીને પછી એમાં ફિટ થાય એવો મૃતદેહ મેળવવા જેવી વ્યર્થ કવાયત ગણાવી હતી. વાતનો સાર એટલોજ કે દરેક સંગીતકારની કામ કરવાની પદ્ધતિ અલગ રહી હતી અને દરેકે સુવર્ણયુગમાં યથાશક્તિ પ્રદાન કર્યું.

એ દ્રષ્ટિએ ફિલ્મ સંગીત વિશે લખતા આસ્વાદકારો કે સમીક્ષકોની દ્રષ્ટિએ વનરાજ સુવર્ણયુગ પૂરો થયા પછી આવેલા અને છતાં પોતાની અલગ કેડી કંડારનારા સંગીતકાર બની રહ્યા. માત્ર ફિલ્મ સંગીત નહીં, સંગીતકાર કલ્યાણજી આનંદજી કે હૃદયનાથ મંગેશકરની જેમ વનરાજે ધાર્મિક અને આધ્યાત્મિક ક્ષેત્રે પણ સંગીત દ્વારા માતબર પ્રદાન કર્યું. હવે પછીના સપ્તાહોમાં વનરાજ ભાટિયાનાં ધાર્મિક આધ્યાત્મિક ક્ષેત્રે થયેલા પ્રદાનની વાત કરવાની છે.

Comments