મૉબ સાઇકોલોજી-ટોળાવાદથી આપણે કદી મુક્ત થઇશું ખરા? - સ્વાતંત્ર્યને 70 અને પ્રજાસત્તાકને 68 વર્ષ થયાં


ટુ ધ પોઇન્ટ - અજિત પોપટ

રસ્તે ચાલ્યા જતાં અચાનક ટોળું જોઇને માણસ ઊભો રહી જાય છે. નજીક જઇને જુએ છે કે શું થયું છે ? ખબર પડે છે કે કોઇ પાકિટમાર કે ચેનચોર પકડાયો છે. લોકો એની પીટાઇ કરી રહ્યા છે. હૈયા પર હાથ રાખીને સ્વીકારવાનું છે. જેનું પાકિટ કદી ન કપાયું હોય કે ન કદી ચેન ચોરાયો હોય, એવી વ્યક્તિ પણ એકાદી થપ્પડ મારી લેવા લલચાઇ જાય છે. આ છે ટોળાનો સ્વભાવ. મનોચિકિત્સકો એને મૉબ સાઇકોલોજીના કે ટોળાવાદના નામે વર્ણવે છે.

એક મિત્રે ફેસબુક પર સરસ વાત કરી કે પોતાની બહેન દીકરીઓ સાથે ભૂતકાળમાં થયેલા ગેરવર્તન અને અપમાનને રજપૂત સમાજ હજુ સુધી ભૂલી શક્યો નથી એટલે એ આક્રોશ પદ્માવત ફિલ્મ નિમિત્તે આક્રોશ બહાર આવી ગયો. આ મિત્રનું નિરીક્ષણ સાવ સાચું અને એ સ્વીકારીએ, તો પણ જાહેર સંપત્તિને થયેલા નુકસાનનો બચાવ કોઇ રીતે કરી શકાય એમ નથી. કોઇએ સરસ કહ્યંુ છે, એક ક્ષણનો ગુસ્સો, કાયમનું નુકસાન. આ નુકસાન સંપત્તિનું, આત્મીય સંબંધોનું કે બીજા ગમે તે પ્રકારનું હોઇ શકે છે.

થોડીક ધીરજની અને થોડીક સહનશક્તિની જરૃર હતી. સુપ્રીમ કોર્ટે તેમજ ફિલ્મના બંને હીરો શાહિદ કપૂર અને રણવીર સિંઘે એક કરતાં વધુ વખત જાહેર અપીલ કરી હતી કે એકવાર ફિલ્મ જુઓ. પછી નિર્ણય કરજો કે વિરોધ કરવા જેવું એમાં શું છે ? પરંતુ ટોળાવાદમાં એ અવાજ દબાઇ ગયો. અહીં ઐાર એક વાત કરવી છે.

નંદશંકર તુળજારામે લખેલી પહેલી નવલકથા કરણ ઘેલોથી માંડીને ઇતિહાસના પ્રકરણો પર નજર નાખો. મુઘલો હોય  કે વલંદા હોય કે ફ્રેન્ચ હોય કે બ્રિટિશ હોય. આ તમામ વિદેશીઓને આપણા ઘરમાં ઘુસવાનો માર્ગ આપણા જ કોઇ ભાઇએ બતાવ્યો છે.

કોઇ પ્રજાજનની બહેન-દીકરી પર રાજનબીરાની મેલી નજર પડી અને એમાંથી સર્જાયેલા ગેરવર્તનના પગલે એ કન્યાના ભાઇ કે પિતા નારાજ થયા. બદલો લેવાની માનવસહજ નબળાઇનો ભોગ બનીને એ પેટ બળ્યાએ ગામ બાળવાનો ઉદ્યમ કર્યો. વિદેશી હુમલાખોરને લઇ આવ્યો. સમગ્ર ગ્રામ સંપત્તિનો નાશ થયો અને લોકો વિદેશી હુમલાખોરના ગુલામ બન્યા એ વધારામાં.

અગાઉ એકવાર આ પ્રસંગ નોંધ્યો હતો. ઘણું કરીને પ્લાસીના યુદ્ધની વાત હતી. પોતાને રાજગાદી જોઇતી હતી એટલે સિરાજુદ્દૌલાનો સાળો મીરજાફર બ્રિટિશ નેતાઓની સાથે ભળી ગયો. પ્લાસીના યુદ્ધમાં સિરાજુદ્દૌલા હાર્યો. સિરાજુદ્દૌલાની રાજગાદી પોતાના ઇનામ રૃપે માગવા ગયેલા મીરજાફરે જ્યારે રોબર્ટ ક્લાઇવને પોતાના ઇનામની યાદ અપાવી ત્યારે ક્લાઇવે પોતાના માણસોને કહ્યું કે આને ફાયરીંગ સ્ક્વોડને સોંપી દો.

જે સગ્ગા બહેન બનેવીનો ન થયો એ આપણો શું થવાનો હતો ? અને રાજગાદીના લાલચુ મીરજાફરે જાન ગુમાવ્યો. ખેર, મુદ્દો એ હતો કે ઘરના ઘાતકી વિના આ રીતે અલ્લાઉદ્દીન ખીલજી કે બીજા કોઇ હુમલાખોર આપણા ઘર સુધી પહોંચ્યા શી રીતે ? વિચારવાનો મુદ્દો આ છે.

જે જે વિસ્તારની બસો જલાવી દેવામાં આવી એ એ વિસ્તારને વૈકલ્પિક સેવા ન મળે ત્યાં સુધી એ લોકોને અવરજવરમાં તકલીફ પડશે. એની જવાબદારી કોની ? વિરોધકર્તા સંસ્થાના નેતાએે કહ્યંુ કે અમારા નામે કેટલાક અસામાજિક તત્ત્વોએ લૂંટફાટ કરી અને વિનાશ વેર્યો. મહત્ત્વની વાત આ છે. ટોળાને જોઇને સૌથી બિહામણું અટ્ટહાસ્ય અસામાજિક તત્ત્વો કરતાં હોય છે. આવા લોકો તક જોઇને બેઠાં જ હોય છે. લાગ મળે કે તરત હથિયાર સાથે તૂટી પડે છે.

એક વ્હૉટ્સએપ મેસેજ પણ ફરતો થયેલો કે સરકારી સંપત્તિ જ્યાં દેખાય તેની તોડફોડ કરો.  અરે ભૈ, સરકારી સંપત્તિ એટલે શંુ ? મારી અને તમારી સહિયારી સંપત્તિ. આ તો લોકશાહી છે. લોકશાહીમાં સરકાર એટલે આપણા પ્રતિનિધિઓ. આપણી સૌની સહિયારી સંપત્તિ. એને તોડવાથી નુકસાન તો આપણું જ થાય છે. લાભ થતો હોય તો એ ગુંડાતત્ત્વોને થતો હોય છે.

બાય ધ વે, આ હિંસક બનાવો પાછળ કોઇ પોલિટિશ્યનનો હાથ પોલીસ તપાસમાં પુરવાર થાય તો એ પોલિટિશ્યન જે મતવિભાગનો હોય એની કને સંબંધિત મતદારોએ જવાબ માગવો જોઇએ. સંગઠિત થઇને એની કને બળી ગયેલી બસો પેટે વળતર માગવું જોઇએ અને ભવિષ્યમાં એને મત આપવાથી દૂર રહેવું જોઇએ. આવું કરવામાં ભલું આપણા સૌનું છે.

ફળોના કરંડિયામાં એક ફળ સડેલું હોય તો આખા કરંડિયાને જોખમ રહે છે. એક નેતા ભાંગફોડિયો હોય તો સમગ્ર પક્ષ કે સંસ્થાના પાયામાં લૂણો લાગી શકે છે.  આ વાત આપણે સૌ યાદ રાખીએ એવી આશા આજે રાખવી વધુ પડતી નહીં ગણાય. આજે રાષ્ટ્રપિતા ગાંધીજીની પુણ્યતિથિ છે. સબ કો સન્મતિ દે ભગવાન...

Comments