સિનેમેજિક - અજિત પોપટ
08 ડિસેમ્બર 2017, શુક્રાવર
સૂફી ગાયકોની મસ્તી અને પોતાના ગાયનમાં સ્થળ-કાળનું ભાન ભૂલીને પિયુ સ્મરણમાં જાતને ખોઇ નાખવાની તમન્ના હોય છે
આપણા સ્વાતંત્ર્ય સંગ્રામની કેટલીક ઘટનાઓ વાર્તાકારો અને ફિલ્મ સર્જકોને સદાય આકર્ષતી રહી છે. એવી એક ઘટના એટલે ૧૮૫૭નો નિષ્ફળ લશ્કરી બળવો. આ વિષય પર એેક કરતાં વધુ ફિલ્મો બની છે અને હિટ પણ નીવડી છે.
ટીપુ સુલતાન, ઝાંસી કી રાની લક્ષ્મીબાઇ, વગેરે પાત્રો અને રંગ દે બસંતી ચોલા જેવાં ગીતો આપણા ફિલ્મ સર્જકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યાં છે. ૧૯૪૭ પછી લગભગ દરેક દાયકે આ વિષયને કેન્દ્રમાં રાખીને ફિલ્મો બની છે. એવી એક ફિલ્મ એટલે ૧૯૭૮માં શ્યામ બેનેગલ નિર્દેશિત ઝુનૂન. આ ફિલ્મ જરાક જુદી રીતે મહત્ત્વની છે. મૂળ રસ્કિન બોન્ડની કાલ્પનિક નવલકથા અ ફ્લાઇટ ઑફ પિજ્યન્સ પરથી ૧૮૫૭ના બળવાના બેકગ્રાઉન્ડ સાથે શ્યામે આ ફિલ્મ બનાવેલી.
નિર્માતા શશી કપૂર હતા અને શશી કપૂર ઉપરાંત એની પત્ની જેનિફર, શબાના આઝમી, નસીરુદ્દીન શાહ, ટોમ ઓલ્ટર, નફીસા અલી, કૂલભૂષણ ખરબંદા અને સૂત્રધાર તરીકે અમરીશ પુરી જેવા ધુરંધરો આ ફિલ્મમાં હતાં. બોક્સ ઑફિસ પર આ ફિલ્મને આજના ધોરણ મુજબ કદાચ હિટ નહીં કહી શકાય. પરંતુ એને દેશ-વિદેશમાં અનેરાં સન્માન અને ડઝનબંધ એવોર્ડઝ્ મળ્યાં હતાં.
આ ફિલ્મમાં વનરાજ ભાટિયાને ચાર ગીતો સ્વરબદ્ધ કરવાની તક મળી હતી. આ તકને પણ તેમણે યાદગાર બનાવી દીધી હતી. આવી ફિલ્મો એના સર્જકની, ગીતકારની, કોસ્ચ્યુમ ડિઝાઇનરની, સેટ ડિઝાઇનરની અને સંગીતકારની કસોટી કરતી હોય છે કારણ કે ચોક્કસ સમયગાળાના માહૌલને દર્શક સમક્ષ ખડો કરવો પડે. મુઘલે આઝમ, અનારકલી, ઉમરાવજાન વગેરે ફિલ્મો એવો માહૌલ સર્જીને આપણને મુગ્ધ કર્યા હતા. ઝનૂનમાં ચાર ગીતો હતાં અને ચારે ગીતો અનોખાં હતાં.
આમ કહેવા પાછળ પણ આ એક સચોટ કારણ છે. તમે પ્રવાસ પર્યટન અથવા સૂફી સંગીતના ચાહક હો તો હજરત નિઝામુદ્દીન ઔલિયાના શિખ્ય શાયર ગીતકાર સંગીતકાર અમીર ખુસરોનાં નામથી જરૃર પરિચિત હશો.
આપણી પ્રેમલક્ષણા ભક્તિની જેમ સૂફીઓ પણ પરમાત્માને આશિક (પુરુષ ) અને જીવને માશુકા-પ્રિયતમા ગણે છે. અમીર ખુસરોનું એક પદ ભારેખમ કાયા ધરાવતા નુસરત ફત્તેહ અલી ખાન ગાતા. તમને યાદ હશે- 'ખુસરો રૈન સુહાગ કી, મૈં જગી પી કે સંગ, તન મોરા, મન પિયા કા, જો દોનોં એક હી રંગ... ' આ ભાવનાને આપણી મેવાડની રાજરાણી ભક્ત કવયિત્રી મીરાંએ જુદી રીતે કહી છે- 'લાલી મેરે લાલ કી, જિત દેખું ઉત લાલ, લાલી દેખન મૈં ગયી, તો મૈં ભી હો ગયી લાલ...' આ ફિલ્મના ઔર એક ગીતમાં પણ મીરાં યાદ આવી જાય.
સંગીતની વાત કરવા પહેલાં આ વાત પૂરી કરી લઇએ. આ ફિલ્મમાં ઔર એક ગીત મુહમ્મદ રફીના કંઠમાં છે- 'ઇશ્કને તોડી સર પે કયામત... ' એની સાથે ફરી મીરાંના એક સુભાષિતને મૂકી શકાય-'જો મૈં ઐસા જાનતી કે પ્રીત કિયે દુઃખ હોય, નગર ઢંઢોરા પીટતી કે પ્રીત ન કરીયો કોઇ...'
શ્યામ બેનેગલની ઝુનૂનમાં હજરત અમીર ખુસરોની સૂફી રચનાને ઉસ્તાદ જમીલ અહમદે પોતાની વિશિષ્ટ સૂફી શૈલીમાં ગાઇ હતી. આ જમીલ અહમદ એ પાકિસ્તાનવાળા સૂફી ગાયક કે રામપુર-સહસવાન ઘરાનાના એ વિશે આ લેખક અજાણ છે.
રામપુર સહસવાન ઘરાનાના હાલના ઉસ્તાદ પદ્મશ્રી રાશીદ ખાનને એકાદ બે વાર પૂછેલું પરંતુ એ પ્રતીતિજનક જવાબ આપી શક્યા નહોતા. એટલે બહેતર એ છે કે આપણે આ રચનાને માણવી. યુ ટયુબ પર તમે એને માણી શકો.
અંતરના વલોણામાંથી હજરત અમીર ખુસરોએ જે રીતે શબ્દોને બહેલાવ્યા છે એ રીતેજ અહીં વનરાજ ભાટિયાએ સ્વરોને ઝંકૃત કર્યા છે અને જમીલ અહમદે પણ સૂફી ગાયકોની તૈયારીથી આ રચનાને જીવંત કરી છે.
સૂફી ગાયકો માટે ગાયન એ મનોરંજનનું નહીં પણ ઇબાદત (ભક્તિનું) સાથન છે. સૂફી ગાયકોની મસ્તી અને પોતાના ગાયનમાં સ્થળ-કાળનું ભાન ભૂલીને પિયુ સ્મરણમાં જાતને ખોઇ નાખવાની તમન્ના હોય છે. પ્રત્યેક શબ્દ અને સ્વરમાં તલ્લીન થઇ જવાની જે ખૂબી આ ગાયકોમાં હોય છે એ બહુ ઓછા ગાયકોમાં જોવા મળે. ક્યારેક આ સૂફી ગાયકો ગાતાં ગાતાં ઊભા થઇને નૃત્ય કરવા માંડે છે.
આશુતોાષ ગોવારીકરની ફિલ્મ જોધા અકબરમાં ખ્વાજા મેરે ખ્વાજા ગવાય છે ત્યારે ખુદ અકબર ઊભો થઇને સૂફી ડાન્સ્ કરવા માંડે છે એ દ્રશ્ય તમે યાદ હશે. જમીલ અહમદના કંઠે ખુસરો રૈન સુહાગ કી...' સાંભળો ત્યારે તમને પણ ખ્યાલ આવે કે સંગીતકાર તરીકે વનરાજે સૂફી સંગીતને કેટલી હદે આત્મસાત કર્યા બાદ પોતાની તર્જ તૈયાર કરી હશે.
(ક્રમશઃ)
Comments
Post a Comment