ટુ ધ પોઇન્ટ - અજિત પોપટ
નક્કી આપણે કરવાનું છે કે આપણને કેવી સરકાર અને કેવું વહીવટી તંત્ર ખપે છે. કાઉન્ટ ડાઉન શરૃ થઇ ચૂક્યું છે. આજે છે પાંચમી ડિસેંબર. બરાબર ચાર દિવસ પછી ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કાના મતદાનનો આરંભ થશે.
દરેક રાજકીય પક્ષ અને નેતા છાતી ઠોકીને પોતાનોજ વિજય થવાનો છે એેવી મીઠી ભ્રમણામાં રાચતા હશે. કેટલાક ઉમેદવારના બ્લડ પ્રેસર વધી ગયા હશે અથવા વધી જવાની તૈયારીમાં હશે. ધાર્યા કરતાં આ વખતની ગુજરાતની ચૂંટણીએ સારી એવી ઉત્તેજના જગાડી છે. હવે ખરી કસોટી આપણી શરૃ થાય છે. મતદાર જાગ્રત હોય તો નેતાઓની લાસરિયાવૃત્તિને બ્રેક લાગે.
આપણા અધિકાર માટે અને સુચારુ વહીવટ માટે આપણે સૌૈ સભાન છીએ એ આપણે સૌએ પુરવાર કરવાનું છે. એક સમય હતો જ્યારે યથા રાજા તથા પ્રજા એમ કહેવાતું હતું. આજે પરિસ્થિતિ બદલાઇ ચૂકી છે. આજે તો યથા પ્રજા તથા રાજા જેવી સ્થિતિ છે. નક્કી આપણે કરવાનું છે કે આપણને કેવી સરકાર અને કેવું વહીવટી તંત્ર ખપે છે.
છેલ્લાં ઘણાં વરસોથી ગુજરાતમાં બિનકોંગ્રેસી શાસન રહ્યું છે. બે મુદત સુધી મુખ્ય પ્રધાન રહી ચૂકેલા અને પોતાને (સીએમ) કોમન મેન ગણાવતા નેતા અત્યારે વડા પ્રધાન છે. કેન્દ્રમાં અને રાજ્યમાં બંને સ્થળે તેમના પક્ષનું શાસન છે. વડા પ્રધાન અને રાષ્ટ્રપતિ મોકલનારા મનાતા ઉત્તર પ્રદેશમાં પણ તેમના પક્ષનું શાસન છે.
એ શાસન કેવુંક છે અને કોમન મેનને એ શાસનથી કેટલો સંતોષ-અસંતોષ છે એ દર્શાવવાની તક નવમી અને ચૌદમી ડિસંેબરે આપણને સૌને મળશે. હૃદયસ્પર્શી ભાષણોથી લાગણીવશ થઇ જવાની જરૃર નથી. ક્ષણિક આવેશમાં આવીને વોટિંગ કરવાનો આ સમય નથી. આ વખતની ચૂંટણી બંને મોટા પક્ષો માટે જીવન-મરણના સવાલ જેવી બની રહી છે.
અગાઉ લગભગ આખા દેશમાં કોંગ્રેસનું શાસન હતું ત્યારે વિપક્ષોની જે સ્થિતિ હતી એવી અત્યારે કોંગ્રેસની છે એટલે સ્વાભાવિક રીતેજ કોંગ્રેસ અકળાયેલી છે. બીજી બાજુ શાસક પક્ષમાં આત્મવિશ્વાસનો અતિરેક દેખાય છે.
કોઇ પણ જંગનો પાયાનો નિયમ એવો છે કે હરીફને ક્યારેય નબળો ગણીને અખાડામાં ઊતરવું નહીં. એક નાનકડી કીડીનો ચટકો હાથીને ધૂ્રજાવી શકે છે. ૧૯૭૭ની ચૂંટણીમાં સદા અજેય ગણાતાં ઇંદિરા ગાંધી સંસદીય ચૂંટણી હારી ગયાં હતાં.
અત્યારે ઇંદિરાજીનો વિકલ્પ બની શકે એવો કોઇ નેતા કોંગ્રેસમાં દેખાતો નથી. તો ભાજપમાં વડા પ્રધાનની બરાબરી કરી શકે એેવો કોઇ સબળ નેતા ધોળે દિવસે દીવો લઇને ગોત્યો જડતો નથી.
મૈં મૈં તૂ તૂની બાબતમાં બંને પક્ષો સરખા સાબિત થયા છે. કોઇના વખાણ કરી શકીએ એવો માહોલ જ નથી. આ સંજોગોમાં કસોટી ઉમેદવારોની નહીં, મતદારોની થવાની છે. ખૂબ સ્વસ્થતાથી વિચારીને, કોઇ પક્ષ કે નેતાથી દોરવાઇ ગયા વિના અને જરાય ભય-દહેશત સેવ્યા વિના મત આપવાનો છે. મતદાન એક બહુ મોટી જવાબદારી છે. જેેને પોતાનો અધિકાર જોઇતો હોય તેણે ફરજ બજાવવાની પણ તૈયારી રાખવી પડે. મતદાન આપણા સૌની પવિત્ર ફરજ બની રહે છે.
આપણું ભાવિ આપણે જાતે ઘડવાનું છે. બાવળ વાવીને કદી આંબા મળતાં નથી એ વડીલવાક્ય યાદ રાખવાની જરૃર છે. સોશ્યલ મિડિયા પર જાતજાતના પ્રચાર થયા છે. એ ભ્રામક પ્રચારે દોરવાઇ ગયા તો ગયા કામથી. મતદારે પોતાની જાતને સવાલ કરવાનો છે.
કયો ઉમેદવાર સૌથી વધુ યોગ્ય છે ? સાઇકલ પર આવીને રોલ્સરૉય્ઝમાં ફરતા થઇ ગયેલા નેતાઓની કમી નથી. પોલીસ ચોપડે ડઝનબંધ અપરાધો નોંધાયેલા હોય એવા પણ ઘણા છે. એ બધાંમાંથી પસંદગી કરવાનું ખૂબ મુશ્કેલ જેવું લાગે. એક મુદ્દે બધા પક્ષો સંગઠિત છે.
ઇવન સુપ્રીમ કોર્ટે આ અંગે રજૂ થયેલી અરજી નકારી કાઢી છે અને કહ્યંુ છે કે ગુનો પુરવાર થયા બાદ સજા ભોગવી ચૂકેલા નેતાને ચૂંટણી લડવા દેવી કે નહીં એ સંસદે નક્કી કરવાનું છે. એટલે હવે, પોળમાં, સોસાયટીમાં કે તમારા વિસ્તારમાં થતી ગોસિપ ચર્ચાથી દોરવાઇ જવાની પણ જરૃર નથી. જાતે નક્કી કરવાનું છે. કંઇ ન સૂઝે તો નોટા નામનો 'વીટો પાવર' આપણી કને છે જ.
Comments
Post a Comment