સિનેમેજિક - અજિત પોપટ
29 ડિસેમ્બર 2017, શુક્રાવર
ગુવાહાટીમાં એક સ્ટેજ પ્રોગ્રામમાં ઝુબીનને આયોજકોએ સ્ટેજ પરથી ઊતારી દીધો હતો
એક ટોચના વાર્તાકારે એક ઇન્ટરવ્યૂમાં સરસ તથ્ય રજૂ કરેલું. તેમણે કહ્યું, કોઇ પણ યુગમાં ટીનેજર્સને બે પ્રકારની વાતો વધુ ગમે છે- સેક્સ અને અપરાધ. યૂરોપ અમેરિકામાં પણ અપરાધીઓ વિશે ઘણી ફિલ્મો બની અને સુપરહિટ નીવડી પણ ખરી.
આપણે ત્યાં પણ નવા મિલેનિયમમાં સામાજિક અને કોસ્ચ્યુમ ફિલ્મોની તુલનાએે ક્રાઇમ પ્લસ રોમાન્ટિક ફિલ્મો વધુ બનવા માંડી. ૨૦૦૬ના એપ્રિલમાં એવી એક ફિલ્મ રજૂ થઇ- ગેંગસ્ટર. એક અહેવાલ મુજબ રીઢા અપરાધી અબુ સાલેમ અને એની પ્રિયતમા અભિનેત્રી મોનિકા બેદીની લવ સ્ટોરી પર આ ફિલ્મની કથા આધારિત હતી.
ઇમરાન હાશમી, કંગના રનૌત અને પાછળથી પોતાની નોકરડી પર કહેવાતા બળાત્કાર માટે જેલની સજા ભોગવનારા અભિનેતા શાઇની આહુજા આ ફિલ્મના મુખ્ય કલાકારો હતાં. કંગનાની આ પહેલી-ડેબ્યુ ફિલ્મ હતી. બોક્સ ઑફિસ પર આ ફિલ્મ હિટ નીવડી હતી. નિર્માતા મહેશ ભટ્ટ અને નિર્દેશક અનુરાગ બસુની આ ફિલ્મમાં પાંચ ઓરિજિનલ અને ચારેક રિમિક્સ ગીતો હતાં. આપણે એની ફક્ત ઊડતી ઝલક મેળવીએ.
સૂફી ટાઇપનું એક ગીત કૈલાસ ખેર ગાવાનો હતો પરંતુ એની ઇન્ટરનેશનલ ટુર આવી પડતાં એના કંઠે આપણને એ ગીત સાંભળવા મળ્યું નહીં. આ ફિલ્મમાં સંગીતકાર પ્રીતમે એક બંગાળી બેન્ડના લોકપ્રિય ગીતનું પોતાની રીતે સંવર્ધિત રૃપાંતર લીધું હતું. કોલકાતામાં એ દાયકામાં મોહિનેર ઘોરાગુલી (મોહિનના ઘોડા) નામે બેન્ડ હતું.
આ બેન્ડને ભારતનું પહેલું જાઝ બેન્ડ ગણવામાં આવે છે. આ બેન્ડ બંગાળી પ્રજામાં સૌથી માનીતા એવા બાઉલ તરીકે ઓળખાતા લોકસંગીત સાથે વિદેશી જાઝ મ્યુઝિક ભેળવીને એક પ્રકારનાં ફ્યૂઝન ગીતો રજૂ કરવા માટે પંકાયેલું હતું.
એના એક હિટ ગીતને પ્રીતમે પોતાની રીતે રજૂ કર્યુ ંહતું. જો કે બીજા પણ કેટલાક કલાકારોએ આ ગીતને પોતાની રીતે બહેલાવ્યું હતું. પ્રીથિબીતા નાકી છોટો હોતે હોતે...મુખડું ધરાવતા આ ગીતમાં ટેલિવિઝને આધુનિક માનવજીવન પર કેવી નકારાત્મક અસર કરી છે એની વાત હતી. પ્રીતમે આ ગીતની તર્જને પોતાની આગવી રીતે રિમિક્સ કરીને ભીગી ભીગી હૈ યે હવાયેં ફિર ભી જલે ક્યોં મેરા તન, તન યે મન કી બાત ન માને, દિલ કી સુને ના યહ ધડકન...ગીત રજૂ કરેલું.
જેમ્સ નામના ગાયક કને ગવડાવેલા આ ગીતને ટીનેજર્સ ફિલ્મ રસિકો તરફથી સારો આવકાર મળ્યો હતો.
અહીં એક આડવાત. ૧૯૫૦ના દાયકામાં સી રામચંદ્ર અને ઓ પી નય્યર, પછીના દાયકે આર ડી બર્મન અને એ પછી પ્રીતમ... આ દરેક દાયકાના સંગીતકાર પર ઊઠાંતરીના આક્ષેપો થયેલા. અન્ય સંગીતકારોની તો ખબર નથી પરંતુ પ્રીતમે એક ઇન્ટરવ્યૂમાં સ્વીકાર કર્યો હતો કે મેં કેટલીક તર્જોમાં હિટ વિદેશી અને ભારતના વિવિધ પ્રદેશનાં ગીતોમાંથી પ્રેરણા લીધી હતી.
પ્રીતમે એમ પણ કહેલું કે મેં ભૂલ કરી હતી.કોઇ પણ ગીતની સીદ્ધેસીદ્ધી ઊઠાંતરી શક્ય હોતી નથી. ખુદ એ આર રહેમાને પોતે આ વાત જુદી રીતે કહી હતી. એણે કહ્યું કે અમુક ગીત સંગીત તમારા પર એવી ભૂરકી છાંટે છે કે એક યા બીજા તબક્કે અજાણતામાં તમે એની અસર હેઠળ કંઇક સર્જન કરો છો...
જે ગીત વધુ ગમ્યું એ યા અલી સૂફી રોમાન્સની વાત કરે છે. યા અલી યા અલી, તેરી યાદોં ને તન્હા ના છોડા કહીં... આ શબ્દો ઇશ્ક-એ-હકીકી અને ઇશ્ક-એ-મજાજી એટલે કે દૈવી પ્રેમ અને સાંસારિક પ્રેમ બંનેને સરખે હિસ્સે લાગુ પડે છે. કૈલાસ ખેરે ગાયું હોત તો કેવું હોત એની કલ્પના કરવી મુશ્કેલ છે. પરંતુ ઝુબીન ગર્ગે એને દિલથી બહેલાવ્યું હતું.
ઝુબીન આસામનો ગાયક અભિનેતા હતો. એણે હિન્દી ફિલ્મોમાં નસીબ અજમાવવા સારો પુરુષાર્થ કર્યો. જો કે ગુવાહાટીમાં એક સ્ટેજ પ્રોગ્રામમાં એને હિન્દી ગીતો ગાતો રોકવા આયોજકોએ સ્ટેજ પરથી ઊતારી દીધો હતો. એક તબક્કે એને ઉલ્ફા નામની આતંકવાદી સંસ્થાએ હિન્દી ગીતો ગાઇશ તો તારી ખેર નથી એવી ધમકી સુદ્ધાં આપી હતી.
કેટલેક અંશે એમ કહી શકાય કે એની કારકિર્દી અકાળે મૂરઝાઇ ગઇ. બાકી એ ચાલુ વર્ષના જાન્યુઆરીમાં અભિનેતા ડાયરેક્ટર તરીકે હિન્દી ફિલ્મ ચક્ર બનાવવાનો હતો. ખેર, અત્યારે તો એ માત્ર નવાં ગીતોના આલ્બમ બનાવી રહ્યો હોય એવું લાગે છે.
રહી વાત ગેંગસ્ટરનાં અન્ય ગીતોની. કેકે અને પ્રીતમે પોતે ગાયેલું તૂ હી મેરી શબ હૈ, સૂબહ હૈ તૂ હી દિન હૈ મેરા, તૂ હી મેરા રબ હૈ, જહાં હૈ તૂ હી મેરી દુનિયા... પ્રેમમાં ડૂબેલા માણસના દિલની વાત રજૂ કરતું આ ગીત પણ સાંસારિક અને દિવ્ય બંને પ્રેમને લાગુ પાડી શકાય એવું બન્યું હતું.
(ક્રમશ:)
Comments
Post a Comment