ટુ ધ પોઇન્ટ - અજિત પોપટ
છેલ્લા થોડા દિવસથી વ્હૉટસ્ એપ પર સતત એક સંદેશો ફરતો થયો છે. કદાચ તમને પણ મળ્યો હશે. તમારા બેંક ખાતામાં મુકેલા પૈસા કેટલી હદે સલામત છે એવો આ સંદેશાનો સાર છે. સંસદના શિયાળુ સત્રમાં કેન્દ્ર સરકાર એક પ્રસ્તાવ રજૂ કરવાની છે જેને ટૂંકમાં એફઆરઆઇડી (ફાઇનાન્સિયલ રિઝોલ્યુશન એન્ડ ડિપોઝિટ ઇન્સ્યોરન્સ) પ્રસ્તાવ તરીકે ઓળખાવાયો છે.
એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે એવી દહેશત વ્યક્ત કરી હતી કે આ પ્રસ્તાવ સંસદનાં બંને ગૃહોમાં મંજૂર થઇ જાય તો કરોડો ખાતેદારોની ડિપોઝિટ ડૂલ થવાની શક્યતા વધી જશે. આ પ્રસ્તાવ વિશેસ વધુ વાત કરવા અગાઉ અહીં એક બે મુદ્દા સ્પષ્ટ કરીએ. સરકારી પ્રસ્તાવના સમર્થનમાં ગયા ગુરુવારે ૨૧ ડિસેંબરે એક પ્રતિષ્ઠિત અંગ્રેજી અખબારમાં રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાના બબ્બે ભૂતપૂર્વ ડેપ્યુટી ગવર્નરનાં લખાણ પ્રગટ થયેલા.
ઉષા થોરાતે આ અંગ્રેજી અખબારના ઓપ-એડ પેજ તરીકે ઓળખાતા સેન્ટર સ્પ્રેડમાં પોતાની બાયલાઇન સાથે એક લેખ લખેલો. તો બીજા પૂર્વ ડેપ્યુટી ગવર્નર જ્યોર્જ મેથ્યુનો આ મુદ્દે ઇન્ટરવ્યૂ સંબંધિત અખબારે પ્રગટ કર્યો હતો. યોગાનુયોગે એ જ દિવસે આવેલા એક વ્હૉટ્સ એપ સંદેશામાં મધ્યમ કક્ષાની પંદરેક બેંકો ત્રણ મોટી બેંકોમાં વિસર્જિત થવાની વાત હતી.
આટલી પ્રસ્તાવના બાદ હવે મુદ્દા પર આવીએ- હાલ ભાગેડુ જાહેર થયેલા અને ઇંગ્લેંડમાં મોજ કરતા વિજય મલ્લાયાએ કરેલું કરોડોનું કૌભાંડ કે ૨૦૦૧માં પ્રગટ થયેલું કેતન પારેખ કૌભાંડ. બંનેમાં એક સમાનતા હતી: બંને વ્યક્તિએ બેંકના અધિકારીઓ સાથેની મીલીભગતના પગલે આ કૌભાંડો કર્યાં હતાં.
એફઆરઆઇડી પ્રસ્તાવની વિરુદ્ધ લખતાં ઓલ ઇન્ડિયા બેંક એમ્પલોયીઝ એસોસિયેશનના વાઇસ પ્રેસિડેન્ટ વિશ્વાસ ઉતાગીએ એક સૂચક વાક્ય કહેલું, ઇફ ધ બિલ ઇઝ પાસ્ડ, ધ ટ્રસ્ટ વીલ બી લોસ્ટ.. (આ પ્રસ્તાવ પસાર થઇ જશે તો ખાતેદારોનો બેંકો પરનો વિશ્વાસ તૂટી જશે..) આ ખરડામાં એક મુદ્દો એવો છે કે મલ્લાયા કે કેતન પારેખ જેવા કોઇ લેભાગુના કારણે બેંક ફડચામાં જાય એવી પરિસ્થિતિ સર્જાય તો ખાતેદારોનાં નાણાં બેંકને ઊગારવા માટે વાપરી શકાશે... ન સમજાયું હોય તો ફરી વાંચજો. બહુ મોટો વિસ્ફોટ સર્જે એવો આ મુદ્દો છે.
ધારો કે અત્યારે વિવિધ બેંકોમાં ૬૦થી ૭૦ કરોડ લોકોનાં ખાતાં છે. કોઇ બેંક એના કર્માચારની મીલીભગતના કારણે મોટી આર્થિક ખોટ ભેગવવાની સ્થિતિમાં આવી જાય તો મારા તમારા પૈસા એ બેંકને ઊગારવા માટે સરકાર વાપરી શકે એવી આ જોગવાઇ છે.
૨૦૧૯ની સંસદીય ચૂંટણીને તો હજુ વાર છે. પરંતુ જાગ્રત મતદાર તરીકે આપણે સૌએ અત્યારેજ સાબદા થઇ જવાની જરૃર છે. કેતન પારેખ કૌભાંડના પગલે જે બેંકો કાચી પડી એેમાં જ્હૉન સેમ્યુઅલ નામના ખાતેદાર અને એના પરિવારના દસ લાખ રૃપિયા જમા હતા.એને ફક્ત ત્રણ લાખ પાછા મળ્યા. આ તો નરી નાઇન્સાફી હતી.
કૌભાંડ કરે કેાઇ અને એનાં દુષ્પરિણામો ભોગવે કોઇ. વિશ્વાસ ઉતાગીએ બહુ સમજદારીની વાત કરી છે કે પોતાના સંકટ સમયે બેંક ખાતેદારોના પૈસાનો મનસ્વી (કે તરંગી ) રીતે ઉપયોગ કરી શકશે. આ મુદ્દા અંગે મતદારોએ જાગ્રત રહીને સંગઠિત થવાનું છેે. મોદી સરકાર બીજું બધું ભલે ખોટું કરે, નાગરિકોના બેંકમાં પડેલા પૈસાનું કોઇ પણ ભોગે રક્ષણ થવું જ જોઇએ.
નહીંતર બેંકોની જરૃર શી છે ? અહીં પ્રખર ગાંધીવાદી નેતા મોરારજી દેસાઇ યાદ આવે છે. એમણે ૧૯૬૦ના દાયકાના ઉત્તરાર્ધમાં ત્યારના વડા પ્રધાન ઇંદિરા ગાંધીને ચેતવેલા કે બેંકોનંુ રાષ્ટ્રીયકરણ ન કરો. ઇંદિરાજી માન્યાં નહીં અને બેંકોને સરકારી બનાવી દીધી.
હકીકત એ છે કે બેંકો ખાનગી માલિકીની રહી હોત તો ખાતેદારોને જવાબદાર રહેવાની એમને ફરજ પડી હોત. ધારો કે દેવકરણ નાનજી (દેના) બેંક. કોઇ સરતચૂક કે ગફલત થાય તો ખાતેદારો બેંકના સંચાલકો પાસે જવાબ માગી શકે અથવા તેમની સામે ક્રિમિનલ કેસ કરી શકે. ઇંદિરાજીએ આમ નાગરિકની એ સત્તા ખૂંચવી લીધી. હવે ભાજપ સરકાર એથી પણ એક ડગલું આગળ વધીને ખાતેદારોને ઠંડે પાણીએ નવરાવવાની કવાયત આદરી રહી છે.
હકીકતમાં કરોડો રૃપિયા ગુપચાવનારા લોકો સાથે મીલીભગત કરનારા બેંક અધિકારીને આકરી સજા થવી ઘટે અને જરૃર પડયે એમની સંપત્તિ જપ્ત કરીને બેંકે ગુમાવેલાં નાણાં પાછાં મેળવવાના પ્રયાસો થવા જોઇએ. એફઆરઆઇડી ખરડામાં તો ચોર કોટવાલને દંડે એવી જોગવાઇ છે. ખુદ મોદી સરકારના નાણાં ખાતાએે પ્રગટ કરેલી વિગતો મુજબ ૨૦૧-૬-૧૭માં બેંકો સાથે ૧૬,૭૮૯ કરોડની છેતરપીંડી થઇ છે.
બેંક સ્ટાફની સંડોવણી વિના આ શક્ય છે ? વિચારજો.માણસે જીવનભર ખૂનપરસેવો રેડીને ભેગા કરેલા રૃપિયા બેંકમાં મૂક્યા હોય અને એ ચવાઇ જાય તો પેલાએ આપઘાત કરવા સિવાય કોઇ આરો વારો રહે ખરો ? પ્રજાએ સંગઠિત થવાની જરૃર છે. થોડામાં કહ્યું છે, ઝાઝું કરીને વાંચજો વીરા...
Comments
Post a Comment