વનરાજ ભાટિયા અને સિનિયર સંગીતકાર નૌશાદ વચ્ચે એક સરસ સમાનતા હતી

સિનેમેજિક - અજિત પોપટ
22 ડિસેમ્બર 2017, શુક્રાવર

ભારતીય શાસ્ત્રોક્ત સંગીત, વિવિધ પ્રદેશોના લોકસંગીત અને ક્વચિત્ પાશ્ચાત્ય સંગીત એમ વૈવિધ્ય જાળવી રાખનારા સંગીતકાર-શાયર-વાર્તાકાર નૌશાદ અલી વિશે તમે પૂરતું જાણતાં હો તો તમને જરૃર આ વાત યાદ હશે. એમણે એક કરતાં વધુ વખત કહ્યું હતું કે મારા સંઘર્ષના દિવસોમાં મને કલકત્તાના ન્યૂ થિયેટર્સમાં બનતી ફિલ્મોના સંગીતનું અનેરું આકર્ષણ હતું.

રાયચંદ બોરાલ, તિમિર બરન અને પંકજ મલિકનું સંગીત અમને સંમોહિત કરી નાખતું. હું ક્યારે આવું સંગીત પીરસી શકીશ એ વાતે મને સતત અજંપો રહેતો... છેલ્લા થોડાક એપિસોડથી આપણે જેમની વાત કરી રહ્યા છીએ એ વનરાજ ભાટિયા એ રીતે નૌશાદ સાથે સમાનતા ધરાવે છે.

એમણે એક મુલાકાતમાં કહેલું, 'કલકત્તાના ન્યૂ થિયેટર સ્ટુડિયોમાં સર્જાતું સંગીત મને પ્રિય હતું-આર સી બોરાલ, પંકજ મલિક...કે એલ સાયગલની બધી ફિલ્મો...એમાંય આર સી બોરાલનંુ સંગીત તો અલૌકિક હતું. (મૂળ વાક્ય કંઇક આ પ્રકારનું હતું- બોરાલ્સ મ્યુઝિક ઇઝ આઉટ ઑફ ધીસ વર્લ્ડ...) એમના સાઉન્ડટ્રેક્સની મારા વિચારો પર ખૂબ ઊંડી અસર પડી હતી.

અહીં સંગીત રસિક વાચક વિચારી શકે છે. સંગીતની ઘેલછાને કારણે સ્કૂલ કે કૉલેજના ઔપચારિક શિક્ષણથી વંચિત રહેલા અને લખનઉના અત્યંત રૃઢિચુસ્ત મુસ્લિમ પરિવારના નબીરા નૌશાદ અલી એક તરફ. મુંબઇના ધનાઢ્ય કચ્છી ભાટિયા વેપારી પરિવારના નબીરા અને કાલા ઘોડા સામેની એલફિન્સ્ટન કૉલેજમાં ગ્રેજ્યુએટ થયેલા અને કડકડાટ અસ્ખલિત અંગ્રેજી બોલી શકતા વનરાજ ભાટિયા. લંડનની રૉયલ એકેડેમી ઑફ મ્યુઝિકમાં પાશ્ચાત્ય સંગીતના સ્નાતક થયા પછી પેરિસમાં પાશ્ચાત્ય સંગીતનો વધુ ઊંડો અભ્યાસ કરનારા વનરાજ ભાટિયા.

આ બંને સંગીતકારો ઉત્તર દક્ષિણ જેવા લાગે. પરંતુ બંને પર કલકત્તાના સંગીતનો ઊંડો પ્રભાવ. આ સમાનતા ખરેખર વિસ્મયજનક છે. ઐાર એક સમાનતા છે. નૌશાદ સાહેબ ફિલ્મ ઉદ્યોગમાં પ્રવેશ્યા ત્યારે ૧૦૦માંથી ૯૭-૯૮ સાજિંદા ગોવાનીઝ ક્રિશ્ચન હતા. એ લોકોનો પ્લસ પોઇન્ટ એ હતો કે અંગ્રેજી સ્ટાફ નોટેશન લખી-વાંચી શકતા અને અન્ય વ્યક્તિએ લખેલી કોપી જોઇને પોતાનું વાજિંત્ર વગાડી શકતા.

એ લોકોની વચ્ચે રહીને ખપ પૂરતું અક્ષરજ્ઞાાન ધરાવતા નૌશાદસાહેબે સ્ટાફ નોટેશન લખતાં, વાંચતાં અને જોઇને વગાડતાં શીખી લીધું. બીજી બાજુ વનરાજ તો અંગ્રેજીના ખાં એટલે સ્ટાફ નોટેશન તો એમને માટે ચપટી વગાડવા જેવો ખેલ.

રાયચંદ બોરાલ અને પંકજ મલિક જેવાથી પ્રભાવિત હોવા છતાં આ બંને સંગીતકારોએ કરેલાં કામને જુઓ તો નવાઇ લાગે. નૌશાદના સંગીતમાં પાશ્ચાત્ય સંગીતની અસર નહીં જેવી. વનરાજના સંગીતમાં ભારતીય અને પાશ્ચાત્ય બંને સંગીતનો દૂધ-સાકર જેવો સમન્વય. ભલે ફિલ્મ સંગીતમાં વનરાજ નૌશાદની તુલનાએે બહુ મોડા આવ્યા.

એ સમયગાળો એવો હતો જ્યારે ફિલ્મ સંગીતના સુવર્ણયુગનો લગભગ અસ્ત થવા આવ્યો હતો અને નૌશાદની સંગીતકાર તરીકેની કારકિર્દીનો સૂર્ય પણ અસ્તાચળે જવાની તૈયારીમાં હતો. આવા સંધિકાળ જેવા સમયે આવીને વનરાજ ટકી ગયા એટલું જ નહીં, પણ સિનિયર સંગીતકારોએ પણ જેની નોંધ લેવી પડે એવું કામ કરી બતાવ્યું.

એ જેવી તેવી સિદ્ધિ નહીં ગણાય.  ઔર એક રસપ્રદ મુદ્દો, નૌશાદે મોટે ભાગે એ આર કારદાર, મહેબૂબ ખાન, કે આસિફ અને વિજય ભટ્ટની ફિલ્મો વધુ કરી. વનરાજે શ્યામ બેનેગલ અને ગોવિંદ નિહાલાનીની ફિલ્મોને સ્વરોથી સજાવી.  

વચ્ચેની છેલ્લી સમાનતા આ રહી-૧૯૩૬-૩૭થી ૧૯૭૦ વચ્ચેના સાડા ત્રણ દાયકાના સમયગાળામાં નૌશાદે રોકડી પંચાવન સાઠ ફિલ્મો કરી. વનરાજ ભાટિયાએ પણ ત્રણ સાડા ત્રણ દાયકાની કારકિર્દીમાં પોતાને રસ પડે અને કામ કરવાની મોજ પડે એવી ખૂબ થોડી કહેવાય એટલી ફિલ્મો કરી. આમ છતાં આ બંને સંગીતકારો પોતપોતાની રીતે સંગીત સર્જનમાં આગવી છાપ છોડી ગયા. જાન્યુઆરીના પ્રથમ સપ્તાહથી ફરી વનરાજની અન્ય ફિલ્મોની અને ફિલ્મેતર સંગીતની વાતો શરૃ કરીશું.

આ તો ક્રિસમસની પૂર્વસંધ્યાએ અકસ્માતે નૌશાદ (જન્મતારીખ ૨૫ ડિસેંબર) અને વનરાજ ભાટિયા (જન્મતારીખ ૩૧મી મે) વચ્ચેની સમાનતા યાદ આવી ગઇ એટલે આજના એપિસોડમાં એની વાત રજૂ કરી દીધી. આવતો શુક્રવાર મહિનાનો અને ૨૦૧૭ના વર્ષનો છેલ્લો શુક્રવાર છે એટલે આ કૉલમના નિયમ મુજબ ટીનેજર્સને રસ પડે એવા યુવાન સંગીતકાર (હાલ સંગીતકાર પ્રીતમની વાતો ચાલી રહી છે )ની વાતો ફરી તાજી કરીશું.

Comments