ટોપ્સીટર્વી - અજિત પોપટ
હજુ પંદર દિવસ પહેલાં ભારતની સુપ્રીમ કોર્ટે એક સવાલ ઊઠાવ્યો હતો. લગ્નબાહ્ય સંબંધને લગતો કાયદો છેક ૧૮૬૦માં ઘડાયો હતો. એ પછી તો ગંગાજમુનામાં ઘણાં નીર વહી ગયાં.
આ કાયદામાં રહેલી વિસંગતિઓ દૂર કરવાનો પ્રયાસ કદી કોઇ સરકારે કેમ કર્યો નથી ? સુપ્રીમ કોર્ટ આ કાયદાની જે જોગવાઇની વાત કરતી હતી એ આ હતી: એક હાથે તાળી પડે નહીં. કોઇ પણ આડો-ત્રાંસો સંબંધ સ્ત્રી-પુરુષ બંનેની સંપૂર્ણ સંમતિ વિના બંધાતો નથી, બાંધવો શક્ય જ હોતો નથી.
સુપ્રીમ કોર્ટનો સવાલ એ હતો કે આડા સંબંધ પકડાઇ જાય ત્યારે માત્ર પુરુષને સજા શા માટે ? સ્ત્રી શા માટે છટકી જાય ? આજે તો માનવજીવનનાં તમામ ક્ષેત્રોમાં સ્ત્રી પુરુષ સમોવડી થઇ ચૂકી છે. ઇવન અપરાધ જગતમાં પણ મહિલાઓની બોલબાલા છે. તો માત્ર પુરુષને સજા શા માટે ? યોગાનુયોગે આ ચર્ચા ચાલુ હતી ત્યાં સુપ્રીમ કોર્ટે વધુ એક ધડાકો કરતાં મુસ્લિમોના ટ્રિપલ તલાકને ગેરકાયદે જાહેર કર્યા.
આ સમાચાર વચ્ચે ઔર એક સમાચાર ઇન્ડોનેશિયાથી આવ્યા. જ્યાં સત્યાસી ટકા વસતિ મુસ્લિમોની છે એવા આ દેશની સુપ્રીમ કોર્ટે લગ્નબાહ્ય સંબંધોને કાયદેસર ગણાવ્યા. ઉભયલિંગી સેક્સ સંબંધો પર પણ મંજૂરીની મહોર મારી. સામાન્ય રીતે મુસ્લિમ પ્રજાના શરિયાના કાયદા કુર્રાને શરીફની આયતોના આધારે ઘડાતા રહ્યા છે. જે દેશમાં મુસ્લિમોની જ ૮૭ ટકા જેટલી વસતિ હોય ત્યાં સુપ્રીમ કોર્ટ આવો ચુકાદો આપે એ ખરેખર ક્રાન્તિકારી બાબત ગણાય.
આ લખાતું હતું ત્યારે દુનિયાના કોઇ ઇસ્લામી યા આરબ દેશે ઇન્ડોનેશિયાની સુપ્રીમ કોર્ટના આ ચુકાદા અંગે એક હરફ પણ ઉચ્ચાર્યો નહોતો. ઇવન આતંકવાદી ગણાતા આઇએસઆઇએસના પ્રવક્તાએ પણ આ મુદ્દે કંઇ કહ્યું નહોતું. એટલે આપણને વિસ્મય થાય. ફક્ત બે ટકા ઉભયલિંગી લોકોએ ઇન્ડોનેશિયન સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી કે અમારા સંબંધોને કાયદેસર માન્યતા મળે એવું પ્લીઝ કંઇક કરો...
ઇન્ડોનેશિયન સુપ્રીમ કોર્ટમાં જૂનવાણી મુસ્લિમો વતી રજૂઆત કરનારા વકીલે દેશમાં વધી રહેલા આડા સંબંધો અંગે ઇન્ટરનેટ અને સોશ્યલ મિડિયાને જવાબદાર ગણાવીને આડા સંબંધો અને ઉભયલિંગી લગ્નો સામે અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટે એ અરજી ફગાવી દેતાં અરજદારોને કહ્યંુ કે તમે બાવા આદમના જમાનામાં રહો છો કે શું ?
આજે દુનિયા ક્યાં પહોંચી છે એનો તો ખ્યાલ કરો... આ અરીજ ફગાવી દેવામાં આવે છે...અરજદારો પોક મૂકીને કોર્ટમાં રડી પડયા એવા અહેવાલો મિડિયામાં પ્રગટ થયા હતા. પરંતુ તેમના ધગધગતા આંસુની સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચ પર કોઇ અસર થઇ નહોતી. કોર્ટે જરાય શબ્દો ચોર્યા વિના કહ્યું હતું કે મુક્ત સમાજમાં સૌને પોતાની રીતે જીવવાનો અધિકાર છે. એ અધિકાર અમે છીનવી લઇ શકીએ નહીં.
અહીં ઔર એક મુદ્દો યાદ કરવો જોઇએ. થોડાં વરસો પહેલાં ગુજરાત રાજ્યમાં લગ્નબાહ્ય સંબંધોને 'મૈત્રીકરાર' જેવું રૃપાળું નામ આપીને ચગાવવાનની ચળવળ થઇ હતી. આજે તો મૈત્રીકરારની વાતો ભૂલાઇ ચૂકી છે. પણ છાનાછપનાં સંબંધોની નવાઇ રહી નથી. ટોચના સાહિત્યકારોએ પણ કામચલાઉ ઇસ્લામ ધર્મ કબૂલીને બીજાં લગ્નો કર્યાં છે. કેટલાક લોકો છડેચોક આવા સંબંધો રાખે છે તો કેટલાક લોકો આવી વાતોને ગુપ્ત રાખવા મથતા હોય છે.
ક્યારેક કોઇ ઘટનાનું વિસ્મય કાયમ રહે છે. દાખલા તરીકે આ ઘટના- આપણા એક ટોચના અભિનેતાએ પહેલાં લગ્ન પણ પ્રેમલગ્ન કર્યાં હતાં. તાજેતરમાં બીજાં લગ્ન કરીને એક પુત્રનો પિતા થયો. બીજાં લગ્ન પણ પ્રેમલગ્ન ગણાવાયાં. રમૂજ એ વાતની થાય કે પહેલી પત્ની સાથે થયેલા પ્રેમનું શું થયું ? માણસ જીવનમાં આ પ્રકારનો પ્રેમ કેટલીવાર કરી શકે ? કેટલી વારના પ્રેમને સાચો ગણવો ? કેટલી વારના પ્રેમને કાયદેસર ગણવો ? વિચારવા જેવું છે.
Comments
Post a Comment