સફળતાના શિખર પર બિરાજતા હતાં ત્યારે તોળાઇ રહેલા સૂર્યાસ્તને ભૂલી ગયેલા....

ટુ ધ પોઇન્ટ - અજિત પોપટ

- અન્યોના જવાથી ખાલી પડેલી જગ્યાઓ નવી પ્રતિભા ભરી દે છે

આશરે પોણોસો વર્ષ પહેલાંની એક ઘટના છે. અમિતાભ બચ્ચન જેમને અભિનયની યુનિવર્સિટી કહે છે એવા દિલીપ કુમાર સાથે બનેલી વાત છે. મુંબઇના માહિમ વિસ્તારમાં આવેલી મખદૂમ બાબાની દરગાહ પર વાર્ષિક ઉર્સ યોજાયો હતો.

એ નિમિત્તે દિલીપ કુમાર સૂફી સંતને સલામ કરવા જઇ રહ્યા હતા. આવા પ્રસંગે બને છે એમ દરગાહના દરવાજે યાચકોની લાઇન લાગી હતી. અચાનક દિલીપ કુમારને સંબોધીને એક અવાજ સંભળાયો, અલ્લાહ કે નામ પે કુછ દેતે જાઇયે યુસુફ સા'બ !

દિલીપ કુમાર ચોંક્યા- મારા અસલી નામ સાથે મને કોણે બોલાવ્યો ? અવાજની દિશામાં એમની નજર પડી. એક સમયના ટોચના ગાયક, સંગીતકાર, અભિનેતા ખાન મસ્તાના (હાફિઝ ખાન મસ્તાના) હાથ લંબાવીને માગી રહ્યા હતા. દેખીતી રીતેજ દિલીપ કુમાર સ્તબ્ધ થઇ ગયા: એક સમયના પ્રસિદ્ધ અભિનેતા ગાયકની આ સ્થિતિ !

ખાન મસ્તાનાનો આ કિસ્સો તાજેતરની કેટલીક ઘટનાઓ પછી યાદ આવી ગયો.  ટચૂકડા પરદે રાજ કરી ચૂકેલી બે અભિનેત્રીઓએ વારાફરતી જાહેર અપીલ કરી: 'અમને કામ આપો. અમારી આર્થિક સ્થિતિ અત્યારે નબળી છે...' પહેલાં એવી અપીલ નીના ગુપ્તાએ કરી. આજે તો ટેલિવિઝન પર દોઢસો બસો ચેનલ્સ આવે છે. પરંતુ દૂરદર્શનનું એકચક્રી રાજ્ય હતું ત્યારે સુપરહિટ નીવડેલી સિરિયલ બુનિયાદમાં નીનાએ મહત્ત્વનો રોલ કરેલો.

એના કરતાં વધુ વાત કરી તો અડધો ડઝન ઓસ્કાર એવોર્ડ મેળવનારી રિચર્ડ એટનબરોની ફિલ્મ ગાંધી ઉપરાંત મર્ચંટ આઇવરીની ધ ડિસિવર્સ (૧૯૮૮), ઇન કસ્ટડી (૧૯૯૩ ) અને કૉટન મેરી (૧૯૯૯) જેવી હોલિવૂડની ફિલ્મો કરેલી. 

શ્યામ બેનેગલની ફિલ્મો અને ટીવી શો કરેલા. છેલ્લે સુભાષ ઘાઇની ફિલ્મ ખલનાયકમાં માધુરી દીક્ષિત સાથે હિટ ગીત ચોલી કે પીછે ક્યા હૈ... ગીતમાં ડાન્સ કરેલો. એ સમયે રળેલાં નાણાં ક્યાં ઊડાવી દીધાં ? વાર્ધક્યને યાદ રાખીને બચત ન કરી ? 

કેટલેક અંશે એવીજ ઉજ્જવળ કારકિર્દી અભિનેત્રી જયા ભટ્ટાચાર્યની રહી. એકતા કપૂરની ક્યૂં કી સાસ ભી કભી બહુ થી જેવી સિરિયલથી શરૃ કરીને એણે અડધો ડઝન સિરિયલોમાં સંવેદનશીલ રોલ્સ કર્યા. સંજય લીલા ભણસાલીની દેવદાસ અને લજ્જા એમ બે ફિલ્મો પણ કરી.

આ બંને પ્રતિભાવાન અભિનેત્રીઓએ ઓનરરી એટલે કે સ્વૈચ્છિક રીતે નિ:શુલ્ક (એક પણ પાઇ પૈસો લીધા વિના) તો કામ નહીં કર્યું હોય ને ? નીના હાલ ૬૩-૬૩ વર્ષની છે જ્યારે જયા તો ફક્ત ૪૬ વર્ષની છે. કબૂલ કે હાલ લગભગ રોજ નવી નવી પ્રતિભાઓ અને કલાકારો મનોરંજન ઉદ્યોગમાં આવે છે એટલે બહુ ઝડપથી કેટલાક કલાકારો ભૂલાઇ જાય છે. અન્યોના જવાથી ખાલી પડેલી જગ્યાઓ નવી પ્રતિભા ભરી દે છે.

પરંતુ આવું થવાની કોઇ નવાઇ નથી. માનવજીવનના દરેક ક્ષેત્રમાં આવું બનતું રહેે છે. મનોરંજન ઉદ્યોગમાં રહેલા લોકો જાણ્યે અજાણ્યે પબ્લિક ફિગર બની જાય એટલે કંઇક બને તો તરત મિડિયાની નજરે ચડી જાય.

અહીં સવાલ એ થાય કે ટોચ પર હોય અથવા કહો કે પૂરતું કામ મળતું હોય ત્યારે આ કલાકારો ભવિષ્યને દ્રષ્ટિ સમક્ષ રાખીને કંઇ બચત નહીં કરતાં હોય ? નીના તો સંસ્કૃત ભાષામાં અનુસ્નાતક થઇને પીએચ. ડી. કરવા આગળ વધી હતી. એટલે કે ઉચ્ચ શિક્ષણ પામેલી મહિલા છે.

મનોરંજન ઉદ્યોગ આમેય સદાને માટે અનિશ્ચિત ગણાય છે. એક ટોચના ગાયકે સરસ વાત કરેલી એણે કહ્યું, 'અમારી કારકિર્દી વધુમાં વધુ દસ પંદર વર્ષ પૂરતી હોય છે. ગળાકાપ સ્પર્ધાના આ યુગમાં જેટલો સમય કામ મળતું હોય તેટલો સમય ઝડપી લઇને બે પૈસા કમાઇને બચાવી લેવા. આવતી કાલ કોણે દીઠી છે ?'

આ મુદ્દે વિચારતાં આગલી પેઢીના કલાકારો વધુ સમજુ હતા એમ લાગે છે. ૧૯૪૧માં ગ્રેજ્યુએટ થઇને આવેલા મન્ના ડે, દાદામુનિના હુલામણા નામે જાણીતા અભિનેતા (સાયન્સ ગ્રેજ્યુએટ) અશોક કુમાર, જ્યુબિલી કુમાર તરીકે પંકાયેલા રાજેન્દ્ર કુમાર... આ ત્રણે તો ઠીક કે ટોચના હતા. 

પોપટલાલ તરીકે જાણતા કોમેડિયન અભિનેતા રાજેન્દ્ર નાથે પણ કારકિર્દીના મધ્યાહ્ને સારી એવી બચત કરી લીધી હતી. એ બધા સિનિયર કલાકારોની તુલનાએ આ કલાકારોની સ્થિતિ વિશે જાણીએ ત્યારે આંચકો લાગે.

નિયમિત સારી આવક મળતી હતી ત્યારે સહેજ પણ બચત ન કરી ? કે પછી આવેલાં નાણાં વેડફી નાખ્યાં ? યોગાનુયોગે હોલિવૂડના ટોચના કલાકાર જ્હૉની ડેપને નિકટથી ઓળખતા લોકોએ અને ખાસ તો એના એકાઉન્ટન્ટે પણ એવી ટકોર કરી હતી કે આ માણસ પૈસાને પાણીની જેમ ઊડાવે છે. પછી ફરિયાદ કરે છે કે તમે મારાં નાણાંની ગોલમાલ કરી છે. વધુ ફરી ક્યારેક.

Comments