સિનેમેજિક - અજિત પોપટ
15 ડિસેમ્બર 2017, શુક્રાવર
મહાભારતની શરૃઆતની આવૃત્તિમાં પચીસ હજાર શ્લોકો હતા. આજે જે મહાભારત આપણી પાસે છે એમાં એક લાખ શ્લોકો છે
ગયા શુક્રવારથી આપણે શશી કપૂર નિર્મિત અને શ્યામ બેનેગલ નિર્દેશિત ફિલ્મ ઝુનૂનની વાત શરૃ કરી છે. આપણાં મહાકાવ્યો રામાયણ મહાભારતમાં જેમ કેટલાંક પાઠાંતરો મળે છે એવું વિશ્વની લગભગ દરેક ભાષાના સાહિત્યમાં બનતું આવ્યું છે.
કહે છે કે મહાભારતની શરૃઆતની આવૃત્તિમાં પચીસ હજાર શ્લોકો હતા. આજે જે મહાભારત આપણી પાસે છે એમાં એક લાખ શ્લોકો છે. આટલું ઓછું હોય તેમ માણભટ્ટો દ્વારા કથાને વધુ મનોરંજક બનાવવા એમાં કેટલાક ઉમેરા કરવામાં આવતા. એક દાખલો ખરેખર રસપ્રદ છે.
મહાભારતના વિરાટ પર્વમાં સૈરંધ્રી બનીને વિરાટની રાણીની સેવા કરતી દ્રૌપદી પર વિરાટનો સાળો કીચક નજર બગાડે છે ત્યારે બલ્લવ (ભીમ) એેને નૃત્યશાળામાં બોલાવીને પતાવી નાખે છે. અહીં માણભટ્ટો કહે, પછી ભીમે નૃત્યશાળાની દિવાલ પર લખ્યું, પરનારી શું પ્રીત કરંતા નાહક જાન ગુમાવ્યો, રાજાનો આ સાળો કીચક મેં માર્યો મેં માર્યો...બીજે દિવસે જે કોઇ નૃત્યશાળામાં આવે એ વાંચે અને ડરે કારણ કે અંતિમ શબ્દો હતા મેં માર્યો...
કંઇક એવુંજ ઝુનૂનના ઔર એક ગીતનું કહીએ તો ચાલે. શશી કપૂરની અભિનેત્રી પત્ની જેનિફર કેન્ડલના નામે ચડેલું આ ફિલ્મનું એક ગીત એના મુખડાની મનોહારિતાને કારણે અગાઉ અનેકવાર રચાયું અને ગવાયું.
સૌથી પહેલાં ટ્રેજેડી નાટકો લખનારા હેમ્લેટ ફેમ વિલિયમ શેક્સપિયરના નામે આ ગીતનું મુખડું ચડયું. ત્યારબાદ યૂરોપ-અમેરિકાના લગભગ દરેક સદીના ટોચના ગીતકારો-ગાયકોએ આ મુખડાને અખંડ રાખીને નવાં ગીતો રચ્યાં અને ગાયાં. આપણા કવિ સુરેશ દલાલે એ જ રીતે નરસિંહ મહેતા કે મીરાંનાં ગીતોની પ્રથમ પંક્તિ લઇને નવાં ગીતો રચ્યાં હતાં એ તમને યાદ હશે.
અહીં જે ગીતની વાત આપણે કરી રહ્યાં છીએ એનું મુખડું હતું 'કમ લીવ વીથ મી એન્ડ બી માય લવ...' શેક્સપિયર પછી ક્રિસ્ટોફર માર્લોવી, ટોમ સ્ટોપર્ડ, હેરોલ્ડ પીન્ટર, એલન બેનેટ, થોમસ ડેકર અને બીજાં ઘણાં ગીતકારો ગાયકોના નામે આ ટાઇટ ચડયું છે. ઝુનૂનમાં આ ગીત જેનિફર કેન્ડલના નામે રજૂ થયું હતું. શક્ય છે, આ પણ એક પાઠાંતર હોઇ શકે. પાશ્ચાત્ય શાસ્ત્રોક્ત સંગીતના ઊંડા અભ્યાસી એવા વનરાજ ભાટિયા માટે આ ગીતને સ્વરબદ્ધ કરવાનું બહુ કઠિન નહોતું એ સમજી શકાય એવી વાત છે.
ઝુનૂનનું છેલ્લું ગીત 'ઘિર આયી કારી ઘટા મતવાલી, સાવન કી આયી બહાર રે...યોગેશ પરવીનની રચના હતી. શ્રાવણનાં સરવરિયાંનો મહિમા કરતાં ગીતો ઉત્તર ભારતમાં ઠેર ઠેર સાવન કે દિન તરીકે હોંશે હોંશે ગવાય છે. આ ગીત આશા ભોંસલે અને એમનાં પુત્રી વર્ષાના કંઠમાં હતું. આ વર્ષાએ ઘેરા ડિપ્રેશનનો શિકાર બનીને ૨૦૧૨ના ઓક્ટોબરમાં આત્મહત્યા કરી હતી. આશાજીની તુલનાએ વર્ષાનો કંઠ સાવ એમેચ્યોર ગણાય.
અલબત્ત, એણે પોતાની લિવિંગ લેજન્ડ સમાન માતા સાથે ઘણા સ્ટેજ પ્રોગ્રામમાં ગીતો ગાયાં હતાં. અખબારોમાં કૉલમો લખી હતી. જો કે એના એમેચ્યોર લાગે એવા કંઠનો વનરાજને વાંધો નહોતો. એ તો સતત પ્રયોગશીલ સંગીતકાર હતા. એ સિવાય પહેલાં પ્રીતિ સાગર અને પછી વર્ષા ભોંસલેને શી રીતે તક આપે ? એમના એ પ્રયોગો શત પ્રતિશત સફળ થયા એ પણ જમાનાએ જોયું.
અહીં ઔર એક વાતનો ઉલ્લેખ જરૃરી બની જાય એવું આ લખનારને લાગે છે. સમગ્ર કપૂર ભાઇઓની ફિલ્મોના સંગીતની વાત કરો તો રાજ કપૂર, શમ્મી કપૂર અને શશી કપૂર ત્રણે ભાઇઓ પોતાની ફિલ્મોના સંગીત અંગે વધુ પડતા સજાગ રહેતા. આપણે શશીની ફિલ્મોગ્રાફી જોઇએ તો ખ્યાલ આવે કે એણે જવલ્લેજ પ્રયોગશીલ સંગીતકાર સાથે કામ કર્યું છે. પૃથ્વી થિયેટરમાં ભજવાતાં નાટકોની વાત અલગ છે અને એની કમર્શિયલ ફિલ્મોના સંગીતની વાત અલગ છે.
એની કેટલીક હિટ ફિલ્મોનાં સંગીતની વાત પરથી આ હકીકતનો ખ્યાલ આવશે. એની પહેલી સુપરહિટ ફિલ્મ જબ જબ ફૂલ ખિલેમાં કલ્યાણજી આનંદજીનું સંગીત હતું, શર્મિલીમાં એસડી બર્મન અને બસેરામાં આરડી બર્મન હતા, અમિતાભ બચ્ચન સાથેની સુહાગમાં લક્ષ્મીકાંત પ્યારેલાલ હતા, સત્યમ્ શિવમ્ સુંદરમ્ તો રાજ કપૂરની ફિલ્મ હતી એટલે એનું સંગીત રાજ સાહેબે તૈયાર કરાવેલું.
બીજી બાજુ ઝુનૂન શશી કપૂરની પોતાની ફિલ્મ હતી, પરંતુ એના સંગીત અંગે શશી કપૂરને સમજાવીને શ્યામ બેનેગલે માનસિક રીતે તૈયાર કર્યા હતા. તાજેતરમાં શશીજીનો દેહવિલય થયો ત્યારે એ વાત આ લખનારને યાદ આવી હતી. બાકી કપૂર ભાઇઓને ફિલ્મનાં અમુક પાસાં બાબત તૈયાર કરવા એ કપરું કામ હતું. તમને તીસરી મંજિલ યાદ હશે.
નાસિર હુસૈન સાથેના પોતાના વરસો જૂના સંબંધોના પગલે શમ્મી કપૂરે શંકર જયકિસનનો આગ્રહ કરેલો અને સિનિયર સંગીતકાર સી રામચંદ્રે કરેલી દરમિયાનગીરીના પગલે શમ્મીએ આરડી બર્મનને સંગીતકાર તરીકે સ્વીકારેલા એ હકીકત આપણે સૌ જાણીએ છીએ. એકવાર શ્યામ સાથે આ મુદ્દે ચર્ચા થઇ ગયા બાદ શશી કપૂરે કદી આ મુદ્દે કામમાં દરમિયાનગીરી કરી નહોતી.
Comments
Post a Comment