ટોપ્સીટર્વી - અજિત પોપટ
રંગભૂમિ પર કામ કરતાં કરતાં બે કલાકારો એકમેકના પ્રેમમાં પડયાં અને પરણી ગયાં. બંને બે સંતાનોનાં માતાપિતા બન્યાં. એક ખુશનસીબ પળે અભિનેતાને ફિલ્મોમાં કામ કરવાની તક મળી અને કેટલીક સફળ ફિલ્મો બાદ એ ન્યૂઝ રીડરમાંથી અભિનેત્રી બનેલી એક યુવતીના પ્રેમમાં પડયો.
એની સાથે પણ લગ્ન કર્યાં. સવાલ એ છે કે પહેલીવારનો પ્રેમ સાચો હતો કે બીજીવારનો ?....આ અભિનેતાની ઓળખ આપવાની જરૃર ખરી ? એક સમય હતો જ્યારે શ્રીમંતો નબીરાઓમાં ઉપવસ્ત્ર રાખવાની ફૅશન હતી. આજેય એમ કહેવાય છે કે સોમાંથી ૯૦-૯૫ ધનાઢ્ય નબીરા ઉપવસ્ત્ર રાખે છે. એક વાત તો નક્કી કે સ્ત્રી અને પુરુષ બંને એકમેકની સાથે સંમત હોય તો જ આવા લગ્નબાહ્ય સંબંધો વિકસતા હોય છે.
બંનેની સંમતિ હોય અને એ લગ્નબાહ્ય સંબંધ ગેરકાયદે ગણાય ત્યારે પુરુષને મિનિમમ ત્રણ વર્ષની જેલ થાય એવો કાયદો છેક ૧૮૬૦માં એટલે કે આજથી એકસો સત્તાવન વર્ષ પહેલાં ત્યારની ઇસ્ટ ઇન્ડિયા કંપનીના વહીવટદારોએ ઘડયો હતો. એ કાયદાનંુ મૂલ્યાંકન ત્યારબાદ કદી થયું નહીં.
આજે જ્યારે માનવ જીવનનાં મોટા ભાગનાં ક્ષેત્રોમાં સ્ત્રીઓ પોતાને પુરુષ સમોવડી ગણે છે, માતબર મલ્ટિનેશનલ કંપનીઓમાં તેમજ કોર્પોરેટ સેક્ટરમાં ટોચના સ્થાને બિરાજે છે ત્યારે ઇન્ડિયન પીનલ કૉડની ૪૯૭મી કલમ અંગે તાજેતરમાં સુપ્રીમ કોર્ટે સવાલ ઊઠાવ્યો હતો. હકીકતમાં આવા સંખ્યાબંધ કાયદા છે જે બાવા આદમના જમાનાના છે. ન તો એમાં સુધારા થયા છે કે ન તો એ રદ કરાયા છે. જાણીને નવાઇ લાગશે પરંતુ ખુદ ટ્રાફિક પોલીસ અધિકારીઓને મોટર વેહિકલ એક્ટમાં થયેલા ફેરફારો અને મૂળ કાયદાની જાણ નહીં હોય. સૌ પહેલાં મોટર વેહિકલ એક્ટ ૧૯૧૪માં ઘડાયો હતો.
એમાં ફેરફાર થયા ૧૯૩૯માં. ત્યારબાદ છેક ૧૯૮૮માં અને હાલ ૨૦૧૭ના વર્ષમાં એમાં વધુ એક સુધારો (એમેન્ડમેન્ટ )આવ્યો. આ કાયદો ૧૯૧૪માં ઘડાયો ત્યારે હજુ ભારતની સડકો પર મોટરો અત્યંત જૂજ સંખ્યામાં હતી. ફક્ત બળદગાડાં, ટાંગા અને સાઇકલોની બોલબાલા હતી. એટલે સાઇકલને કેન્દ્રમાં રાખીને કેટલીક જોગવાઇ ઠરાવાઇ હતી. વાત વ્યભિચારની છે.
બોલચાલની ભાષામાં કહીએ તો તાળી કદી એક હાથે પડતી નથી. લગ્નબાહ્ય સંબંધ કોઇ બે પાત્રની સંમતિ વિના શક્ય બનતો નથી. બેમાંથી એક પણ પાત્રની અસંમતિ હોય તો એ બળાત્કારનો કેસ બની જાય. આજે જો કે કેટલાંક એવાં યુગલો છે જેમની વચ્ચે સારાસારી હોય ત્યારે કશો વાંધોવિરોધ હોતો નથી.પરંતુ સંબંધ વિચ્છેદ થઇ જાય ત્યારે યુવતી પોતાના પર બળાત્કાર થયો હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી દે છે.
સુપ્રીમ કોર્ટે યોગ્ય રીતે કેન્દ્ર સરકારને પ્રશ્ન કર્યો છે- પરસ્પરની સંમતિથી જ્યારે આડા સંબંધો બંધાતા હોય અને એ પકડાઇ જાય ત્યારે માત્ર પુરુષને અપરાધી ઠરાવીને સજા શા માટે કરવી જોઇએ ? આજે માનવ જીવનનાં તમામ ક્ષેત્રોમાં સ્ત્રી પુરુષ સમોવડી હોવાનો દાવો કરતી હોય તો આડા સંબંધોના કેસમાં પુરુષની જેમ સ્ત્રીને પણ સજા કેમ ન કરવી ? વાત વિચારવા જેવી તો છે.
વાત એ છે કે સામાજિક પરંપરા અને લક્ષ્મણરેખા ઓળંગીને સ્ત્રી કે પુરુષ મનસ્વી કે સ્વચ્છંદી રીતે વર્તી શકે નહીં. એ રીતે વિચારીએ તો સુપ્રીમ કોર્ટે કરેલો સવાલ સહજ અને સ્વાભાવિક લાગે છે.
જો કે કાયદાનું યથેચ્છ અર્થઘટન કરીને સ્ત્રીને સંતાપવાની છટકબારી શોધી કાઢનારા સંખ્યાબંધ ધારાશાસ્ત્રીઓ પણ આપણા સમાજમાં છે. હજુય આપણે ત્યાં કેટલાક જ્ઞાાતિ-જાતિ સમાજમાં સ્ત્રીને પગની જૂતી સમાન ગણવાની અપમાનજનક પરંપરા છે એ પણ હકીકત છે. આમ છતાં આડા સંબંધોના મુદ્દે સુપ્રીમ કોર્ટે કરેલો સવાલ સમયસરનો અને વાજબી હોવાની છાપ પડે છે.
Comments
Post a Comment