અપરાધ અને ઉંમર વચ્ચે શો સંબંધ છે ?- દિવસે દિવસે ટીનેજર્સ ગુનેગાર વધતા જાય છે

ટુ ધ પોઇન્ટ - અજિત પોપટ

બચપન કે દિન ભી ક્યા દિન થે, ઊડતે ફિરતે તીતલી બન... કે એક થા બચપન, છોટા સા નન્હા સા બચપન, એક થા બચપન..   ફિલ્મગીતોમાં શૈશવ વિશે કેવી કેવી અદ્ભુત કલ્પના કરવામાં આવી છે ! આવા અસંખ્ય ફિલ્મ ગીતો મળી આવે જેમાં બાળકોનાં ભોળપણ, નિર્દોષતા, ચુંબકીય સ્મિત વગેરેનો મહિમા બિરદાવવામાં  આવ્યો હોય.

ગીતાંજલિકાર કવિવર રવીન્દ્રનાથ ઠાકુરના નામે તો સનાતન સત્ય જેવું એક વાક્ય સાંભળ્યું છે- જ્યારે કોઇ નવું બાળક જન્મે ત્યારે મને લાગે છે કે ઇશ્વરે હજુ માનવજાતમાંથી પોતાનો વિશ્વાસ ગુમાવ્યો નથી. તો શાયર નિદા ફાઝલીએ કહ્યું, ઘર સે મસ્જિદ તો બહુત દૂર હૈ લેકિન ચલો, એક રોતે હુએ બચ્ચે કો હંસાયા જાયે... આવી વાતો વાંચવી કે સાંભળવી ગમે.

પરંતુ છેલ્લા કેટલાક સમયથી બની રહેલી ઘટનાઓ જોતાં એમ લાગ્યા વિના રહેતું નથી કે નવી પેઢીનાં બાળકોમાં કોઇ અગોચર કે આસુરી તત્ત્વ ઘર કરી ગયું છે. માત્ર બે દાખલા આ સંદર્ભમાં ટાંકવાની ઇચ્છા જાગે છે.

બંને દાખલા વચ્ચે માત્ર ત્રણ મહિનાનો સમયગાળો નોંધાયો છે. ચાલુ વર્ષના સપ્ટેંબરની નવમીએ સવારનાં દૈનિકોમાં કમકમાટી ભરેલા એક સમાચાર પ્રગટ થયા. હરિયાણાના ગુરગાંવ વિસ્તારમાં એક પ્રતિષ્ઠિત સ્કૂલના બાથરૃમમાં પ્રદ્યુમ્ન ઠાકુર નામના સાત વર્ષના બાળકનો મૃતદેહ મળી આવ્યો. એનું ગળું કોઇ ધારદાર શસ્ત્ર વડે કાપી નખાયું હતું.

પોતે કાર્યક્ષમ છે એવું દર્શાવવા પોલીસે તો સ્કૂલ બસના કન્ડક્ટરને આ કેસમાં ફસાવી દીધો. પરંતુ પાછળથી વિગતવાર અને ઝીણવટભરી તપાસ થઇ ત્યારે ખબર પડી કે આખું વરસ ચરી ખાનારા દસમા અગિયારમા ધોરણના કોઇ વિદ્યાર્થીએ પરીક્ષા ન લેવાય એ માટે ઘાતકીપણે આ બાળકને વધેરી નાખ્યો હતો.

બરાબર ત્રણ મહિના પછી શુક્રવાર ૮મી ડિસેંબરના દૈનિકમાં પ્રગટ થયેલા એેક સમાચાર મુજબ હરિયાણામાંજ આવો બીજો બનાવ બન્યો. પાંચ વર્ષની વૈષ્ણવીના શ્રીમંત પિતા પાસેથી વીસ લાખ રૃપિયા ઓકાવવાની લાલચમાં ૧૬ વર્ષના અને ૧૧મા ધોરણમાં ભણતા એક ટીનેજરે વૈષ્ણવીનું અપહરણ કર્યું.

પોલીસ પોતાનું પગેરું પકડી રહી છે એનો ખ્યાલ આવતાં આ ટીનેજર અનિલ સૂદે કશા વાંક ગુના વગરની પેલી બાળકીની હત્યા કરી નાખી.

નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરોના અહેવાલો જોઇએ તો છેલ્લાં પાંચ સાત વર્ષમાં ટીનેજર્સ દ્વારા થયેલા ગુનાઓમાં જબરદસ્ત વધારો થયો છે.

અગાઉ આવા બનાવો છાશવારે અમેરિકા અને યૂરોપના દેશોમાં વધુ બનતા. એ દેશોના ટીનેજર્સની તુલનાએે આપણાં ટીનેજર્સ સાવ બુદ્ધુ કે બોઘા લાગે. પરંતુ હવે સમય પલટાયો લાગે છે. દિવસે દિવસે આપણે ત્યાં પણ ટીનેજર્સ દ્વારા આચરવામાં આવેલા અપરાધોની સંખ્યા વધતી ચાલી છે. એનાં કારણો સમાજ શાસ્ત્રીઓ અને મનોચિકિત્સકોએ વિચારવા જોઇએ. એક કરતાં વધુ કારણો નિમિત્ત બનતાં હશે.    

કાતિલ મેાંઘવારીના આ જમાનામાં માતાપિતા બંને નોકરી કરતાં હોય અને બાળકો માટે પૂરતો સમય ન આપી શકતાં હોય ત્યારે બાળકો સ્વચ્છંદી બનીને જીવતાં થઇ જાય એવી શક્યતા પણ નકારી કઢાતી નથી. ફિલ્મો અને ટીવી સિરિયલો જોઇને પણ બાળકો બહેકી જતાં હોય એવું પણ બને. માત્ર ચૌદ પંદર વર્ષના કિશોરો પાંચ સાત વર્ષની બાળકી પર સામૂહિક બળાત્કાર કરે કે એની હત્યા કરી નાખે એ વાતની હવે જાણે નવાઇ રહી નથી.

એક આખ્ખી પેઢીના વિચારોમાં આસુરી વૃત્તિ અને હિંસા ઘર કરીગઇ છે. પ્રદ્યુમ્ન ઠાકુરની હત્યા કરનારા ઉપલા ધોરણના વિદ્યાર્થીએ પોલીસ સમક્ષ એકરાર કર્યો ત્યારે એના ચહેરા પર જરાય પશ્ચાત્તાપ નહોતો એવા અહેવાલો પ્રગટ થયા હતા.

એનો અર્થ એવો કે આ બાળકો પર ફિલ્મી ખલનાયક હાવી થઇ ગયા છે. તેમને હીરો કરતાં ખલનાયક વધુ આકર્ષક જણાય છે. પોતે કંઇ ખોટું કરી રહ્યા છે એવું એ લોકોને લાગતું નથી. બળાત્કાર કે હિંસા કર્યા બાદ જે સજા થવાની હોય એની ગંભીરતાથી એ અજાણ હોવા જોઇએ.

પાંચેક વર્ષ પહેલાં નિર્ભયા કાંડ થયો ત્યારે કોર્ટમાં એવી દલીલ કરવામાં આવેલી કે એ અપરાધમાં સહભાગી હતો એવા ટીનેજરને પુખ્ત વયનો (મેચ્યોર) ગણીને એને પણ વાજબી સજા કરવી. આ મુદ્દા પર કાયમી ધોરણે વિચાર કરવાની જરૃર છે એવું નથી લાગતું ? ચૌદ પંદર વર્ષની વયનો ટીનેજર માનસિક દ્રષ્ટિએ પુખ્ત (મેચ્યોર) હોઇ શકે છે. જન્મતારીખના આધારે માત્ર ઉંમર ધ્યાનમાં લઇને ગુનાની ગંભીરતા ઓછી આંકવી એ તો કુદરતી ન્યાયનો ભંગ થયો ગણાય. વાત વિચારવા જેવી છે.

Comments